'વિરાટે WC બાદ ટેસ્ટ જ રમવી જોઇએ', અખ્તરના નિવેદન પર દાદાએ આપ્યો જડબાતોડ જવાબ

તેમાં કોઈ શંકા નથી કે વિરાટ કોહલી વિશ્વના સૌથી શાનદાર બેટ્સમેનોમાંથી એક છે. તેણે ભારતને એકલાના દમ પર ઘણી મેચોમાં જીત અપાવી છે. આ જ કારણ છે કે તેની ફેન ફોલોઇંગ કરોડોની સંખ્યામાં છે. મોટા ભાગના ફેન્સ ઈચ્છે છે કે વિરાટ કોહલી હજુ ઓછામાં ઓછો 5-6 વર્ષ દરેક ફોર્મેટમાં રમે, પરંતુ પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરનું માનવું છે કે, તેણે (વિરાટ કોહલીએ) વર્લ્ડ કપ 2023 બાદ 50 ઓવરની મેચ ન રમવી જોઈએ.
તેણે કહ્યું કે, મને લાગે છે કે તેણે 5-6 વર્ષ સુધી હજુ રમવું જોઈએ અને સચિન તેંદુલકરનો 100 સદીનો રેકોર્ડ તોડવો જોઈએ. તેની પાસે રેકોર્ડ તોડવાની ક્ષમતા છે. આ વર્લ્ડ કપ બાદ તેણે માત્ર ટેસ્ટ ક્રિકેટ રમવી જોઈએ. તો શોએબ અખ્તરના આ નિવેદનથી સૌરવ ગાંગુલી ખુશ નથી. તેમણે શોએબ અખ્તરને તેનો જવાબ આપતા એક ઇવેન્ટમાં કહ્યું કે, ‘કેમ? વિરાટ કોહલીએ જે પ્રકારે ક્રિકેટ રમવાની છે, તેણે આ જ પ્રકારે રમવી જોઈએ કેમ કે તે સારું પરફોર્મ કરે છે.
સૌરવ ગાંગુલીએ એ સિવાય વર્લ્ડ કપ 2023ને લઈને પણ વાત કહી. તેમણે કહ્યું કે, જો ICC વર્લ્ડ કપ 2023માં શ્રેયસ ઐય્યર ઉપલબ્ધ થતો નથી તો ભારત ચોથા નંબર પર ડાબા હાથના બેટ્સમેન તરીકે તિલક વર્માને ઉતારવો જોઈએ. કોણે કહ્યું, આપણી પાસે ચોથા નંબર માટે વિકલ્પ નથી. આપણી પાસે અનેક બેટ્સમેન છે જે આ ક્રમ પર રમી શકે છે. મારો વિચાર અલગ છે, હું અલગ ઢંગે જોઉ છું. તે શાનદાર ટીમ છે.
સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તિલક વર્મા પણ એક વિકલ્પ છે, જે ડાબા હાથનો બેટ્સમેન છે. તિલક વર્માએ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ T20 ક્રિકેટમાં ડેબ્યૂ કરીને 22 બૉલમાં 39 રવ બનાવ્યા અને આગામી બે મેચમાં 51 અને નોટઆઉટ 49 રનની ઇનિંગ રમી. તેમણે કહ્યું કે તિલક શાનદાર યુવા ક્રિકેટર છે. તેની પાસે વધુ અનુભવ નથી, પરંતુ તે વધારે મહત્ત્વ રાખતું નથી. હું યશસ્વી જયસ્વાલને પણ ઉચ્ચ ક્રમમાં જોવા માગું છું. તેમાં અપાર પ્રતિભા છે અને તે નીડર રમે છે. તે શાનદાર ટીમ છે.
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીને શોએબ અખ્તરે જે ફોર્મેટ છોડવાની સલાહ આપી છે. કોહલીએ તેમાં જ સૌથી વધુ સદી ફટકારી છે. વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં 46 સદી બનાવી છે. તો T20માં તેણે એક અને ટેસ્ટમાં 29 સદી બનાવી છે. તેની એવરેજ પણ વન-ડે ક્રિકેટમાં ખૂબ સારી રહી છે. જ્યાં એક તરફ વિરાટ કોહલી ટેસ્ટમાં 49 અને T20માં 52ની એવરેજથી રન બનાવે છે. તો બીજી તરફ વન-ડેમાં તે સૌથી વધુ 57ની એવરેજથી રન બનાવે છે. વિરાટ કોહલીના નામે હાલમાં 76 સદી છે. સચિન તેંદુલકરનો રેકોર્ડ તોડવા માટે તેને વધુ 24 સદીની જરૂરિયાત છે. વિરાટ કોહલીએ હાલમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 15 વર્ષ પૂરા પણ કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp