કોણ છે વિવરાંત શર્મા, જે એકલા હાથે લડ્યો મુંબઈ ઈન્ડિયન્સ સામે

PC: mykhel.com

સનરાઇઝર્સ હૈદરાબાદે કાલે પોતાની IPL 2023ની છેલ્લી મેચ રમી. આ સિઝનની છેલ્લી મેચ ભલે તેમના માટે ખાસ ના રહી હોય પરંતુ, તેમના એક પ્લેયરે તેને હંમેશાં માટે યાદગાર બનાવતા ઇતિહાસ રચી દીધો. ભલે SRHની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સામે હારી ગઈ પરંતુ, એક ખેલાડીએ મેચમાં ઇતિહાસ રચી દીધો. તે ખેલાડી બીજો કોઈ નહીં પરંતુ, કાલની મેચમાં ઓપનિંગ કરવા આવેલો SRHનો બેટ્સમેન વિવરાંત શર્મા છે.

તેણે પોતાની ગેમથી સૌને પ્રભાવિત કર્યા અને ડેબ્યૂ મેચમાં જ એક ખાસ રેકોર્ડ બનાવી દીધો. તેણે IPLના ઇતિહાસમાં ડેબ્યૂ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવી દીધો. તેણે 47 બોલમાં 69 રન બનાવ્યા, જેમા 9 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. આ પહેલા ડેબ્યૂ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વર્ષ 2008માં બન્યો હતો જ્યારે RRના સ્વપનિલ અસનોદકરે KKR વિરુદ્ધ 60 રન બનાવ્યા હતા. આ ધમાકેદાર ઇનિંગ બાદથી જ સૌનો પ્રિય બની ગયેલો વિવરાંત શર્મા સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર દરેક જગ્યાએ ચર્ચામાં છે અને લોકો એ જાણવા માંગે છે કે આખરે આ બેટ્સમેન છે કોણ?

તમને એ જાણીને નવાઈ લાગશે કે આ બેટ્સમેન જમ્મૂ-કાશ્મીરનો ખેલાડી છે. જે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની ટીમ માટે કમાલની બેટિંગ કરી ચુક્યો છે અને બોલિંગ પણ કરી ચુક્યો છે. IPLમાં ડેબ્યૂ કરતા પહેલા તેણે SRHની ટીમ માટે ગત સિઝનમાં નેટ બોલર તરીકે પોતાની સેવાઓ આપી હતી. 2022ના IPLના મિની ઓક્શનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે વિવરાંતને 2 કરોડ 60 લાખની બોલી લગાવીને ખરીદ્યો હતો.

તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી, તેને ખરીદવા માટે કોલકાતા નાઇટ રાઇડર્સે પણ બોલી લગાવી હતી. વિવરાંત શર્માને ઘરેલૂં ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યા બાદ આ તક મળી હતી. તેણે વિજય હજારે ટ્રોફી 2022માં ઉત્તરાખંડ વિરુદ્ધ 124 બોલમાં 154 રનની ઇનિંગ રમી હતી. તેને પગલે જમ્મૂ-કાશ્મીર ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પહેલીવાર નોકઆઉટ સુધી પહોંચ્યુ હતું.

તેણે વિજય હજારે ટ્રોફીની ગત સિઝનમાં 56.42ની સરેરાશથી 395 રન બનાવ્યા હતા. તે જમ્મૂ-કાશ્મીર માટે બીજો સૌથી મોટો સ્કોરર બન્યો હતો. અનકેપ્ડ ઇન્ડિયન પ્લેયર વિવરાંતે 4 નવેમ્બર, 2021માં વડોદરામાં આંધ્ર પ્રદેશ વિરુદ્ધ પોતાનું ઘરેલૂં T20 ડેબ્યૂ કર્યું હતું. 23 વર્ષના આ યુવાન બેટ્સમેને List A ક્રિકેટમાં 14 મેચ રમી છે અને પોતાની ટીમ માટે 39.92ની સરેરાશથી 519 રન બનાવ્યા છે.

વિવરાંત શર્માના પિતા સુશીલ શર્મા બોક્સર હતા. તેમણે જમ્મૂ-કાશ્મીર માટે સ્ટેટ લેવલ પર બોક્સિંગ કર્યું હતું. તેમનું મૃત્યુ થયા બાદ મોટા ભાઈ વિક્રાંત શર્માએ ફેમિલી બિઝનેસ જોઈન કરી પોતાના ભાઈને સપોર્ટ કર્યો. વિક્રાંતનું પણ સપનું ક્રિકેટર બનવાનું હતું પરંતુ, પરિવારની જવાબદારીઓને પગલે તેણે તે સપનું છોડવું પડ્યું. પરંતુ, તેણે પોતાના નાના ભાઈ વિવરાંતને હંમેશાં પોતાના સપનાને પૂરા કરવા માટે પ્રોત્સાહિત કર્યો અને તેને ખૂબ સપોર્ટ કર્યો. આજે વિવરાંતની મહેનત અને તેના આશીર્વાદનું જ પરિણામ છે કે તે IPLમાં ડેબ્યૂ કરી શક્યો. આ વર્ષે તો તેને વધુ મેચ રમવા ના મળી પરંતુ, આવતા વર્ષે કદાચ તેને વધુ તક મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp