ગાંગુલી અને શ્રીકાંતે વર્લ્ડ કપ માટે પસંદ કરી ભારતની 15 સભ્યોની ટીમ
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને પૂર્વ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે 5 ઓક્ટોબરથી રમાનારા 2023ના વન-ડે વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમ પસંદ કરી છે. સૌરવ ગાંગુલીએ પોતાની વર્લ્ડ કપ ટીમમાં એશિયા કપની ટીમના બે ખેલાડીઓને જગ્યા આપી નથી. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ 5 સપ્ટેમ્બર અગાઉ 2023ના વન-ડે વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરવાની છે. એમ માનવામાં આવી રહ્યું છે કે, ભારતની એશિયા કપની જે ટીમ છે તેના જેવી જ વર્લ્ડ કપની ટીમ પણ હશે.
ભારતના ચીફ સિલેક્ટર અજીત અગરકરે પણ એશિયા કપ માટે ટીમની જાહેરાત વખત કહ્યું હતું કે, વર્લ્ડ કપ ટીમ પણ કંઈક એવા જ પ્રકારની હશે. જો કે, સૌરવ ગાંગુલીએ પોતાની વર્લ્ડ કપ ટીમમાં એશિયા કપની ટીમના બે ખેલાડીઓને જગ્યા આપી નથી. સૌરવ ગાંગુલીએ પોતાની વર્લ્ડ કપ ટીમમાં તિલક વર્મા અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને સિલેક્ટ કર્યા નથી. સૌરવ ગાંગુલીએ 15 સભ્યોની ટીમ સિવાય 3 રિઝર્વ ખેલાડીઓ પણ પસંદ કર્યા છે. જેમાં યુઝવેન્દ્ર ચહલ, તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણા સામેલ છે.
તો ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે પણ ICC વર્લ્ડ કપ 2023 માટે પોતાની પસંદગીની ટીમની જાહેરાત કરી છે. પૂર્વ મુખ્ય સિલેક્ટર શ્રીકાંતે 15 સભ્યોની ટીમમાં શ્રેયસ ઐય્યરને સામેલ કર્યો નથી, જે હાલમાં જ ઇજામાંથી બહાર આવ્યા બાદ ભારતીય ટીમમાં પુનરાગમન કરી રહ્યો છે. તે એશિયા કપ 2023 સ્ક્વોડનો હિસ્સો છે. શ્રેયસ ઐય્યરે નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં 199 રનની ઇનિંગ રમીને સિલેક્ટર્સને ફિટનેસનું પ્રમાણ આપ્યું હતું.
વન-ડે વર્લ્ડ કપ 2023 માટે સૌરવ ગાંગુલીએ પસંદ કરેલી ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઇશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને શાર્દૂલ ઠાકુર.
વન-ડે વર્લ્ડ કપ 2023 માટે કૃષ્ણમચારી શ્રીકાંતે પસંદ કરેલી ભારતીય ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઇશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બૂમરાહ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને શાર્દૂલ ઠાકુર.
વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનું આખું શેડ્યૂલ:
8 ઓક્ટોબર: ઈન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા, ચેન્નાઈ.
11 ઓક્ટોબર: ઈન્ડિયા વર્સિસ અફઘાનિસ્તાન, દિલ્હી.
14 ઓક્ટોબર: ઈન્ડિયા વર્સિસ પાકિસ્તાન, અમદાવાદ.
19 ઓક્ટોબર: ઈન્ડિયા વર્સિસ બાંગ્લાદેશ, પૂણે.
22 ઓક્ટોબર: ઈન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ, ધરમશાળા.
2 નવેમ્બર: ઈન્ડિયા વર્સિસ શ્રીલંકા, મુંબઈ.
5 નવેમ્બર: ઈન્ડિયા વર્સિસ દક્ષિણ આફ્રિકા, કોલકાતા.
12 નવેમ્બર: ઈન્ડિયા વર્સિસ નેધરલેન્ડ, બેંગ્લોર.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp