ટીમ ઈન્ડિયા માટે બોજ બન્યો વિરાટ, 3 વર્ષથી ટેસ્ટમાં એક પણ સદી નથી ફટકારી

PC: facebook.com/virat.kohli

વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિક્રેટમાં સદીની વાત તો છોડો, હાફ સેન્ચુરી માર્યાને પણ એક વર્ષથી વધારે સમય થઇ ગયો . કોહલીએ પોતાની છેલ્લી ટેસ્ટ સેન્ચુરી સાઉથ આફ્રીકા સામે ફટકારી હતી. તે વખતે કોહલી કેપ્ટન તરીકેની છેલ્લી મેચ રમી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની હાલની 4 મેચોની ટેસ્ટ સીરિઝની 5 ઇનિંગ્સમાં કોહલી ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે.

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિક્રેટમાં સેન્ચુરી ફટકાર્યાને લાંબો સમય થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆતની 3 ટેસ્ટ મેચોમાં વિરાટ ફ્લોપ રહ્યો. વિરાટ પાસે એવી અપેક્ષા હતી કે છેલ્લાં 3 વર્ષથી ટેસ્ટ ક્રિકેટમાં સેન્ચુરી મારી નથી તો આ વખતે તો કોહલી ઝળકશે. પરંતુ હાલની આ ટેસ્ટ સીરિઝમાં કોહલી હાફ સેન્ચુરી પણ મારી શક્યો નથી. વિરાટે ગયા વર્ષે જાન્યુઆરી 2022માં સાઉથ આફ્રીકા સામેની મેચમાં હાફ સેન્ચુરી મારી હતી.

ઓસ્ટ્રેલિયા સામેની  ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલીએ 5 ઇનિંગ્સમાં કુલ 111 રન બનાવ્યા છે. આ 5 મેચમાં કોહલીની એવરેજ 22.20 રનની રહી. ગયા વર્ષે કોહલીએ જ્યારે 1021 દિવસ પછી ઇન્ટરનેશનલ ક્રિક્રેટમાં સેન્ચુરી મારી ત્યારે બધાને એમ થયું હતું કે કોહલી ફરી તેના અસલ મૂડમાં આવી ગયો છે. તે વખતે તેણે એશિયા કપ T-20માં અફઘાનિસ્તાનની સામે શાનદાર 122 રન બનાવ્યા હતા. ઇન્ટરનેશનલ T-20માં કોહલીની એ પહેલી સદી હતી. એ પછી કોહલીએ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં અને આ વર્ષના જાન્યુઆરી મહિનામાં 3 વન-ડે સદી મારીને પોતાની ઇન્ટરનેશનલ સેન્ચુરીનો આંકડો 74 પર પહોંચી ગયો હતો. આ જોઇને એવું લાગતું હતું કે કોહલીનો ખરાબ સમય પુરો થઇ ગયો છે, પરંતુ ટેસ્ટ કિક્રેટમાં હજુ કોહલી સંઘર્ષ કરી રહ્યો છે.

હાલની ટેસ્ટ સીરિઝની વાત કરીએ તો નાગપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં માત્ર 12 રન બનાવ્યા હતા. જો કે દિલ્હી ટેસ્ટમાં તેના પહેલી ઇનિંગમાં 44 અને બીજી ઇનિંગમાં 20 રન બન્યા હતા. ઇંદોર ટેસ્ટમાં પણ કોહલી પહેલી ઇનિંગમાં 13 અને બીજી ઇનિંગમાં 22 જ રન બનાવી શક્યો હતો.

વર્ષ 2019 પછી વિરાટ કોહલીના બેટીંગમાંથી રનની ગતિમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળ્યો છે. તેણે 23 નવેમ્બર 2019ના દિવસે કોલકાત્તાના ઇડન ગાર્ડન મેદાન પર બાંગ્લાદેશની સામે પિંક બોલ ટેસ્ટ મેચમાં 136 રનની ઇનિંગ રમી હતી. એ પછી કોહલી 24 ટેસ્ટની 41 ઇનિંગ્સમાં એક પણ સદી ફટકારી શક્યો નથી.

વિરાટે વર્ષ 2019 પછી 23 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેના રનની એવરેજ 25.7ની રહી છે. આટલી ટેસ્ટમાં તેણે 1028 રન બનાવ્યા હતા. વર્ષ 2011માં ટેસ્ટ કેરિયરમાં ડેબ્યૂ કરનારા વિરાટે વર્ષ 2019 સુધી 84 ટેસ્ટમાં 54થી વધારેની એવરેજથી રન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp