શું પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ માટે ભારત આવશે? ICCવાળા પહોંચ્યા લાહૌર

PC: dawn.com

ગ્રેગ બાર્કલે અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના CEO જ્યોફ એલાર્ડિસ હાલમાં લાહોરમાં છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ભારતમાં આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપમાં તેમની મેચો માટે હાઈબ્રિડ મોડલ લાગુ કરવાનો આગ્રહ નહીં રાખે તેવી ખાતરી મેળવવા તેઓ લાહોરમાં છે. મીડિયાના સૂત્રોએ પુષ્ટિ આપી કે ICC પ્રમુખ અને CEO ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ખાતરી મેળવવા ખાસ કરીને લાહોર પહોંચ્યા છે.

પીસીબીના વડા નજમ સેઠીએ સ્પષ્ટ કર્યું છે કે, જો ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો તેમની ટીમ પણ વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય. આ પછી જ ICCના ટોચના અધિકારીઓ પાકિસ્તાનના પ્રવાસે આવ્યા છે. સૂત્રોએ કહ્યું, 'ICC અને વર્લ્ડ કપ હોસ્ટ બોર્ડ ઓફ ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) નજમ સેઠીના હાઇબ્રિડ મોડલને લઈને ચિંતિત છે.

જો કે, સેઠીએ વર્લ્ડ કપ પહેલા એશિયા કપ માટે હાઇબ્રિડ મોડલ સૂચવ્યું હોવા છતાં અધિકારીઓ ચિંતિત છે કે, જો આ મોડલને પ્રાદેશિક સ્પર્ધા માટે અપનાવવામાં આવશે તો PCB પાકિસ્તાનને ભારતમાં રમવાની સમસ્યા પર વર્લ્ડ કપમાં પણ આ મોડેલને લાગુ કરવાનું કહી શકે છે.' સેઠી પહેલા જ કહી ચુક્યા છે કે, જો પાકિસ્તાન સરકાર સુરક્ષાના કારણોને લઈને ક્રિકેટ ટીમને ભારત મોકલવાની સંમતિ નહિ આપે તો PCB આવી સ્થિતિમાં પાકિસ્તાન જે મેચમાં રમનારું હોય તે મેચ કોઈ અન્ય સ્થાન પર કરવાનું કહેશે.

સુત્રોએ જણાવ્યું હતું કે, 'તે સ્વાભાવિક છે કે ICC અને BCCI આવી કોઈ સ્થિતિ ઇચ્છતા નથી, કારણ કે તેનાથી ભારત-પાકિસ્તાન મેચ અને ટૂર્નામેન્ટની સફળતા પર પણ અસર પડશે.' અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, BCCIના સેક્રેટરી જય શાહ એશિયા કપ માટે હાઇબ્રિડ મોડલ સ્વીકારી રહ્યા નથી, જેના હેઠળ ત્રણ કે ચાર મેચ પાકિસ્તાનમાં અને બાકીની મેચો સંયુક્ત આરબ અમીરાત અથવા શ્રીલંકામાં યોજાશે.

પાકિસ્તાન એશિયા કપનું યજમાન છે અને સેઠી સતત કહી રહ્યા છે કે, જો ટુર્નામેન્ટ પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે યોજાય તો તેમની ટીમ સ્પર્ધામાં ભાગ લેશે નહીં. સૂત્રોએ એ પણ સંકેત આપ્યો છે કે, જો પાકિસ્તાન એશિયા કપની કેટલીક મેચોનું આયોજન નહીં કરે તો તેની વિશ્વ કપ પર પણ વિપરીત અસર પડશે. તેમણે ઉમેર્યું કે, 'ICCના પદાધિકારીઓ PCB અને BCCI વચ્ચે સેતુ તરીકે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એશિયા કપ અને વર્લ્ડ કપ સંબંધિત પેન્ડિંગ મુદ્દાઓને ઉકેલવા પ્રયાસ કરી રહ્યા છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp