
અદાણી ગ્રુપના શેરોમાં પડેલા મોટા ગાબડાં વચ્ચે LICનું અદાણી ગ્રુપમાં રોકાણ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના ધિરાણ મામલે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પહેલીવાર ચૂપ્પી તોડીને મોટું નિવેદન આપ્યું છે. નાણાં મંત્રીએ કહ્યું કે અદાણી ગ્રુપમાં SBI અને LICનું એક્સ્પોઝર નિયત મર્યાદાની અંદર છે. મતલબ કે આ બંને સંસ્થાઓએ મર્યાદા બહારમાં રોકાણ કર્યું નથી.
નાણા મંત્રીએ CNBC નેટવર્ક 18ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું કહેવા માંગું છુ કે SBI અને LIC બંનેએ વિસ્તાર પૂર્વક નિવેદન જારી કરેલું જ છે. બનેં સંસ્થાના ચેરમેન અને CMD એ જણાવેલું છે કે અદાણી ગ્રુપમાં ઓવર એક્સપોઝર કરવામાં આવ્યું નથી. નાણાં મંત્રીએ કહ્યું કે જે કઇ પણ અદાણી ગ્રુપમાં SBI અને LICમાં એક્સપોઝર છે તેમાં પણ નફો જ થઇ રહ્યો છે. વેલ્યુએશન ઘટવા છતા પણ નફામાં છે.
બજેટના દિવસે અદાણી ગ્રુપના શેરોમાં ગાબડા પડવાની સાથે શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, એ વિશે નાણા મંત્રીએ કહ્યું કે શેરબજારે બજેટનું સારું સ્વાગત કર્યું હતું, પરંતુ કોઇક કારણોસર બજાર તુટ્યું, પરંતુ મને વિશ્વાસ છે કે શેરબજાર પર બજેટની સારી અસર રહેશે.
અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગના એક રિપોર્ટ પછી અદાણી ગ્રુપના શેરોમાં રમખાણ મચી ગયું હતું અને હજુ પણ અદાણી ગ્રુપ કંપનીના શેરોમાં ગાબડા પડવાનું ચાલું જ રહ્યું છે.
અદાણી ગ્રુપે છેલ્લાં કેટલાંક વર્ષોમાં અનેક પ્રોજેક્ટસ હાથ ધર્યા હતા એટલે જાહેર ક્ષેત્રની બેંકો સ્ટેટ બેંક અને પંજાબ નેશનલ બેંકે કરોડો રૂપિયાના ધિરાણ આપ્યા છે અને LICએ અદાણી ગ્રુપની કંપનીઓમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્મેન્ટ કરેલું છે. એવા સંજોગોમાં લોકોની ચિંતા એ છે કે બેંકો અને LICને મોટું નુકશાન ન થઇ જાય.
ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપ પર લાંબા સમયથી હમલાવર રહેલા કોંગ્રેસે જાહેરાત કરી છે કે 6 ફેબ્રુઆરી દેશભરના જિલ્લામાં સ્ટેટ બેંક અને LIC ઓફીસની બહાર કોંગ્રેસના કાર્યકરો પ્રદર્શન કરશે.
હિંડનબર્ગનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ એ જ દિવસે જાહેર થયો હતો જયારે અદાણી એન્ટરપ્રાઇઝીસનો FPO ઓપન થયો હતો. 31 જાન્યુઆરીએ FPO તો ભરાઇ ગયો હતો, પરંતુ અદાણી ગ્રુપે FPO પાછો ખેંચી લેવાની જાહેરાત કરી હતી. હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરમાં 70 ટકા જેટલું મસમોટું ગાબડું પડી ગયું છે.<
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp