
વિરાટ કોહલીનું અસલ ફોર્મ મંગળવારે શ્રીલંકા સામેની વન-ડે મેચમાં દેખાયું હતું અને કોહલીએ પોતાની 73મી આંતરારાષ્ટ્રીય સદી ફટકારવાની સાથે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સચિન તેંદુલકરના એક રેકોર્ડની પણ બરાબરી કરી છે. ગુવાહાટીમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે. આ સાથે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 73 સદી થઈ ગઈ છે. અગાઉ, કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 72 સદી ફટકારી હતી અને પ્રથમ ODIમાં શ્રીલંકા (IND vs SL) સામેની શાનદાર સદી તેની કારકિર્દીની 73મી સદી છે. સાથે જ, આ તેની ODI ક્રિકેટમાં 45મી સદી છે.
આ સિવાય તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 100 સદી ફટકારનાર ભારતના સચિન તેંદુલકરના એક રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. હકીકતમાં, સચિન તેંદુલકરે ભારતની ધરતી પર 20 સદી ફટકારી છે, જ્યારે કોહલીએ ઘરઆંગણે 19 સદી ફટકારી હતી અને શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં સદી ફટકારીને કોહલીએ સચિનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ પહેલા કોહલીએ વર્ષ 2022ના અંતમાં બાંગ્લાદેશ સામે રમાયેલી વનડે શ્રેણીમાં પણ સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે રિકી પોન્ટિંગના 71 સદીના રેકોર્ડને પાર કરીને 72 આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનું કારનામું કર્યું હતું.
ગયા વર્ષે T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન પાકિસ્તાન સામેની મેચમાં કોહલીએ ભારતને અશક્ય જીત અપાવી હતી. જેમાં કોહલીએ 53 બોલમાં 82 રનની યાદગાર ઇનિંગ રમી હતી. ભારતની જીત બાદ કોહલીની એક તસવીર વાયરલ થઈ હતી જેમાં તે ભગવાનનો આભાર માની રહ્યો હતો.
કારણ કે આ પહેલા વિરાટ લગભગ 3 વર્ષ સુધી કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો ન હતો. જેના કારણે તેને ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ એશિયા કપ 2022માં તેણે અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા.
આસામના ગુવાહાટીમાં મંગળવારે રમાઇ રહેલી શ્રીલંકા સામેની પહેલી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાની પહેલાં બેટીંગ આવી હતી. રોહિત શર્મા અને શુભમન ગીલે જબરદસ્ત શરૂઆત કરી હતી. રોહિતે 83 અને શુભમન ગીલે 70 રન ફટકાર્યા હતા. એ પછી વિરાટ કોહલીએ જબરદસ્ત ઇનિંગ રમીને 113 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકશાને 373 રન બનાવ્યા હતા અને શ્રીલંકાની ટીમને 374 રન બનાવવાનો ટાર્ગેટ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp