આ કંઈ ફોઈનું ઘર નથી કે ભારત..., શોએબ અખ્તરે એશિયા કપ ફાઈનલ પહેલા આપી ચેતવણી

PC: jagran.com

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભારત વિરુદ્ધ શ્રીલંકા એશિયા કપ 2023ની ફાઈનલ મેચ પહેલા રોહિત શર્મા અને બ્રિગેડને ચેતવણી આપી છે કે, શ્રીલંકા ફાઇનલમાં પણ અપસેટ સર્જી શકે છે. તે કહે છે કે, આ કંઈ ફોઈનું ઘર નથી કે ભારત એશિયા કપ આરામથી જીતી જશે. પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલરે બાંગ્લાદેશ સામેની હારને ભારત માટે વેકઅપ કોલ ગણાવ્યો હતો. અખ્તરનું કહેવું છે કે, શ્રીલંકા સામેની ખિતાબની લડાઈ ભારત માટે આસાન બનવાની નથી.

અહીં તમને જણાવી દઈએ કે, એશિયા કપ 2023માં ભારતીય ટીમે અત્યાર સુધી 5 મેચ રમી છે જેમાં ટીમ ઈન્ડિયા 4 મેચ જીતવામાં સફળ રહી છે, જ્યારે બાંગ્લાદેશ સામે તેને એકમાત્ર હારનો સામનો કરવો પડ્યો છે. ભારત શાકિબ અલ હસનની ટીમ સામે 5 ફેરફારો સાથે ઉતર્યું હતું, જેમાં ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. આ મેચમાં ભારતનો 6 રનના નજીવા અંતરથી પરાજય થયો હતો. જો કે, તે માત્ર એક ઔપચારિક મેચ હતી, કારણ કે ટીમ ઈન્ડિયાએ પહેલા જ પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

શોએબ અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'અમને આશા ન હતી કે ભારત બાંગ્લાદેશ જેવી ટીમ સામે હારી જશે પરંતુ તેઓ હાર્યા. તે શરમજનક હાર હતી. પાકિસ્તાન શ્રીલંકા સામે હારી ગયું. તેઓ એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે, જે વધુ શરમજનક છે. ભારત હજુ પણ ફાઇનલમાં છે, તેણે બધું ગુમાવ્યું નથી. તેમના માટે જોરદાર રીતે પાછા ફરે અને તેઓ ફાઈનલ જીતે તેની ખાતરી કરવી તે માત્ર એક મોટી ચેતવણી હતી, પરંતુ એવું ત્યારે થશે કે જ્યારે તેઓ ખરેખર સારું રમે તો જ. આ કંઈ ફોઈનું ઘર નથી જ્યાં ભારત જશે અને સરળતાથી જીતી આવશે. આવું કંઈ થવાનું નથી. તે એક અઘરી રમત બની રહેવાની છે.'

તેણે આગળ કહ્યું, 'ભારતને હરાવવા માટે શ્રીલંકા છે અને વર્લ્ડ કપમાં તે કોઈની પણ રમત હોઈ શકે છે. ભારતે જાગવાની જરૂર છે. તેઓ બાંગ્લાદેશ સામે હારી ગયા હતા.'

એશિયા કપ 2023માં ભારત અને શ્રીલંકા વચ્ચે એકમાત્ર મેચ થઇ હતી જેમાં રોહિત શર્માની ટીમે 41 રનથી શાનદાર જીત નોંધાવી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, એશિયા કપના ઈતિહાસમાં ભારત અને શ્રીલંકા 8 વખત સામસામે આવી ચૂક્યા છે. ભારત પાંચ વખત જીત્યું છે અને શ્રીલંકાએ ત્રણ વખત ભારતના ગૌરવને તોડ્યું છે. શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં ભારતે સાવચેત રહેવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp