ઈન્દોરમાં અજેય રહ્યો છે ભારતનો રેકોર્ડ, નંબર 1 ટીમ બનવું લગભગ નક્કી

PC: twitter.com/imkuldeep18

ભારત અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની ત્રણ વનડે મેચની સીરિઝની છેલ્લી મેચ આવતીકાલે એટલે કે 24 જાન્યુઆરીના રોજ ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાનો છે. આ મુકાબલાને જીતીને રોહિત શર્મા એન્ડ ટીમની નજર મહેમાન ટીમના સૂપડા સાફ કરવાની સાથે ICC વનડે રેન્કિંગમાં પહેલો ક્રમ હાંસલ કરવા પર રહેશે. ટીમ ઈન્ડિયા આ સમયે 113 રેટિંગ્સની સાથે ત્રીજા ક્રમ પર છે. ભારતનો ઈન્દોરના આ સ્ટેડિયમમાં છેલ્લો રેકોર્ડ જોતા લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાનું પહેલા નંબરની વનડે ટીમ બનવાનું લગભગ નક્કી જેવું જ છે.

ભારતે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં હજુ સુધી 5 ઈન્ટરનેશનલ વનડે મેચ રમી છે અને ભારતે આ દરમિયાન એક પણ હાર આ મેદાનમાં મેળવી નથી. 2006માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ મેદાન પર ભારતે પહેલી વનડે મેચ રમી હતી, જ્યારે છેલ્લી વખત 2017માં ઓસ્ટ્રેલિયાની ટીમની મેજબાની આ મેદાનમાં કરી હતી. ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ભારતે બે વખત ઈંગ્લેન્ડને અને 1-1 વખત વેસ્ટ ઈન્ડીઝ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને હાર આપી છે.

વનડે સિવાય ટેસ્ટ અને T20માં પણ ભારતે આ મેદાન પર પોતાને રેકોર્ડ અજેય રાખ્યો છે. વનડેની જેમ ટેસ્ટમાં પણ ભારત આ મેદાન પર એક પણ મેચ હાર્યું નથી. અહીં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ તથા બાંગ્લાદેશને રેડ બોલ ક્રિકેટમાં માત આપી છે. ભારતે અહીં એકમાત્ર હાર T20 ક્રિકેટ મેચમાં મળી છે. ભારતે ઈન્દોરમાં ત્રણમાંથી બે T20 મેચ જીતી છે. એકમાત્ર હારનો સામનો ટીમ ઈન્ડિયાને ગયા વર્ષે સાઉથ આફ્રિકા વિરુદ્ધ કરવો પડ્યો હતો.

ન્યૂઝીલેન્ડનું ભારતમાં પહેલી વનડે સીરિઝ જીતવાનું સપનું આ વર્ષે પણ અધૂરું રહ્યું છે. આ ટીમે પહેલી વખત ભારત વિરુદ્ધ ભારતમાં 1988માં વનડે સીરિઝ રમી હતી. આ દરમિયાન દિલીપ વેંગસકરની કેપ્ટન્સીમાં ભારતે મહેમાનોના 4-0થી સૂપડા સાફ કરી દીધા હતા. જેના પછી ટીમ ઈન્ડિયાએ 1995, 1999, 2010, 2016 અને 2017માં તેમને માત આપી હતી. છેલ્લા 35 વર્ષોમાં ન્યૂઝીલેન્ડ ભારતમાં એક પણ વનડે સીરિઝ જીતી શક્યું નથી. 

આવતીકાલે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના સૂપડા સાફ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જેમાં મધ્ય ક્રમના બેટ્સમેનો સારું પ્રદર્શન કરે તેવી કોશિશ કરવામાં આવશે. સીરિઝ પહેલા જ પોતાના નામે કરી લીધી હોવાના કારણે ભારત પોતાની બોલિંગમાં કંઈ બદલાવ કરી શકે તેમ છે. આ સાથે બોલરો પણ અંતિમ ઓવરોમાં પોતાનું પ્રદર્શન સુધારે તેવી કોશિશ કરવામાં આવશે.      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp