26th January selfie contest

અદાણી ગ્રુપે અબુ ધાબીની કંપનીને 3260 કરોડ રૂપિયા પરત આપી દીધા

PC: maharashtratimes.com

હિંડનબર્ગના રિપોર્ટને કારણે અદાણી ગ્રુપની સ્થિતિ કફોડી બની જવા પામી છે એવા સમયે ગ્રુપ તરફથી એક પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. અદાણી ગ્રુપે અબુ ધાબીની એક કંપનીને 3260 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. આ કંપનીએ અદાણી એન્ટરપ્રાઇઝીસના FPOમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા. અદાણી ગ્રુપે બુધવારે જાહેરાત કરી હતી કે અદાણી એન્ટરપ્રાઇઝીસનો FPO પાછો ખેંચી લેવામાં આવે છે અને રોકાણકારોના પૈસા પરત કરવામાં આવશે. અદાણીએ તાત્કાલિક રોકાણકારોનો પૈસા પરત કરી દીધા હતા.

અબુ ધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપનીએ ગુરુવારે પુષ્ટિ કરી હતી કે અદાણી એન્ટરપ્રાઇઝીસે હવે  20,000 કરોડ રૂપિયાના ફોલો-અપ ઓફરિંગ (FPO)માં રોકાણ કરેલા ભંડોળનું ટ્રાન્સફર પૂર્ણ કર્યું છે. સોમવારે IHCએ જાહેરાત કરી હતી કે તેણે અદાણી એન્ટરપ્રાઇઝના FPOમાં 400 મિલિયન ડોલર (3,260 કરોડ)નું રોકાણ કર્યું છે. અદાણી ગ્રૂપના શેરોમાં કડાકાને પગલે અદાણીએ બુધવારે FPO પાછો ખેંચી લીધો હતો.

 અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રુપની સામે આરોપો મુકતો એક રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો હતો. 1,000 પાનાના રિપોર્ટમાં આ રિસર્ચ કંપનીએ અનેક આરોપો મુક્યા હતા. જેને કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં કડાકા બોલી ગયા હતા.

જે દિવસે હિંડનબર્ગનો રિસર્ચ રિપોર્ટ જાહેર થયો તે જ દિવસે અદાણી એન્ટરપ્રાઇઝીસનો FPO ખુલ્યો હતો. કંપની 3100ના ભાવે ફોલોઓન પબ્લિક ઓફરીંગ (FPO) લાવી હતી. રિપોર્ટને કારણે શેરોના ભાવો તુટી ગયા અને તેની સાથે અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરનો ભાવ પણ તુટી ગયો હતો.

 અદાણી એન્ટરપ્રાઇઝીસનો  FPO 31 જાન્યુઆરી બંધ થયો હતો અને શરૂઆતના દિવસોની મુશ્કેલી બાદ ઇશ્યૂ આમ તો પુરો ભરાઇ ગયો હતો. પરંતુ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ બુધવારે મોડી રાત્રે એક વીડિયો જારી કરીને જાહેરાત કરી હતી કે અદાણી એન્ટરપ્રાઝીસનો FPO પાછો ખેંચી લેવામાં આવે છે. ગૌતમ અદાણીએ કહ્યું કે, અમને લાગે છે કે ભલે ઇશ્યૂ ભરાઇ ગયો છે, પરંતુ ઇથિકલી રોકાણકારોનું હીત અમારા માટે સર્વોપરી છે.

FPOમાં 20,000 કરોડ કરતા વધારે રોકાણ આવ્યું હતું, જે અદાણી ગ્રુપે બધા રોકાણકારોને પરત કરી દીધું છે. અબુધાબીની કંપની ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સે આ વાતની ખાત્રી પણ કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરનો ભાવ શુક્રવારે 1274 રૂપિયા પર આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp