મુંબઇમાં 4672 કરોડનું નકલી શેરબજાર ચાલતું હતું, સરકારને 1000 કરોડનું નુકશાન

PC: gallinews.com

શેરબજારની સંમાતર નકલી સ્ટોક માર્કેટ ઉભું કરીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર ડબ્બા ઓપરેટરને મુંબઇની ક્રાઇમ બ્રાન્ચે જેલ ભેગો કરી દીધો છે.

મુંબઈ પોલીસે કરોડો રૂપિયાના નકલી શેરબજારનો પર્દાફાશ કર્યો છે. જતીન મહેતા નામનો વ્યક્તિ તેનું સંચાલન કરતો હતો. તેનો ધંધો રોકડમાં ચાલતો હતો. આ પ્રકારના નકલી શેરબજારને ‘ડબ્બા ટ્રેડિંગ’ તરીકે ઓળખવમાં આવે છે. પોલીસે આરોપીને જેલમાં મોકલી આપ્યો છે.

શેરબજારની સમાંતર મુંબઈમાં ડમી સ્ટોક માર્કેટ ચલાવતા જતીન મહેતાની કાંદિવલીના ફ્લેટમાંથી ધરપકડ કરવામાં આવી છે. DCP રાજ તિલક રોશને જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન, એક લેપટોપ, એક રાઉટર, એક ટેબ, એક પેન ડ્રાઈવ અને ઘણી રોકડ પણ જપ્ત કરી છે.

ક્રાઈમ બ્રાન્ચને NSE અને MCX ટીમ પાસેથી આરોપી વિશે ઘણા ઈનપુટ મળ્યા હતા. DCPના જણાવ્યા અનુસાર, આ પ્રકારના વેપારને ડબ્બા ટ્રેડિંગ પણ કહેવામાં આવે છે. જતીન મહેતાના આ ગેરકાયદેસર વેપારમાં માર્ચ 2023થી 20 જૂન 2023 સુધીમાં લગભગ 4672 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. ટેક્સ ન મળવાને કારણે સરકારને લગભગ એક હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

કેસના તપાસ અધિકારી અભિજીત જાધવે આ ડમી શેરબજાર અને આરોપીઓની સમગ્ર મોડસ ઓપરેન્ડી વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આરોપીએ MOODY નામની એપ બનાવી હતી. તેનાપોતાના શેરબજારનો આખો કારોબાર હવાલા દ્વારા ચાલતો હતો.

આરોપી પોતાની એપનો પાસવર્ડ લોકોને આપતો હતો. જે પ્રમાણે શેરબ્રોકર્સની ભૂમિકા હોય છે એવું ઘણું બધું જતીન મહેતા પાસે પણ હતું.તેણે તમામ પાસેથી 50-50 હજાર રૂપિયા ડિપોઝીટ તરીકે પણ લીધા હતા. તેની એપ પર જવા પર સવારે અને આખો દિવસ અલગ-અલગ કંપનીઓના શેરના ભાવ આવતા હતા.લોકો તેના દ્વારા શેર ખરીદતા અને વેચતા. રોજબરોજના વ્યવહારોની વિગતો એપમાં જ રાખવામાં આવી હતી, પરંતુ હિસાબ દર ગુરુવારે જ થતો હતો.

જો કોઈ શેરમાં નફો કરે તો જતીન તેનું દલાલી તરીકે કમિશન કાપીને તેની સામેની વ્યક્તિને રોકડમાં પૈસા મોકલતો હતો. જો કોઈને સ્ટોકમાં નુકસાન થયું હોય, તો તે પૈસા તેની જમા રકમમાંથી કાપવામાં આવતી હતી. પરંતુ તે જ રકમ ફરીથી સામેની વ્યક્તિ પાસેથી માંગવામાં આવી હતી, જેથી ડિપોઝીટ હંમેશા 50,000 રૂપિયાની જ રહે. તેના ગ્રાહકો સેંકડોમાં હોવાથી તેની પાસે ડિપોઝીટમાં મોટી રકમ હતી.

આ ડમી શેર માર્કેટમાં નફો કરવા પર સામેની વ્યક્તિને ટેક્સ બેનિફિટ ઘણો મળતો હતો. જો કોઈ વ્યક્તિ વર્ષમાં 15 થી 20 લાખ રૂપિયા કમાય છે તો તેને 15 થી 30 ટકા ઇન્કેમ ટેક્સ ભરવો પડશે. પરંતુ આ ડમી શેરબજારમાં સમગ્ર ધંધો હવાલા અને રોકડ દ્વારા થતો હોવાથી શેરમાંથી નફો કરતી પાર્ટીને કોઈ ટેક્સ ચૂકવવો પડતો ન હતો. સત્તાવાર શેર ટ્રેડિંગમાં, રોકાણકારે બ્રોકર ચાર્જિસ ઉપરાંત કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (CTT) અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) ચૂકવવા પડે છે.

નકલી શેરબજારને ડબ્બા ટ્રેડિંગ પણ કહેવામાં આવે છે. આ શેરના વેપારનું ગેરકાયદેસર મોડલ છે. આમાં, ટ્રેડિંગ રિંગ ઓપરેટરો સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મની બહાર ગેરકાયદેસર રીતે ઇક્વિટી ટ્રેડ કરે છે. તેઓ ફિક્સ રિટર્નની લાલચ આપીને એપ બનાવે છે. પછી તેઓ હવાલા દ્વારા પૈસાની લેવડદેવડ કરે છે જેથી તેઓ આવકવેરાની નજરથી સુરક્ષિત રહે. લોકો વિચારે છે કે તેઓ શેરબજારમાં પૈસા રોકે છે, પણ હકિકતમાં,  આ છેતરપિંડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp