તેવટિયાએ સફળતાનો શ્રેય આ ગુજરાતી ખેલાડીને આપ્યો, ફિનિશરની ભૂમિકા પર કહી મોટી વાત

PC: hindi.sportskeeda.com

ગુજરાત ટાઇટન્સ માટે મુશ્કેલીનિવારણનું કામ કરનાર રાહુલ તેવટિયાએ તેના સુકાની હાર્દિક પંડ્યાને તેના અતૂટ આત્મવિશ્વાસ માટે શ્રેય આપ્યો છે. રાહુલ તેવટિયાનું માનવું છે કે, હાર્દિકે તેના પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના કારણે તે પોતાની ટીમ માટે વારંવાર મેચો પૂરી કરવામાં સક્ષમ છે. રાહુલ તેવટિયાનું નામ રાજસ્થાન રોયલ્સ ટીમમાં ત્યારે લોકપ્રિય બન્યું જ્યારે તેણે છેલ્લી ઓવરમાં શાનદાર ઇનિંગ રમીને પંજાબ સામેની મેચ જીતી લીધી. 

રાહુલ તેવટિયા IPL 2022થી ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ છે અને રાહુલ આ ટીમ માટે પણ એક ઉત્તમ ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. રાહુલે ગુજરાત ટાઇટન્સ માટે અત્યાર સુધીમાં કુલ 27 મેચ રમી હતી, જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 157.30 હતો. ગુજરાતની ટીમમાં રાહુલ કરતાં વધુ સ્ટ્રાઈક રેટથી રન બનાવનાર એકમાત્ર ખેલાડી રાશિદ ખાન છે, જેણે ગુજરાત માટે 209.80ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. 

મીડિયા સૂત્રો સાથે વાત કરતા, આ લેગ-સ્પિન ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાએ કહ્યું, 'આ સિઝનમાં તેણે (હાર્દિક) મને 2 બેટ આપ્યા. એક દિવસ તે નવા બેટ લાવ્યો અને મને ચેક કરવાનું કહ્યું. મેં તેને કહ્યું કે, તે બેટનો મેચમાં ઉપયોગ કરવામાં આવશે. પછી તેણે કહ્યું, તારી પાસે રાખી લે. ત્યારથી હું આ સિઝન સુધી એ એક જ બેટ સાથે રમી રહ્યો છું.' 

રાહુલ તેવટિયાએ ત્યારપછી ગત સિઝનમાં હાર્દિક સાથેની તેની વાતચીત વિશે વાત કરતા કહ્યું, 'છેલ્લી સિઝનમાં, 7 કે 8 મેચો પૂરી થયા પછી, તેણે (હાર્દિક) મને કહ્યું હતું કે, તને અમારા માટે સતત મેચો પૂરી કરતો જોઈને સારું લાગે છે. જ્યારે પણ અમે કઠિન પરિસ્થિતિમાં હતા, ત્યારે હું કહેતો, ઓહ મને ખબર છે કે 'તેવું' અમારા માટે આ કામ પૂરું કરશે. જ્યારે એક કેપ્ટન તમારા પર આટલો વિશ્વાસ રાખે ત્યારે તમને એનાથી વધુ શું જોઈએ?' 

રાહુલ તેવટિયાએ આ સિઝનમાં પણ તેની ટીમ માટે ઘણી મેચો પૂરી કરી છે અને તે જીતી પણ છે. IPL 2023માં રાહુલ અત્યાર સુધીમાં 11 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 203.23ના સ્ટ્રાઈક રેટથી કુલ 63 રન બનાવ્યા છે. આ દરમિયાન તે 5 ઇનિંગ્સમાં નોટઆઉટ પણ રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો, આ ટીમે વર્તમાન સિઝનમાં અત્યાર સુધીમાં 11 મેચ રમી છે, જેમાં તેણે 8માં જીત અને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તેમની આગામી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp