26th January selfie contest

ખેતરમાં કામ કર્યું, ફાનસ ખરીદવા પૈસા નહોતા હવે વર્લ્ડ કપના સપના સાથે ઉતરશે નીલમ

PC: indianexpress.com

મેન્સ હોકી વર્લ્ડ કપ (હોકી વર્લ્ડ કપ 2023)માં, એક ખેલાડી જેણે પોતાનું બાળપણ ખેતરમાં કામ કરીને પરિવારને મદદ કરવામાં વિતાવ્યું, તે ભારતીય ટીમને 46 વર્ષ પછી ચેમ્પિયન બનાવશે. પાંચ વર્ષ પહેલા તો તેમના ગામમાં વીજળી પણ નહોતી. તેમના પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ એક ફાનસ પણ ખરીદી શકતા ન હતા અને દિબરી (દિવા)ની મદદથી રાત વિતાવતા હતાં. આ ખેલાડી છે નીલમ ખેસ. 24 વર્ષીય ડિફેન્ડર, જે રાઉરકેલાના કડોબહાલ ગામનો છે, તે 13 જાન્યુઆરીએ સ્પેન સામે વર્લ્ડ કપમાં પદાર્પણ કરશે.

નીલમ ખેસે કડોબહાલમાં જ હોકી રમવાનું શરૂ કર્યું. આ ગામની વસ્તી રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમની બેઠક ક્ષમતા કરતા ઓછી છે, પરંતુ હોકીનો ક્રેઝ અપાર છે. ખેસે એક એવા મેદાનમાં હોકી રમવાનું શરૂ કર્યું જ્યાં ઘાસ પણ નહોતું. બંને ગોલપોસ્ટ પર ફાટેલી નેટ જોવા મળશે. તેની બાજુમાં એક રસ્તો છે. ત્યાંથી પસાર થતા વાહનોને બોલ અથડાય નહીં તે માટે વાંસના બે પોલ લગાવવામાં આવ્યા છે.

જ્યારે નીલમ ખેસ આ મેદાન પર ઉતર્યા ત્યારે તેમની ઉંમર માત્ર 7 વર્ષની હતી. તેણે કહ્યું, 'હું શાળામાં રીસેસ દરમિયાન મારા ભાઈ સાથે રમતો હતો. ઘરે આવ્યા પછી, હું મારા માતા-પિતાને બટાકા અને ફૂલકોબીના ખેતરોમાં મદદ કરતો હતો. સાંજે ગામના લોકો હોકી રમવા ભેગા થતા. હું તેમની સાથે રમતો હતો.'

નીલમ ખેસ સમય પસાર કરવા માટે હોકી રમતો હતો અને ડિફેન્ડર એટલા માટે બન્યો કે અન્ય લોકો ફોરવર્ડ રમવા અને ગોલ કરવા માંગતા હતા. ભૂતકાળમાં પણ આદિવાસી વિસ્તારોએ હોકીને ઘણા હીરો આપ્યા છે. જેમાં માઈકલ કાઈંડો, દિલીપ ટિર્કી, લજારા બારલા અને પ્રબોધ ટિર્કીનો સમાવેશ થાય છે. એક સમય એવો હતો જ્યારે ખેસને આની જાણ ન હતી, પરંતુ ત્યારે તેણે એવું વિચાર્યું પણ નહોતું કે તે ક્યારેય ભારત માટે હોકી રમશે.

નીલમ ખેસ તેના ગામ કડોબહાલ વિશે મજાકમાં કહે છે કે, તે એવી જગ્યા નથી જ્યાં લોકો મોટા સપનાં જુએ છે. તેણે કહ્યું, 'ત્યાં કરંટ પણ નહોતો. દૂર દૂરની દુનિયામાં શું થઈ રહ્યું છે, રાઉરકેલામાં શું થઈ રહ્યું છે તેની મને જાણ પણ નહોતી. કેટલીકવાર, મને મારી વાર્તા કહેતા શરમ આવે છે, પરંતુ પછી મને લાગે છે કે, વાહ, હું ક્યાં પહોંચી ગયો છું. નીલમ ખેસના પિતા બિપિન ખેસ કહે છે, 'ગામમાં 2017 સુધી વીજળી નહોતી. ત્યાં સુધી અમે અંધારામાં જ રહેતા હતા. અમે ફાનસ પણ ખરીદી શકતા ન હતાં. ઘરમાં નાની મોટી બોટલો પડી રહેતી હતી. જ્યારે ખાલી થાય ત્યારે અમે તેને ધોઈને સૂકવતા. પછી બોટલની ઉપર એક નાનું કાણું પાડી તેમાં થોડું કેરોસીન તેલ નાખીને તેને દિવા તરીકે સળગાવતા હતાં. આમ જ અમારી રાતો વીતતી હતી.'

આ તે સમય હતો જ્યારે નીલમ ખેસ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી સારી નોકરી મેળવવા માંગતો હતો. તે માત્ર મનોરંજન માટે હોકી રમતો હતો. વર્ષ 2010માં બધું બદલાઈ ગયું. તેની પસંદગી સુંદરગઢની સ્પોર્ટ્સ હોસ્ટેલ માટે થઈ હતી. તેણે આ વિશે કહ્યું, 'પછી મને ખબર પડી કે હોકી રમીને પણ પૈસા કમાઈ શકાય છે. તમને સન્માન મળે. તેથી જ મેં ખેલાડી બનવા માટે સખત મહેનત કરી. પછી મેં લંડન ઓલિમ્પિક્સ 2012 જોયું. તે પછી મેં ભારત માટે રમવાનું લક્ષ્ય નક્કી કર્યું.'

નીલમ ખેસના પરિવારે હોકી સ્ટિક ખરીદવા અને અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસા ઉછીના લીધા હતા. સ્થાનિક કોચ તેજકુમાર ખેસે તેને ડિફેન્ડિંગ કરવાની કળા શીખવી હતી. જ્યારે તેની પ્રથમવાર રાષ્ટ્રીય શિબિર માટે પસંદગી કરવામાં આવી ત્યારે આદિવાસી પટ્ટાના અન્ય સ્ટાર બિરેન્દર લાકરાએ તેને ઘણી મદદ કરી. ખેસે તેને લઈને કહ્યું, 'તે મને તેના ભાઈ જેવો માનતો હતો અને મને ઘણી બધી વસ્તુઓ શીખવી. તેણે ટેકલીંગ, પોઝીશનીંગ, હેન્ડલિંગ પ્રેશર વિશે શીખવ્યું.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp