શોએબ અખ્તરે લગાવી પાકિસ્તાની ફેન્સને ફટકાર, જાણો ભારત પર શું લગાવેલો આરોપ

PC: indiatvnews.com

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પાકિસ્તાની ફેન્સના એ વિચારવા પર સવાલ ઉઠાવ્યો કે ભારતીય ટીમ મંગળવારે કોલંબોમાં શ્રીલંકા વિરુદ્ધ મેચમાં જાણીજોઇને હારવાનો પ્રયાસ કરી રહી હતી. એશિયા કપ સુપર-4 રાઉન્ડમાં ભારતે શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. ભારતીય ટીમે આ અગાઉ પાકિસ્તાનને પણ 228 રનોથી હરાવી હતી, ત્યારબાદ પાકિસ્તાન માટે એશિયા કપની ફાઇનલમાં પહોંચવાનો રસ્તો થોડો મુશ્કેલ થઈ ગયો છે. એવામાં જો ભારતીય ટીમ ગત મંગળવારે શ્રીલંકા સામે હારી જતી તો પાકિસ્તાન માટે ફાઇનલનો રસ્તો મુશ્કેલ થઈ જતો.

આ જ કારણે પાકિસ્તાની ફેન્સ સોશિયલ મીડિયા પર એવો દાવો કરી રહ્યા હતા કે ભારત જાણીજોઇને શ્રીલંકા સામે હારવા માગે છે જેથી પાકિસ્તાન ફાઇનલમાં ન પહોંચી શકે. એવા ફેન્સને શોએબ અખ્તરે જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે, ‘લોકોને શું થઈ ગયું છે કે ભારતીય ટીમ જાણીજોઇને શ્રીલંકા સામે હારી રહી છે અને તેના પર મીમ્સ બની રહ્યા છે. શું તમે પાગલ થઈ ગયા છો? શું તમે નથી જોઈ રહ્યા કે અસલંકા અને વેલ્લાલાગેએ કેટલી સારી બોલિંગ કરી? તેઓ એમ શા માટે કરવા માગશે કે હારો જેથી પાકિસ્તાન બહાર થઈ જાય? તેઓ ફાઇનલમાં જવા માગતા હતા અને તેણે (ભારતીય ટીમ) મેદાનમાં પોતાનું બધુ જ લગાવી દીધું.’

આ પૂર્વ બોલરે અગાળ પાકિસ્તાનના ખેલાડીઓને મેચના અંત સુધી લડવાની સલાહ આપતા કહ્યું કે, બુમરાહ, સિરાજ, કુલદીપ અને જાડેજાએ ભારત માટે જે ફાઇટ કરી, તેને જુઓ. એ ફાઇટ જુઓ, જે 20 વર્ષીય વેલ્લાલાગેએ બૉલ અને બેટથી કરી. આપણે આપણાં ખેલાડીઓ પાસે એવી ફાઇટ નથી જોઈ, પરંતુ તેમને દોષી પણ નહીં ઠેરવી શકાય. કેમ કે તેઓ મેચ જ નથી રમતા. છેલ્લી વખત આપણે એક વર્ષમાં 25-30 વન-ડે મેચ ક્યારે રમી હતી? 4 ઓવર બોલિંગ કરનારા પાસે તમે ઇજાગ્રસ્ત થયા વિના 10 ઓવર બોલિંગ કરવાની આશા કેવી રીતે કરશો?

ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચની વાત કરીએ તો રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને સારી શરૂઆત અપાવી હતી, પરંતુ ત્યારબાદ સતત વિકેટ પડતી રહી. એક સમયે એમ લાગી રહ્યું હતું કે, ભારતીય ટીમ 200 રન પણ નહીં બનાવી શકે, પરંતુ અક્ષર પટેલ એક તરફ ટકી રહ્યો અને તેના મહત્ત્વપૂર્ણ રનોની મદદથી ભારતીય ટીમ 213 રન સુધી પહોંચી હતી. પરંતુ શ્રીલંકા એ પણ ચેઝ ન કરી શકી અને 172 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. એશિયા કપમાં પાકિસ્તાનની આગામી મેચ 14 સપ્ટેમ્બર એટલે કે આજે શ્રીલંકા વિરુદ્ધ થશે. આ મેચમાં જે ટીમ જીતશે તે 17 સપ્ટેમ્બરના રોજ ભારત સાથે ફાઇનલમાં રમશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp