
શ્રીલંકા સામેની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી અને 113 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ODI ક્રિકેટમાં આ તેની 45મી સદી હતી. તેની સદીના કારણે ભારતે 373 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને 67 રનના માર્જીનથી મેચ જીતી લીધી. આ મેચ બાદ સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીનો ઈન્ટરવ્યુ લીધો હતો. આ દરમિયાન કોહલીએ ખરાબ તબક્કામાંથી પોતાના પુનરાગમનની કહાની જણાવી અને ખરાબ ફોર્મમાંથી બહાર આવવાની રીત પણ સમજાવી.
સૂર્યકુમાર યાદવે વિરાટને નવા વર્ષની શુભેચ્છા પાઠવીને ઇન્ટરવ્યુની શરૂઆત કરી હતી. સૂર્યાએ કહ્યું કે, એશિયા કપ દરમિયાન કોહલીએ ઈન્ટરવ્યુ લીધો હતો અને હવે તેને વિરાટનો ઈન્ટરવ્યુ લેવાની તક મળી છે. તેમણે આ તક માટે દરેકનો આભાર માન્યો હતો. સૂર્યકુમારે જણાવ્યું કે, વિરાટે 2022ની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી અને 2023માં તેની પ્રથમ મેચમાં સદી ફટકારી છે. આના પર વિરાટે સૂર્યકુમાર યાદવને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી અને તેણે આ વર્ષે કરેલા અદ્ભુત કાર્યો માટે અભિનંદન પણ આપ્યા હતા.
વિરાટે કહ્યું, 'અમે તો ઘણા વર્ષોથી લાગેલા છીએ, પરંતુ તમે છેલ્લા એક વર્ષમાં જે કર્યું છે તે ખાસ છે. મેં આ પહેલા ક્યારેય જોયું નથી. તમે એક અલગ ટેમ્પ્લેટ બનાવી રહ્યા છો. જ્યારે તમે બેટિંગ કરો છો, ત્યારે દર્શકોની અંદર એક અલગ જ ઉત્સાહ હોય છે.' પોતાની સદી પર ખુશી વ્યક્ત કરતા કોહલીએ કહ્યું કે, તે ખુશ છે કે આ વસ્તુઓ થઈ રહી છે. છેલ્લા બે વર્ષમાં આવું વર્ષ શરૂ થયું નથી. આ વખતે વર્ષની પ્રથમ મેચમાં જ તેના બેટમાંથી સદી નીકળી છે. તે લગભગ આખી ઇનિંગ્સમાં બેટિંગ કરીને ખુશ હતો અને ભારતના સ્કોરમાં વધારાના 25-30 રન ઉમેર્યા જે તેના હિસાબે ઝાકળને ધ્યાનમાં રાખીને જરૂરી લાગ્યું.
આ વર્ષે વર્લ્ડ કપ પણ છે અને વર્ષની શરૂઆતમાં તેણે પોતાના બેટથી સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી અને વર્લ્ડ કપમાં પણ આવું જ પ્રદર્શન કરવા માંગે છે અને પોતાની ટીમને જીત અપાવવા માંગે છે. તે આવી રીતે બેટિંગ કરીને ખુશ છે. જ્યારે તે પોતાની રમતથી ખુશ હોય ત્યારે આ રીતે બેટિંગ કરવી તેના માટે નવી વાત નથી. જ્યારે તમે લાંબા સમય સુધી ક્રિકેટ રમો છો ત્યારે તમારી માનસિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવે છે, પરંતુ તમારી જાતને માનસિક રીતે ફ્રેશ રાખવાથી તેને મદદ મળે છે.
સૂર્યકુમારે વિરાટ કોહલીને તેના છેલ્લા બે વર્ષ વિશે પૂછ્યું કે, તેણે એવું શું કર્યું કે 2023માં તે પહેલી જ મેચમાં સદી ફટકારી રહ્યો છે. આના પર કોહલીએ કહ્યું, 'જ્યારે તમે સતત મેચો રમો છો, ત્યારે લોકો તમારી પાસેથી અલગ રીતે અપેક્ષા રાખે છે. તમે જેટલું રમશો તેટલું જ તમને અનુભવ થશે. હવે સૂર્યા બેટિંગ કરવા આવ્યો છે, તે કરશે. તેના માટે મજબૂત ઇરાદાની જરૂર છે. 'જ્યાં સુધી તમારો સમય સારો છે અને તમે રન મેળવો છો, તો તેમાં ખુબ મજા આવે છે, પરંતુ જ્યારે રન નથી બનતા, ત્યારે થોડો ખરાબ સમય આવે છે, પછી મારા કિસ્સામાં મને ચીઢ ચડવા લાગી હતી. 'લોકો શું અપેક્ષા રાખે છે? મારે આ રીતે રમવું જોઈએ. હું આ રીતે રમવા માંગુ છું. મારે આ રીતે રમવું પડશે, પરંતુ ક્રિકેટ મને આ રીતે રમવાની મંજૂરી આપતું ન હતું.
આ કારણે હું મારી વાસ્તવિક રમતથી દૂર હતો. મારી અપેક્ષાઓ મારા પર અસર કરવા લાગી હતી. તે સમયે મને સમજાયું કે મારે મારી જાતને સ્વીકારવી પડશે. જો હું ટીમનો સૌથી ખરાબ ખેલાડી છું, તો મારે તે પણ સ્વીકારવું પડશે. કારણ કે આ વસ્તુનો અસ્વીકાર કરવાથી મારી અંદરનું મન ખૂબ જ ચીડાયેલું રહેતું હતું, જે સારું ન હતું. તે એ લોકો માટે સારું ન હતું. જે મારી નજીક હતા.અનુષ્કા કે અન્ય લોકો કે જેમણે હંમેશા મને ટેકો આપ્યો છે, તેમની સાથેનો મારો વ્યવહાર બરાબર ન હતો. ત્યારબાદ જ્યારે હું આરામ કર્યા પછી એશિયા કપમાં પાછો ફર્યો, પછી મેં પ્રેક્ટિસનો આનંદ માણવાનું શરૂ કર્યું. હું હંમેશા આ રીતે ક્રિકેટ રમ્યો છું. મારી સલાહ છે કે જો તમે કોઈ વસ્તુ માટે હતાશા અનુભવી રહ્યા હોવ તો, બે ડગલાં પાછળ હટો, કારણ કે હતાશામાં તે વસ્તુ તમારાથી વધુ દૂર થઈ જાય છે.
Of mutual admiration 🤝, dealing with expectations & starting the year with a glorious 💯
— BCCI (@BCCI) January 11, 2023
A conversation that will brighten up your Wednesday morning as @surya_14kumar chats with centurion @imVkohli 😃- By @ameyatilak
Full interview 🔽 #TeamIndia #INDvSLhttps://t.co/VVfjt19zRM pic.twitter.com/StExnar1V1
આ પછી સૂર્યકુમાર યાદવે બધાને કહ્યું કે, આ વાત હંમેશા ધ્યાનમાં રાખો. કંઈક ખોટું થાય ત્યારે પણ મહેનત કરવાનું ચાલુ રાખો અને લાગેલા જ રહો, અને તમારી રમતનો આનંદ માણતા રહો. આ પછી તેણે એવી ઈચ્છા બતાવી કે, વિરાટ દર મહિને આવી સદી ફટકારશે અને તેને કોહલીનો ઈન્ટરવ્યુ લેવાની તક મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp