ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ 2023ની યોજનાનો ખુલાસો, કેપ્ટને કહ્યું કેવી રીતે કપ જીતશે

PC: bharat.republicworld.com

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પોતાની વર્લ્ડ કપની યાદોને યાદ કરી છે અને તે ઓક્ટોબરમાં ઘરઆંગણે શરૂ થનારી ટૂર્નામેન્ટને લઈને આશાવાદી છે. ભારત છેલ્લા બે ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં સેમિફાઈનલ સ્ટેજથી આગળ વધવામાં નિષ્ફળ રહ્યું છે, પરંતુ સુકાનીનું માનવું છે કે, તેની ટીમને 2011ની જેમ સફળતા મળી શકે છે. 2011માં પણ ભારતમાં જ વર્લ્ડ કપ રમાયો હતો. તે દરમિયાન રોહિત શર્મા ટીમની અંદર નહોતો.

રોહિત શર્માએ બાર્બાડોસમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટ્રોફી પ્રવાસ દરમિયાન વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટો પણ પડાવ્યો હતો. આ દરમિયાન, ICC સાથે વાત કરતી વખતે રોહિત શર્માએ કહ્યું, 'અમે આ વર્ષે ફરી પાછા ઘરે ફર્યા છીએ, તેથી આશા છે કે, અમે વસ્તુઓને બદલી શકીશું.' આ વખતે સમગ્ર વિશ્વકપ ભારતમાં રમાશે, જ્યારે 2011ના વિશ્વકપની યજમાની ભારતે બાંગ્લાદેશ અને શ્રીલંકાની સાથે મળીને કરી હતી.

રોહિત શર્માએ વર્લ્ડ કપની યોજના વિશે કહ્યું, 'હજુ પણ ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે અને અમે જાણીએ છીએ કે તમે એક-બે દિવસમાં વર્લ્ડ કપ જીતી શકશો નહીં, તમારે આખો મહિનો, દોઢ મહિના સુધી સારું રમવું પડશે અને સતત સારું પ્રદર્શન કરવું પડશે. અમે આ વિશ્વ કપ માટે તૈયાર છીએ તેની ખાતરી કરવા માટે અમે અમારા દૃષ્ટિકોણથી શક્ય તેટલું બધું કરી રહ્યા છીએ.' રોહિતે વર્લ્ડ કપ 2019 વિશે પણ વાત કરી, જ્યાં તેણે 5 સદી ફટકારી હતી.

વર્લ્ડ કપની છેલ્લી આવૃત્તિમાં પાંચ સદી અને 81ની એવરેજથી 648 રન બનાવનાર રોહિત શર્માએ કહ્યું, 'હું સારી માનસિક સ્થિતિમાં હતો (2019માં), હું મારા ક્રિકેટ વિશે ખરેખર સારું અનુભવી રહ્યો હતો. વિશ્વ કપ પહેલા ખરેખર સારી તૈયારી કરી હતી અને જ્યારે તમે એ પ્રકારની ટુર્નામેન્ટમાં જાવ છો, ત્યારે તમે માત્ર સારી શરૂઆત કરવા માંગો છો, તો તમારે માનસિક અને શારીરિક રીતે ફ્રેશ રહેવું પડશે અને પછી બધું એની રીતે જ બરાબર થઇ જાય છે.'

હિટમેને વધુમાં ઉમેર્યું, 'મેં તે ટૂર્નામેન્ટમાં ખરેખર સારી શરૂઆત કરી હતી, પ્રથમ મેચમાં સદી ફટકારી હતી અને પછી મારા માટે, તે બધું આગળ વધારવા માટે હતું. દેખીતી રીતે, તમે ભૂતકાળમાં જે કર્યું છે, તે તમારામાં ઘણો આત્મવિશ્વાસ લાવે છે, પરંતુ અલગ પ્રકારે સારી શરૂઆત કરવી અને નવી શરૂઆત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તે સમયે ખૂબ જ સારી રીતે નક્કી કરીને જ અંદર ગયો હતો અને તેને ફરીથી બનાવવા માટે આતુર હતો.'

ટીમ ઈન્ડિયાના અભિયાન અંગે રોહિતે કહ્યું કે, અમને દરેક જગ્યાએ સમર્થન મળશે, જે પ્લસ પોઈન્ટ હશે. તેમણે કહ્યું, 'હું એ હકીકત સારી રીતે જાણું છું કે, અમે જે પણ મેદાન અથવા સ્થળ પર જઈશું, અમને ભારે સમર્થન મળશે. આ વિશ્વ કપ છે, તેથી દરેક તેની રાહ જોઈ રહ્યા છે અને 12 વર્ષ પછી ભારતમાં આવનારા વર્લ્ડ કપ વિશે વિચારી રહ્યા છે.' લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને અમે પહેલેથી જ ઘરે-ઘરે તે વિશે થતી ચર્ચાઓ જોઈ શકીએ છીએ. હું તમામ સ્થળોએ રમવા માટે ઉત્સુક છું. મેં આ ટ્રોફીને આટલી નજીકથી ક્યારેય જોઈ નથી. જ્યારે આપણે 2011માં જીત્યા હતા, ત્યારે હું ટીમની અંદર નહોતો. પરંતુ તે સુંદર છે અને તેની પાછળ ઘણી બધી યાદો છે. આશા છે કે, અમે આ વર્લ્ડ કપને ઉઠાવી શકીશું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp