ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધશે, રિષભ પંત ODI વર્લ્ડ કપમાંથી પણ થઇ શકે છે બહાર
ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત ગયા વર્ષે 30 ડિસેમ્બરે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના પંત સાથે રૂરકી જતા સમયે બની હતી. રિષભ પંતની અગાઉ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ તેને મુંબઈની કોકિલા બેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રિષભ પંત ક્યારે મેદાનમાં પરત ફરશે, તે અત્યારે સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી.
આમ જોઈએ તો, કોકિલા બેન હોસ્પિટલ તરફથી આવી રહેલા સમાચાર ભારતીય ક્રિકેટ ચાહકો માટે બિલકુલ સારા નથી. મીડિયા અહેવાલો અનુસાર, પંતને મેદાન પર પાછા ફરવા માટે ઓછામાં ઓછા 8-9 મહિનાનો સમય લાગશે, કારણ કે તેના ઘૂંટણ અને પગની ઘૂંટીમાં લિગામેન્ટ ટિયર માટે ડબલ સર્જરી થવાની અપેક્ષા છે. આનો અર્થ એ થયો કે, રિષભ પંત માત્ર IPL 2023માંથી જ બહાર નહીં રહે, પરંતુ સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપ સિવાય ODI વર્લ્ડ કપ 2023માં પણ ભાગ લઇ શકશે નહીં.
ડો. દિનશા પારડીવાલાના નેતૃત્વમાં (કોકિલાબેન હોસ્પિટલના સ્પોર્ટ્સ ઓર્થોપેડિક્સના નિયામક) ડોકટરોની ટીમે રિષભ પંતની તપાસ કરી. ઈનસાઈડ સ્પોર્ટના અહેવાલ મુજબ હોસ્પિટલના નિષ્ણાતોનું માનવું છે કે, જ્યાં સુધી સોજો ઓછો ન થાય ત્યાં સુધી કોઈ MRI કે સર્જરી કરી શકાતી નથી. પંતને ગંભીર લિગામેન્ટ ટિયર છે અને તેને પુરી રીતે સામાન્ય સ્થિતિમાં પાછા આવવામાં ઓછામાં ઓછા 8-9 મહિનાનો સમય લાગશે.
BCCIની મેડિકલ ટીમની નજીકના એક સૂત્રએ કહ્યું, 'આ તબક્કે લિગામેન્ટ ટિયરની હદ જાણી શકાય એમ નથી આગામી 3-4 દિવસમાં જ સ્પષ્ટ ચિત્ર બહાર આવી શકે છે, પરંતુ હોસ્પિટલના ડોકટરોનું માનવું છે કે પંતનું લિગામેન્ટ ફાટી ગયું છે તે ગંભીર છે. વિકેટકીપરને જે પ્રકારના વર્કલોડમાંથી પસાર થવું પડે છે, અમને લાગે છે કે પંત વર્ષના અંતમાં જ સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફરી શકે છે.'
IPL કમિશનર અરુણ ધૂમલે કહ્યું હતું કે, 'અમે તેની દરેક રીતે કાળજી લઈશું. પરંતુ આ સમયે, તેની ઇજા અંગે ટિપ્પણી કરવી એ નકરી અટકળો લગાવવા બરાબર હશે, ડોકટરોને તેમની સમગ્ર પ્રક્રિયા અને નિરીક્ષણ કરવા દો. બુધવારે, BCCIએ પંતને એરલિફ્ટ કરીને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હોસ્પિટલના ડોક્ટરોના રિપોર્ટ બાદ BCCI નક્કી કરશે કે પંતનું ભારતમાં ઓપરેશન કરવું પડશે કે પછી તેને સર્જરી માટે લંડન લઈ જવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp