કોહલી રન બનાવવાના મામલે બાબર આઝમથી પાછળ, જોઈ લો આંકડાઓ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયન ટીમે 209 રનથી હરાવી દીધી. આ હાર સાથે જ ભારતીય ટીમનું ICC ટ્રોફી જીતવાનું સપનું ફરી એક વખત તૂટી ગયું. ભારતે છેલ્લી વખત વર્ષ 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ICC ટ્રોફી હાંસલ કરી હતી. ફાઇનલ મેચ સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના બીજા સત્ર (વર્ષ 2021-23)ની સમાપ્તિ થઈ ગઈ. જોવા જઈએ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2021-23માં વિરાટ કોહલી ભારત માટે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી રહ્યો.
વિરાટ કોહલીએ 17 મેચોમાં એક સદી અને 3 અડધી સદીની મદદથી 932 રન બનાવ્યા. વિરાટ કોહલી સિવાય ચેતેશ્વર પૂજારાએ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ગત સીઝનમાં કુલ 17 મેચ રમી, જેમાં તેણે 928 રન બનાવ્યા. આ દરમિયાન કોહલી અને પૂજારાની એવરેજ ક્રમશઃ 32.13 અને 32ની રહી. જે રિષભ પંત (12 મેચોમાં 43.40 ની એવરેજથી 868 રન), કેપ્ટન રોહિત શર્મા (11 મેચોમાં 42.11ની એવરેજથી 758 રન) અને રવીન્દ્ર જાડેજા (13 મેચોમાં 36.04ની એવરેજથી 721 રન)ની તુલનામાં ઓછી રહી.
વિરાટ કોહલી પોતાના દેશ તરફથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની બીજી સીઝનમાં ભલે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી રહ્યો, પરંતુ ઓવર ઓલ તે ટોપ-10માં પણ જગ્યા ન બનાવી શક્યો. વિરાટ કોહલીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના બીજા સત્રમાં સૌથી વધુ રન બનાવવાની બાબતે 17મુ સ્થાન હાંસલ કર્યું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની બીજી સીઝનમાં સૌથી વધુ રન બનાવવાની બાબતે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રુટ નંબર વન પર છે.
જો રૂટે 22 મેચોમાં 53.19ની શાનદાર એવરેજથી 1915 રન બનાવ્યા, જેમાં 8 સદી અને 6 અડધી સદી સામેલ રહી. તો ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોમાં ઉસ્માન ખ્વાજા બીજા (1621) અને માર્નસ લાબુશેન (1576) ત્રીજા નંબર પર રહ્યા. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે 1527 રનો સાથે ચોથું સ્થાન હાંસલ કર્યું. લિટન દાસ (1024) અને દિનેશ ચાંદીમલ (958) જેવા ખેલાડી પણ વિરાટ કોહલીથી રન બનાવવાની બાબતે આગળ રહ્યા.
WTC 2021-23માં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેન:
વિરાટ કોહલી: 17 મેચ 932 રન, 32.13ની એવરેજ, એક સદી અને ત્રણ અડધી સદી
ચેતેશ્વર પૂજારા: 17 મેચ 928 રન, 32.00ની એવરેજ, એક સદી અને 6 અડધી સદી
રિષભ પંત: 12 મેચ, 868 રન 43.40ની એવરેજ, 2 સદી અને 5 અડધી સદી
રોહિત શર્મા: 11 મેચ 758 રન, 42.11ની એવરેજ, 2 સદી અને 2 અડધી સદી
રવીન્દ્ર જાડેજા: 13 મેચ 721 રન, 36.04ની એવરેજ, 2 સદી અને 3 અડધી સદી.
WTC 2021-23ના સ્ટાર પરફોર્મર્સ:
સૌથી વધુ રન: જો રુટ (1915 રન)
સૌથી વધુ વિકેટ: નાથન લાયન (88 વિકેટ)
હાઈએસ્ટ સ્કોર: ટોમ લેથમ વર્સિસ બાંગ્લાદેશ (252)
એક ઇનિંગમાં બેસ્ટ બોલિંગ: એજાજ પટેલ વર્સિસ ભારત (10/119)
સૌથી વધુ સિક્સ: બેન સ્ટોક્સ (28 સિક્સ)
એક ઇનિંગમાં સૌથી વધુ 5 વિકેટ: નાથન લાયન (5 વખત)
સૌથી વધુ શિકાર: એલેક્સ કેરી (કેચ: 66, સ્ટમ્પિંગ: 2)
સૌથી વધુ કેચ: સ્ટીવ સ્મિથ (34 કેચ).
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp