PM શેખ હસીનાના કહેવા પર બાંગ્લાદેશી ખેલાડીએ રિટાયરમેન્ટ લીધું પરત

PC: telegraphindia.com

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમમાં ગજબની ઉથલ-પાથલ જોવા મળી રહી છે. વન-ડે ટીમના કેપ્ટન તમીમ ઇકબાલે અફઘાનિસ્તાન વિરુદ્ધ ચાલી રહેલી 3 મેચોની વન-ડે ઇન્ટરનેશનલ સીરિઝની પહેલી મેચ ગુમાવ્યા બાદ 6 જુલાઇના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. તેના એક દિવસ બાદ જ રિટાયરમેન્ટ પરત લઈ લીધું. તમીમ ઇકબાલે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત બાદ તેમણે રિટાયરમેન્ટ પરત લેવાનો નિર્ણય લીધો.

ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આ મુદ્દા પર તમીમ ઇકબાલ સાથે વાત કરી. શુક્રવારે તમીમ ઇકબાલ પોતાની પત્ની સાથે શેખ હસીનના ઘરે ગયો હતો. આ દરમિયાન બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન મશરફે મૂર્તઝા અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના અધ્યક્ષ નજમૂલ હસન પણ ત્યાં ઉપસ્થિત હતા. તમીમ ઇકબાલે આ મુલાકાત બાદ કહ્યું હતું કે, ‘મને વડાપ્રધાને બોલાવ્યો હતો, તેમણે મારી સાથે વાત કરી અને મને પાછું રમવા કહ્યું તો મેં એ સમયે રિટાયરમેન્ટથી વાપસીનો નિર્ણય લીધો. તેમને ના કહેવું મુશ્કેલ હતું.’

બાંગ્લાદેશે બીજી વન-ડે ઇન્ટરનેશનલ મેચ માટે લિટન દાસને કેપ્ટન બનાવ્યો હતો. 8 જુલાઇના રોજ સીરિઝની બીજી મેચ રમાવાની છે. હવે જોવાનું એ રહેશે કે શું કેપ્ટન તમીમ ઇકબાલ આ મેચમાં રમવા ઉતરશે કે નહીં. બાંગ્લાદેશના અફઘાનિસ્તાન વિરુદ્ધ શરૂઆતી વન-ડે મેચ ગુમાવ્યાના એક દિવસ બાદ જ તેમણે સંન્યાસની જાહેરાત કરીને બધાને હેરાન કરી દીધા હતા. તમીમ ઇકબાલે કહ્યું હતું કે, આ મારા કરિયરનો અંત છે. મેં રમતને પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. મેં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે. હું આ ક્ષણથી ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી રહ્યો છું.

તેણે આગળ કહ્યું કે, હું પોતાની ટીમના બધા સાથીઓ, કોચો, BCBના અધિકારીઓ, મારા પરિવારના સભ્યો તેમજ એ બધાનો આભાર માનવા માગું છું જે મારી આ લાંબી યાત્રામાં મારી સાથે રહ્યા છે. આ બધાએ મારા પર ભરોસો બનાવી રાખ્યો. તમીમ ઇકબાલે પોતાના 16 વર્ષના ક્રિકેટ કરિયરમાં 70 ટેસ્ટમાં 5,134 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને એક બેવડી સદી સામેલ છે. વન-ડે ક્રિકેટમાં ટોપ ઓર્ડરના બેટ્સમેન તરીકે તેની કુશળતા શાનદાર રહી, જેમાં તેણે 241 મેચોમાં 8,313 રન બનાવ્યા છે. જેમાં 14 સદી સામેલ છે, જે બાંગ્લાદેશના કોઈ ખેલાડીની સૌથી વધુ સદી પણ છે. તે હાલના ક્રિકેટરોમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી પણ છે જેમાં તે વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp