રોહિતની સ્પષ્ટતા- '10 વર્ષથી ICC ટ્રોફી ન જીતવાને કારણે ટીમ દબાણમાં નથી..'
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટપણે કહ્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં એકપણ ICC ટ્રોફી ન જીતવાને કારણે તે અને તેની ટીમ કોઈપણ પ્રકારના દબાણમાં નથી. ભારતીય ટીમને વર્લ્ડ કપ 2023માં ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. રોહિતે કહ્યું, હું તે વસ્તુઓ વિશે વધુ વિચારતો નથી, જે અમારા નિયંત્રણની બહાર છે.
વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબર, ગુરુવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ન્યૂઝીલેન્ડ સામેની મેચથી થશે. ભારતમાં આયોજિત આ વર્લ્ડ કપમાં રોહિત શર્માની ટીમ ઈન્ડિયા આ વખતે ટાઈટલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયા 2013 પછી ICCની કોઈ ટૂર્નામેન્ટ જીતી શકી નથી. આવી સ્થિતિમાં એવી પણ આશંકા છે કે 10 વર્ષ સુધી ICC ટ્રોફી ન જીતવાનું દબાણ ભારતીય ટીમ પર ભારે પડી શકે છે. જોકે, કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કહ્યું છે કે, તે લાંબા સમય સુધી ICC ટ્રોફી ન જીતવાના દબાણને તેના ખેલાડીઓ પર અસર થવા દેશે નહીં.
અહીં તમને જણાવી દઈએ કે, ભારતે છેલ્લી ICC ટ્રોફી ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં વર્ષ 2013માં MS ધોનીની કેપ્ટન્સીમાં જીતી હતી. આ ટીમ 2017માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પણ પહોંચી હતી પરંતુ પાકિસ્તાન સામે હારીને ટાઇટલ ગુમાવવું પડ્યું હતું. ટીમ ઈન્ડિયા બે વખત ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા પણ બનાવી ચૂકી છે પરંતુ બંને વખત હાર્યું છે. 2013થી ICC ટૂર્નામેન્ટ ન જીતવાનું દબાણ ટીમ ઈન્ડિયા પર ભારે તો નહીં પડે ને, આના જવાબમાં 36 વર્ષીય રોહિત શર્મા મીડિયા સાથેની વાતચીતમા કહ્યું, 'એ વાત સાચી છે કે અમે 2013થી કોઈ ICC ટૂર્નામેન્ટ જીતી નથી પરંતુ એક વ્યક્તિ તરીકે હું તેના વિશે વધુ વિચારીને બિનજરૂરી દબાણ નથી લેતો. ઈંગ્લેન્ડની ટીમે પણ હમણાં જ જીતવાનું શરૂ કર્યું છે, તેમણે પણ ઘણા વર્ષો પછી વર્લ્ડ કપ જીત્યો છે. ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવી ટીમ છે જેણે સતત જીત મેળવી છે. 2007 પછી તેણે 2015માં ODI વર્લ્ડ કપ પણ જીત્યો હતો.તેણે દુબઈમાં T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.
રોહિતે આગળ કહ્યું, 'આવી સ્થિતિમાં વર્લ્ડ કપ કોણ જીતશે તેનો કોઈ જવાબ મારી પાસે નથી. હું માત્ર એટલું જ જાણું છું કે, ટીમ સારી સ્થિતિમાં છે. દરેક વ્યક્તિ ફિટ છે, આનાથી વધુ હું કંઈ કહી શકું તેમ નથી. જો ચાહકોની અપેક્ષાઓ વધારે ન હોય તો જ મને આનંદ થશે. આપણે લોકોની અપેક્ષાઓ પર નિયંત્રણ રાખી શકતા નથી. અમે જ્યાં પણ જઈએ છીએ, તેઓ કહે છે, આપણે વર્લ્ડ કપ જીતવાનો છે, સર. આવું દરેક જગ્યાએ થાય છે. આ અટકવાનું નથી.'
અહીં તમને જણાવી દઈએ કે, એશિયા કપમાં શાનદાર પ્રદર્શન અને તેની ફાઇનલ જીતવાને કારણે ભારતના ચાહકોની વર્લ્ડ કપ જીતવાની આશા વધારી દીધી છે. ટીમ બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રે સંતુલિત છે. ટીમમાં બેટિંગ માટે રોહિત શર્મા, શુબમન ગિલ, વિરાટ કોહલી, K.L. રાહુલ, શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ છે, તો બોલિંગમાં જસપ્રિત બુમરાહ, સિરાજ અને શમીને સપોર્ટ કરવા માટે કુલદીપ યાદવ જેવા સ્પિનર છે. ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ટીમને સંતુલન પૂરું પાડે છે. આ સાથે જ ભારતને તેના જ મેદાન પર વર્લ્ડ કપ રમવાનો ફાયદો પણ મળશે. મેદાનની પીચોથી તેઓ પરિચિત છે અને દર્શકોનું સમર્થન પણ તેમની સાથે રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp