26th January selfie contest

ટેસ્ટ ક્રિકેટમાં શું ટીમ ઈન્ડિયાને માત્ર 'બેઝબોલ ક્રિકેટ' જ ટક્કર આપી શકે છે?

PC: cricschedule.com

ક્રિકેટમાં ટેસ્ટ ફોર્મેટની જંગ સૌથી જબરદસ્ત હોય છે, તેમા પણ સૌથી ઉપર માનવામાં આવે છે કોઈપણ ટીમને તેના ઘરમાં જઈને હરાવવી. ઈતિહાસ પણ જ્યારે તમારા આંકડા જુએ છે તો નજર એ જ વાત પર જઈને અટકે છે કે વિદેશી પિચો પર તમારું કેવુ પ્રદર્શન રહ્યું. તે પછી બેટ્સમેન તરીકે હોય, બોલર તરીકે હોય કે પછી એક ટીમ તરીકે જ કેમ ના હોય. ભારતીય ક્રિકેટ ટીમની પણ આ જ પરિસ્થિતિ છે, એક સમય હતો જ્યારે ટીમ ઈન્ડિયા બહારની પિચો પર જીત મેળવી શકતી નહોતી અને એ નક્કી માનવામાં આવતું હતું કે જો વિદેશમાં મેચ રમાઈ રહી છે, તો હાર પાક્કી છે. સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા પ્રવાસો પર પરિણામ પહેલાથી જ નક્કી માની લેવામાં આવતા હતા. પરંતુ, સમય બદલાયો અને ટીમ ઈન્ડિયાએ દરેક દેશમાં જીત મેળવી.

જે થિયરી ભારત પર લાગૂ થઈ રહી છે, તે વિદેશી ટીમો પર પણ લાગૂ થાય છે. જો બહારની ટીમોનું ભારતમાં પ્રદર્શન જોઈએ તો હવે ટીમ ઈન્ડિયાના કિલ્લાને ભેદવો મુશ્કેલ લાગે છે. છેલ્લાં એક દાયકા અથવા તેના કરતા પહેલાના પણ ઘણા વર્ષો આ જ સ્ટોરી જણાવે છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લીવાર પોતાના ઘરમાં કોઈ સીરિઝ વર્ષ 2012/13માં ગૂમાવી હતી, ત્યારે ઈંગ્લેન્ડે 2-1થી ભારતને હરાવ્યું હતું. ભારતમાં જો વિદેશી ટીમો 3-4 દિવસોમાં જ પેવેલિયન ભેગી થઈ રહી છે, ત્યારે સવાલ ઉઠે છે કે હાલના સમયમાં ટીમ ઈન્ડિયાને કોણ ટક્કર આપી શકે છે? શું ભારતને ઘરમાં આવીને કોઈ ટીમ ટેસ્ટ ક્રિકેટમાં હરાવી શકે છે? હાલના સમયમાં એક જ નામ સામે આવે છે, તે છે ઈંગ્લેન્ડનું. જે નવા નિઝામ અંતર્ગત ટેસ્ટ ક્રિકેટને જ બદલવામાં લાગી છે.

ભારતમાં છેલ્લી 10 ટેસ્ટ સીરિઝ

 • 2022/23- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત 2-0થી આગળ
 • 2021/22- ભારતે શ્રીલંકાને 2-0થી હરાવ્યું
 • 2021/22- ભારતે ન્યૂઝીલેન્ડને 1-0થી હરાવ્યું
 • 2020/21- ભારતે ઈંગ્લેન્ડને 3-1થી હરાવ્યું
 • 2019/20- ભારતે બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું
 • 2019/20- ભારતે દક્ષિણ આફ્રિકાને 3-0થી હરાવ્યું
 • 2018/19- ભારતે વેસ્ટ ઈન્ડિઝને 2-0થી હરાવ્યું
 • 2017/18- ભારતે શ્રીલંકાને 1-0થી હરાવ્યું
 • 2016/17- ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું
 • 2016/17- ભારતે બાંગ્લાદેશને 1-0થી હરાવ્યું

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેંડન મેક્કુલમે જ્યારથી ઈંગ્લેન્ડના ટેસ્ટ કોચ તરીકે કાર્યભાર સંભાળ્યો છે, પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. બ્રેંડન મેક્કુલમ કોચ અને બેન સ્ટોક્સ કેપ્ટન, આ બંનેની જોડીએ તહેલકો મચાવ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ સતત જીતી રહી છે, સાથે જ ટેસ્ટ ક્રિકટ રમવાની રીતને બદલી રહી છે, જ્યાં ડ્રો નહીં માત્ર જીતવા માટે રમવામાં આવી રહ્યું છે.

ભારતીય પિચો પર અશ્વિન, જાડેજા, અક્ષર, કુલદીપ જેવા સ્પિનર્સનો સામનો કરવો સરળ નથી. એવામાં BAZBALLની અટેકિંગ ગેમ ઘણી હદ સુધી અહીં કામ આવી શકે છે પરંતુ, એ પણ સરળ નથી કારણ કે, પિચ પર ટર્ન તો હશે અને ઈંગ્લેન્ડની નવી પેઢીના બેટ્સમેન સ્પિન બોલ નહીં પરંતુ, ફાસ્ટ અથવા સ્વિંગ બોલ રમવાના આદી છે. BAZBALL થિયરી બાદ ઈંગ્લેન્ડનો રેકોર્ડ જોઈએ તો બેન સ્ટોક્સની કેપ્ટનશિપમાં ઈંગ્લેન્ડે અત્યારસુધી 12 ટેસ્ટ મેચ રમી છે, તેમાંથી 10માં જીત મળી છે અને 2માં હાર, એટલે કે એક પણ મેચ ડ્રો નથી થઈ. આ દરમિયાન ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, ભારતને હરાવ્યું છે. તેમા પણ પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડમાં જઈને જીત મેળવી છે.

હાલમાં જ્યારે ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવ્યું, ત્યારે પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને કહ્યું હતું કે, ઈંગ્લેન્ડની ખરી પરીક્ષા ભારતમાં જ થશે. એટલે કે ઈંગ્લેન્ડ પણ માની રહ્યું છે કે ફાસ્ટ અને બાઉન્સી પિચો પર સફળ સાબિત થયા છે પરંતુ, ભારતનો ટર્ન જોવાનો બાકી છે. અહીં, પાકિસ્તાનને ના ગણી શકાય કારણ કે, ઈંગ્લેન્ડના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ત્યાંની પિચો સંપૂર્ણરીતે ફ્લેટ દેખાઈ હતી.

ભારત વર્સીસ ઈંગ્લેન્ડ (છેલ્લી 5 ટેસ્ટ સીરિઝ, ભારતમાં)

 • 2020/21- ભારત 3-1થી જીત્યું (4 ટેસ્ટ)
 • 2016/17- ભારત 4-0થી જીત્યું (4 ટેસ્ટ)
 • 2012/13- ઈંગ્લેન્ડ 2-1થી જીત્યું (4 ટેસ્ટ)
 • 2008/09- ભારત 1-0થી જીત્યું (2 ટેસ્ટ)
 • 2005/06- સીરિઝ 1-1થી ડ્રો (2 ટેસ્ટ)

શું છે BAZBALL?

બ્રેંડન મેક્કુલમને દરેક વ્યક્તિ ઓળખે છે, તે ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન રહી ચુક્યો છે. જે T20 અને ટેસ્ટ ક્રિકેટ એક જેવુ જ રમતો હતો, જ્યારે તેણે ન્યૂઝીલેન્ડ ટીમની કેપ્ટનશી કરી ત્યારે પોતાની ટીમને સંપૂર્ણરીતે આક્રામક બનાવી દીધી. મેક્કુલમનું નિકનેમ BAZ છે, જ્યારે તે ઈંગ્લેન્ડનો કોચ બન્યો અને ટીમે તેની આગેવાનીમાં આક્રામક રમવાનું શરૂ કર્યું ત્યારે ત્યાંથી BAZBALL નીકળીને આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp