'અમને ફાયદો મળશે...' ભારત સામેની મેચ પહેલા બાબર આઝમનું નિવેદન

PC: t20worldcup.com

એશિયા કપ 2023ના સુપર 4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરે મેચ રમાવાની છે. બંને ટીમો માટે આ મુકાબલો ઘણો મહત્વનો બની રહેશે. આ ટૂર્નામેન્ટમાં અગાઉ બંને ટીમો ગ્રુપ સ્ટેજમાં સામસામે આવી હતી. તે મેચમાં ભારતની બેટિંગ પછી વરસાદ આવ્યો હતો અને મેચ પૂર્ણ થઈ શકી નહોતી. જો કે, તે મેચમાં પાકિસ્તાનના બોલિંગ આક્રમણે ભારતીય બેટ્સમેનોની આકરી પરીક્ષા કરી હતી. હવે સુપર 4 મુકાબલા પહેલા ફરી એકવાર પાકિસ્તાનની પેસ બેટરીની (ફાસ્ટ બોલરોની) ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે મેચના એક દિવસ પહેલા આ અંગે નિવેદન આપ્યું છે.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તાજેતરમાં શ્રીલંકામાં લાંબા સમય સુધી રમવાનો અનુભવ તેની ટીમને એશિયા કપ 'સુપર ફોર' ભારત સામેની મેચમાં ફાયદો કરાવશે. અહીં તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના ઘણા ખેલાડીઓ જુલાઈમાં ટેસ્ટ સીરિઝ પછીથી શ્રીલંકામાં સતત રમી રહ્યા છે. ટેસ્ટ શ્રેણી પછી આ ખેલાડીઓએ અહીં અફઘાનિસ્તાન સામે લંકા પ્રીમિયર લીગ અને વનડે શ્રેણી પણ રમી હતી. આ કારણે જ આ અંગે બાબરે કહ્યું કે, અમે શ્રીલંકામાં સતત ક્રિકેટ રમી રહ્યા છીએ, તમે કહી શકો કે, અમને ભારત સામેની મેચમાં ફાયદો થશે. અમે લગભગ બે મહિનાથી શ્રીલંકામાં છીએ. અમે ટેસ્ટ રમ્યા, અફઘાનિસ્તાન સામે શ્રેણી અને પછી લંકા પ્રીમિયર લીગ. તેથી એવું કહી શકાય કે, અમને લાભ મળશે.

એશિયા કપમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ અને નસીમ શાહે મળીને ત્રણ મેચમાં 23 વિકેટ લીધી છે. પોતાની ટીમની પેસ બેટરી અંગે બાબરે કહ્યું કે, હા, અમે બોલથી સારી શરૂઆત કરી છે અને યોજના હંમેશા મધ્ય ઓવરોમાં સારી બોલિંગ કરવાની રહી છે. અમારો પ્રયાસ અસરકારક સંતુલન લાવવાનો છે. અમને મધ્ય ઓવરોમાં વિકેટની જરૂર છે પરંતુ અમે તેમ કરી શકતા નથી. પરંતુ તમે જોઈ શકો છો કે, અમે મેચમાં સારું ફિનિશિંગ કરી રહ્યા છીએ. અમારા ફાસ્ટ બોલરો સારો દેખાવ કરી રહ્યા છે. આ સમગ્ર ટીમનું પ્રદર્શન છે. જો એક બોલર નિષ્ફળ જાય તો બીજો બોલર સારો દેખાવ કરે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે આ બીજી મેચ કોલંબોમાં રમાશે. ગ્રુપ સ્ટેજમાં પલ્લેકલમાં બંને વચ્ચેની લીગ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. કોલંબોમાં પણ સતત વરસાદ પડી રહ્યો હતો. બાબરને આશા છે કે રવિવારે હવામાન સ્વચ્છ રહેશે. આ અંગે તેમણે કહ્યું કે, અમારા હાથમાં જે છે તેના પર અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જે રીતે તડકો રહ્યો છે, મને નથી લાગતું કે કાલે વધારે વરસાદ પડશે. અમે શક્ય તેટલી વધુ પ્રેક્ટિસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સુપર 4ની પ્રથમ મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. સુપર 4મા ભારતની આ પ્રથમ મેચ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp