વસીમ અકરમે ચેન્નાઈ ટેસ્ટ મેચમાં સચિનની વિકેટને લઈને કર્યો મોટો ખુલાસો

PC: espncricinfo.com

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે ખુલાસો કર્યો છે કે, કઈ રીતે તેમની એક મહત્ત્વની સલાહ બાદ સકલૈન મુશ્તાક ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ભારત વિરુદ્ધ સચિન તેંદુલકરની વિકેટ  લઈ શક્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999માં ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચ ખૂબ ઐતિહાસિક રહી હતી. પાકિસ્તાની ટીમે આ મેચમાં ભારતીય ટીમને રોમાંચક અંદાજમાં 12 રને હરાવી હતી. એ મેચમાં પાકિસ્તાની દિગ્ગજ સ્પિનર સકલૈન મુશ્તાકે સચિન તેંદુલકરને બંને જ ઇનિંગમાં આઉટ કર્યા હતા. જો કે, બીજી ઇનિંગમાં તેમની વિકેટ ખૂબ મહત્ત્વની હતી કેમ કે સચિન તેંદુલકર આઉટ ન થતા તો ભારતીય ટીમ મેચ જીતી જતી.

પાકિસ્તાની ટીમે પહેલા બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં 238 રન બનાવ્યા હતા, તેના જવાબમાં ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 254 રન બનાવ્યા હતા. સચિન તેંદુલકર ખાતું ખોલ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. બીજી ઇનિંગમાં પાકિસ્તાની ટીમે 286 રન બનાવ્યા અને ભારતીય ટીમને 271 રનનો ટારગેટ મળ્યો હતો. જો કે, ભારતીય ટીમ માત્ર 82 રનો પર જ 5 વિકેટ ગુમાવીને ખૂબ મુશ્કેલીમાં આવી ગઈ હતી. ત્યારબાદ સચિન તેંદુલકર અને નયન મોંગિયાએ છઠ્ઠી વિકેટ માટે 136 રનોની પાર્ટનરશિપ કરીને ભારતીય ટીમની મેચમાં વાપસી કરાવી દીધી.

નયન મોંગિયા 52 રન બનાવીને આઉટ થઈ ગયા, પરંતુ બીજી તરફ સચિન તેંદુલકર ટકી રહ્યા. જ્યારે લાગ્યું કે તેઓ એકલાના દમ પર ભારતને જીત અપાવી દેશે તો સકલૈન મુશ્તાકે એક શાનદાર બૉલ પર તેમને વસીમ અકરમના હાથે કેચ આઉટ કરાવી દીધા. સચિન તેંદુલકર 136 રનોની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયા અને ભારતીય ટીમ એ મેચ હારી ગઈ. વસીમ અકરમે આ ટેસ્ટ મેચને યાદ કરતા ખાસ કરીને સચિન તેંદુલકરની વિકેટનો ઉલ્લેખ કર્યો છે.

તેમણે એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, ચેન્નાઈ ટેસ્ટ મારા માટે ખૂબ ખાસ છે. ખૂબ ગરમી પડી રહી હતી અને પીચ પૂરી રીતે ખૂલી ગઈ હતી અને અમને ખૂબ શૂટ કરી રહી હતી કેમ કે, અમે બૉલને રિવર્સ સ્વીપ કરાવી રહ્યા હતા. એ સિવાય અમારી પાસે સકલૈન મુશ્તાકના રૂપમાં એક શાનદાર સ્પિનર પણ હતો. એ સમયે તેમના સિવાય ‘દૂસરા’ કોઈ નાખી શકતું નહોતું. પહેલી ઇનિંગ બાદ સચિન તેંદુલકર તેને ખૂબ સારી રીતે રમ્યા.

જ્યારે પણ સકલૈન મુશ્તાક ‘દૂસરા’ નાખતો હતો, સચિન તેંદુલકર કીપર પાછળ રમી દેતા હતા અને આ કારણે સચિન તેંદુલકર સૌથી મહાન બેટ્સમેન છે. વસીમ અકરમે કહ્યું કે, ભારતીય ટીમને જીતવા માટે 20 આસપાસ રનોની જરૂરિયાત હતી. સચિન તેંદુલકર 136 પર બેટિંગ કરી રહ્યા હતા અને મેં કહ્યું કે, તે પોતાનો ‘દૂસરા’ ઓફ સ્ટેમ્પ બહાર નાખે અને બૉલને થોડી હવા આપે. સચિન તેંદુલકર તેને મિડવિકેટ પર મારવાનો પ્રયાસ કરી શકે છે અને થયું પણ કંઈક એવું જ. સચિન તેંદુલકરે તેના પર સિક્સ લગાવવાનો પ્રયાસ કર્યો અને મેં કેચ પકડી લીધો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp