વર્લ્ડ કપને લઇ સેહવાગની મોટી ભવિષ્યવાણી, આ ખેલાડી બનાવશે સૌથી વધુ રન

વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં 50 દિવસથી પણ ઓછો સમય બાકી છે. ભારતની મેજબાનીમાં થનારી આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને 19 નવેમ્બરના રોજ ફાઇનલ રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ તોફાની ઓપનર વિરેન્દર સેહવાગે મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે કહ્યું કે ટીમ ઈન્ડિયાના હિટમેન આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહેશે. રોહિત શર્મા 2019માં પણ સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન હતો. તેણે 9 મેચમાં 648 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈમાં 8 ઓક્ટોબરના રોજ રમાશે. સેહવાગે કહ્યું કે ભારતમાં બેટિંગને અનૂકૂળ પરિસ્થિતિને કારણે ઓપનર બેટ્સમેનોની પાસે આવનારા વનડે વર્લ્ડ કપ દરમિયાન ચમકવાની તક રહેશે. એક ઈવેન્ટમાં સેહવાગને સવાલ કરવામાં આવ્યો હતો કે 2023 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન કોણ બનાવશે?
વિરેન્દર સેહવાગે આ ખેલાડીને સિલેક્ટ કર્યો
વિરેન્દર સેહવાગે રોહિત શર્માને પસંદ કર્યો અને કહ્યું, ભારત પાસે સારી વિકેટ છે. માટે મને લાગે છે કે ઓપનરોની પાસે સારી તક છે. જો કોઇ એકને પસંદ કરવાનો હોય તો રોહિત શર્માનું નામ લઇશ. અમુક અન્ય નામો છે પણ હું ભારતીય છું અને મારે એક ભારતીયને જ સિલેક્ટ કરવો જોઇએ. માટે રોહિત શર્મા.
સેહવાગે ભારતીય ઓપનર અને કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરી અને કહ્યું કે વર્લ્ડ કપમાં મોટેભાગે તેનું સારું પ્રદર્શન રહ્યું છે. જ્યારે વર્લ્ડ કપ આવે છે તો તેની ઉર્જા અને પ્રદર્શન ટોચ પર રહે છે. માટે મને વિશ્વાસ છે કે તે સારુ રમશે. આ વખતે તે કેપ્ટન પણ છે. મને વિશ્વાસ છે કે તે બદલાવ લાવશે અને ખૂબ રન બનાવશે.
2019નો વનડે વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં રમાયો હતો અને તેમાં રોહિતે સૌથી વધારે રન બનાવ્યા હતા. 9 મેચોમાં તેણે 81ની સરેરાશથી 648 રન બનાવ્યા હતા. જેમાં પાંચ સદી સામેલ છે. કુલ મળીને 244 વનડે મેચોમાં 36 વર્ષીય ખેલાડીએ 48.69ની સરેરાશથી 9837 રન બનાવ્યા છે. જેમાં 30 સદી અને 48 હાફ સેન્ચ્યુરી સામેલ છે. આ વર્ષે રોહિતે દરેક ફોર્મેટમાં સારુ પ્રદર્શન કર્યું છે. રોહિતે આ વર્ષે ક્રિકેટના દરેક ફોર્મેટમાં 16 મેચોમાં 48.57ની સરેરાશથી 923 રન બનાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp