ગૌતમ અદાણીએ 1 વર્ષની કમાણી 5 દિવસમાં ગુમાવી, મુકેશ અંબાણી એશિયામાં પહેલા નંબરે

PC: indiatoday.in

ગૌતમ અદાણીએ ગયા વર્ષે સૌથી વધારે કમાણી કરી હતી, પરંતુ વર્ષ 2023ની શરૂઆતમાં તેમની નેટવર્થમાં મોટા ગાબડાં પડી ગયા. અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગના એક રિપોર્ટે અદાણી ગ્રુપના શેરોમાં હાહાકાર મચાવી દીધો અને પાંચ દિવસમાં અદાણી ગ્રુપની કંપનીઓનું માર્કેટ કેપ 90 અરબ ડોલર ધરાશાયી થઇ ગયું. ગૌતમ અદાણીએ એક વર્ષમાં જેટલી કમાણી કરી હતી તે માત્ર 5 દિવસમાં જ ગુમાવવાનો વારો આવ્યો છે. ગૌતમ અદાણીએ પછડાટ ખાવાને કારણે રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝના ચેરમેન મુકેશ અબાંણી હવે એશિયાના સૌથી ધનિકોની યાદીમાં પહેલા નંબરે આવી ગયા છે.

ગૌતમ અદાણીએ ગયા વર્ષે એટલે કે 2022માં 44 અરબ ડોલરની કમાણી કરી હતી જે 5 જ દિવસમાં ગુમાવી દીધી છે. હિંડનબર્ગની રિપોર્ટ પછી ગૌતમ અદાણીની નેટવર્થ 48.5 અરબ ડોલર ઘટી ગઇ છે.અદાણી ગ્રુપ કંપનીના બધા શેરોમાં બુધવારે મોટો કડાકો જોવા મળ્યો હતો, જેને કારણે 1 જ દિવમસાં  અદાણીને 12.5 અરબ ડોલરનો ફટકો પડ્યો. ગૌતમ અદાણીની નેટવર્થ હજુ થોડા દિવસો પહેલા 150 અરબ ડોલર હતી તે હવે સીધી 72.1 અરબ ડોલર પર આવી ગઇ  છે અને દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી હવે 4 નંબર પરથી 13 નંબર પર આવી ગયા છે. સાથે જે એશિયાના ધનિકોમાં પહેલા નંબર પર બિરાજતા ગૌતમ અદાણીએ પછડાટ ખાધી અને મુકેશ અંબાણી હવે પહેલા નંબર પર આવી ગયા છે.

હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ગયા અઠવાડિયે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રૂપ દાયકાઓથી સ્ટોક હેરાફેરી અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ છે. જો કે, અદાણી ગ્રૂપે આ અહેવાલને ખોટો હતાવ્યો હતો અને કહ્યું છે કે તેને FPO સમક્ષ બદનામ કરવાનું કાવતરું છે. પરંતુ તેના કારણે અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો છે. ગ્રુપ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ 90 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.

મંગળવારે અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ 10 કંપનીઓમાંથી 7 કંપનીઓમાં તેજી આવી હતી, પરંતુ તે ક્ષણિક જ રહી. બુધવારે બધી 10 કંપનીઓના શેરોમાં ગાબડાં પડી ગયા હતા. અદાણી એન્ટરપ્રાઇઝીસનો શેર 25 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ઉપરાંત, અદાણી પાવર 20 ટકા, અદાણી પોટર્સ 20 ટકા, ગુજરાત અંબુજા સીમેન્ટ19.26 ટકા, અદાણી ટોટલ ગેસ 10 ટકા, અદાણી ગ્રીન એનર્જિમાં 8.08 ટકા, એસીસી 6.34 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 5.75 ટકા, એનડીટીવીમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટા ગાબડાં પડી ગયા એટલે મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી ધનિકોની યાદીમાં પહેલા નંબર પર આવી ગયા. જો કે મુકેશ અંબાણીની નેટવર્થમાં બુધવારે 49.1 કરોડ ડોલરનો ઘટાડો થયો હતો, છતા તેમની નેટવર્થ અત્યારે 81 અરબ ડોલર છે. દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી 12મા નંબરે અને એશિયામાં પહેલાં નબર પર છે. નવાઇની વાત એ છે કે દુનિયાનો 39 ધનિકોમાં માત્ર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની નેટવર્થમાં ઘટાડો થયો છે, બાકીના બધાની નેટવર્થ આ વર્ષમાં વધી છે.

ગૌતમ અદાણી માટે વર્ષ 2022 જબરદસ્ત કમાણીનું વર્ષ રહ્યું , પરંતુ વર્ષ 2023ની શરૂઆતમાં નસીબે યારી ન આપી અને તેમના નેટવર્થમાં કડાકો બોલી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp