26th January selfie contest

WTC માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો IPLનો ફાયદો કોને થયો?

PC: hindi.cricketaddictor.com

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. BCCIએ મંગળવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. આ ટીમમાં સૌથી ખાસ વાત અજિંક્ય રહાણેની વાપસી હતી. IPLમાં રહાણેનું બેટ ઘણું ગર્જ્યું છે.

રહાણે 15 મહિના બાદ ટીમમાં પરત ફર્યો છે. ઈજાના કારણે બહાર થયા બાદ શ્રેયસ અય્યરની ટીમમાં વાપસી નિશ્ચિત માનવામાં આવી રહી હતી. કમરના દુખાવા માટે ઐય્યરે UKમાં ઓપરેશન કરાવ્યું છે.

ભૂતપૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણે ઑસ્ટ્રેલિયા સામે 7 થી 11 જૂન દરમિયાન ઓવલ ખાતે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે ભારતીય ટીમમાં પાછો ફર્યો છે. આ સિવાય રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી.

KS ભરત ટીમમાં એકમાત્ર સ્પેશિયાલિસ્ટ વિકેટ-કીપર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ માટે ટીમમાં સામેલ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને વર્તમાન ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. સાથે જ જસપ્રીત બુમરાહને પણ સ્થાન મળ્યું નથી. તે ઈજાગ્રસ્ત હોવાથી તેને ટીમમાં દાખલ કર્યો નથી.

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ 7 જૂનથી લંડનના ઓવલ મેદાન પર રમાશે. વિશ્વભરના તમામ ક્રિકેટ ચાહકોની નજર આ બ્લોકબસ્ટર ફાઇનલ મેચ પર છે.

વાસ્તવમાં, સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાએ ટેસ્ટમાં અજમાવ્યો હતો. જ્યારે શ્રેયસ ઐયર ઘાયલ છે. જ્યારે રહાણેનું આ IPLમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. 34 વર્ષીય અજિંક્ય રહાણેએ ચેન્નાઈના પ્રદર્શનમાં શાનદાર ભૂમિકા ભજવી છે.

રહાણેએ અત્યાર સુધી આ IPLમાં પાંચ મેચમાં 199.04ના સ્ટ્રાઈક રેટથી 209 રન બનાવ્યા છે. આ સિઝનમાં કોઈપણ બેટ્સમેનનો આ સૌથી વધુ સ્ટ્રાઈક રેટ છે. તેની બેટિંગ જોઈને ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ પણ આશ્ચર્યચકિત છે.

KKR સામેની મેચમાં રહાણેએ જે પ્રકારની બેટિંગ કરી તે ખરેખર આશ્ચર્યજનક હતી. તે મેચમાં રહાણેએ 29 બોલમાં 71 રનની ઈનિંગમાં એવા શોટ્સ બનાવ્યા, જેણે AB D વિલિયર્સની યાદ અપાવી. મુંબઈ સામેની મેચમાં પણ રહાણેએ 27 બોલમાં 61 રન બનાવ્યા હતા.

રહાણેએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ટેસ્ટ ગયા વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. આ મેચમાં તેણે પ્રથમ દાવમાં 9 રન અને બીજા દાવમાં 1 રન બનાવ્યા હતા.

રહાણેએ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે કુલ 82 ટેસ્ટ મેચ રમી છે. આમાં તેણે 4931 રન બનાવ્યા છે. તેની એવરેજ 38.52 છે. રહાણેના નામે 12 સદી અને 25 અડધી સદી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 188 છે.

WTC ફાઇનલ માટે ટીમ ઈન્ડિયાની આ પ્રમાણે પસંદગી થઇ છે : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, KL રાહુલ, KS ભરત (વિકેટકીપર), R. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp