સુનિલ ગાવસ્કરે શા માટે રોહિત શર્માથી લઈને દ્રવિડ અને BCCIને લીધા આડે હાથ?
પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર હાલની ભારતીય ટીમની તૈયારીઓ અને રોહિત શર્માની કેપ્ટન્સીથી જરાય ખુશ નથી. એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે સીનિયર ખેલાડીઓ, કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પોતાને સૌથી ફિટ કહેનારા ટીમના ખેલાડી વર્ક લોડ અને તણાવની વાતો કરે છે. તેમણે રોહિત શર્માની કેપ્ટન્સી પર પણ નિરાશા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, મને તેની પાસે વધારે આશા હતી, પરંતુ વિદેશી પ્રવાસો પર ટીમ તેના નેતૃત્વમાં મોટી સફળતા હાંસલ ન કરી શકી.
સુનિલ ગાવસ્કરે કહ્યું કે, કેપ્ટન અને કોચે સ્પષ્ટ કરવું જોઈએ કે આ વર્ષે થનારા વર્લ્ડ કપને લઈને તેઓ કેટલા તૈયાર છે અને તેમની આગામી રણનીતિ શું છે? વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલમાં હાર બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે, અમને તૈયારીઓ માટે પૂરો સમય ન મળ્યો. એવી પ્રતિયોગીતાની તૈયારી માટે અમને ઓછામાં ઓછા 20-25 દિવસ જોઈએ. સુનિલ ગાવસ્કરે તેના પર પલટવાર કરતા કહ્યું કે, વેસ્ટ ઇન્ડીઝમાં શું પ્રેક્ટિસ કરી રહી છે ટીમ? 20-25 દિવસની તૈયારીની વાત કેમ કહેવામાં આવી રહી છે.
તેમણે આગળ કહ્યું કે, જો ટીમ 15 દિવસ અગાઉ પહોંચી રહી છે તો ઓછામાં ઓછી 2 વોર્મઅપ મેચ રમવી જોઈએ. આ દરમિયાન મુખ્ય ખેલાડીઓને આરામ આપી શકાય છે, પરંતુ યુવા ખેલાડીઓને રમવાનો ચાંસ મળશે. 34 ટેસ્ટ સદી લગાવી ચૂકેલા મહાન ખેલાડી સુનિલ ગાવસ્કરે રોહિત શર્માની કેપ્ટન્સી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તેની પાસે સારા પ્રદર્શનની આશા હતી. ભારતીય ટીમ T20 ફોર્મેટમાં પણ નિષ્ફળ રહી છે. શું કોચ અને કેપ્ટનથી આ પ્રકારના પ્રદર્શનને લઈને બોર્ડે કોઈ સમીક્ષા કરી?
તેમણે એમ પણ કહ્યું કે, ભારતમાં જીતવું એક વાત છે, પરંતુ વિદેશોમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમનું પ્રદર્શન એવરેજ જ કહી શકાય છે. આપણે વર્લ્ડ કપ સેમીફાઈનલ હાર્યા. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પૂરી રીતે નિષ્ફળ સાબિત થયા. કોચ અને કેપ્ટન પાસે આ મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન પર સવાલ પૂછવા જોઈતા હતા. ટ્રેવિસ હેડની નબળાઈ જાણવા છતા તેની વિરુદ્ધ બાઉન્સરનો ઉપયોગ ત્યારે થયો, જ્યારે તે 80 રન બનાવી ચૂક્યો હતો. શું સિલેક્ટર્સ અને બોર્ડે કેપ્ટનને સવાલ પૂછ્યા કે આપણે ટોસ જીત્યા બાદ ફિલ્ડિંગ કેમ પસંદ કરી. એમ લાગી રહ્યું છે કે સુનિલ ગાવસ્કર ટીમના પ્રદર્શનથી નાખુશ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp