- Sports
- પૂર્વ ભારતીય ખેલાડીનો મોટો દાવો- RR સામેની જીત છતા MIમાં બધુ બરાબર ચાલતું નથી
પૂર્વ ભારતીય ખેલાડીનો મોટો દાવો- RR સામેની જીત છતા MIમાં બધુ બરાબર ચાલતું નથી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાયેલી મેચમાં ભલે મુંબઇને એક શાનદાર જીત મળી હોય, પરંતુ એ જીત છતા ટીમના પૂર્વ ખેલાડી રોબિન ઉથપ્પા રોહિત શર્માની ટીમના પ્રદર્શનથી પૂરી રીતે ખુશ નથી. રોબિન ઉથપ્પાનું માનવું છે કે આ જીત છતા મુંબઈની ટીમમાં બધુ બરાબર નથી. ભલે બહારથી એમ લાગે કે બધુ બરાબર છે, પરંતુ એવું જરાય નથી. જિયો સિનેમા પર મુંબઈની રાજસ્થાન પર આ જીતની વાત કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના પૂર્વ ખેલાડીએ મુંબઈ ઇન્ડિયનની બોલિંગ પર ચિંતા વ્યક્ત કરી.

તેણે કહ્યું કે, આ મેચ જોઈને લાગશે કે મુંબઈ ઇન્ડિયન્સ સાથે બધુ બરાબર છે, પરંતુ એવું જરાય નથી. તેમણે હકીકતમાં પોતાની બોલિંગ પર ધ્યાન આપવું પડશે અને જોવું પડશે કે અંતિમ ઓવરોમાં કેવી રીતે બોલિંગ કરવામાં આવે કેમ કે તે 15 ઓવરો સુધી તો સારું કરી રહ્યા છે. ખાસ કરીને છેલ્લી 3 મેચોમાં તેઓ 170-180ના સ્કોરનો બચાવ કરતા દેખાઈ રહ્યા હતા, પરંતુ અંતિમ 5 ઓવરોમાં કંઈક થયું અને તેણે પોતાની પકડ ગુમાવી અને અંતિમ 5 ઓવરોમાં 60, 70, 80, 90 રન લૂંટાવી દીધા, જે તેમના માટે ઘાતક સાબિત થયા.

જો મેચની વાત કરીએ તો આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સના ઑપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલના શાનદાર 124 રનની ઇનિંગની મદદથી મુંબઈ સામે 213 રનોનું મોટું લક્ષ્ય રાખ્યું હતું. 213 રનનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમની શરૂઆત સારી ન રહી અને કેપ્ટન રોહિત શર્મા જલદી જ આઉટ થઈ ગયો. ઇશાન કિશન પર આ મોટા લક્ષ્યનો પીછો કરતા માત્ર 28 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગયો.

કેમરન ગ્રીન (44 રન) અને સૂર્યકુમાર યાદવ (55 રન)એ તેજીથી વધી રહેલી જરૂરી રન રેટને મેન્ટેન કરવાનો મોટો પ્રયાસ કર્યો, પરંતુ આ બંનેના આઉટ થયા બાદ એમ લાગવા લાગ્યું કે, મુંબઈ ઇન્ડિયન્સના હાથમાંથી આ મેચ દૂર જઈ રહી છે. ત્યારે છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઉતરેલા ટીમ ડેવિડે પોતાની 14 બૉલમાં 45 રનની ઇનિંગ રમીને મેચનું પાસું જ પલટી દીધું અને મુંબઈ ઇન્ડિયન્સને 6 વિકેટે યાદગાર જીત અપાવી દીધી.

