- Business
- અદાણીની કંપની કેમ બીજી કંપનીઓથી અલગ છે? ગૌતમ અદાણીએ જણાવી આ 3 ખુબીઓ
અદાણીની કંપની કેમ બીજી કંપનીઓથી અલગ છે? ગૌતમ અદાણીએ જણાવી આ 3 ખુબીઓ
તાજેતરમાં ગૌતમ અદાણીએ ઇન્ડિયા ટુડે ગ્રુપને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાના બિઝનેસ પ્લાન અને આગામી વર્ષ એટલે કે 2023ની રણનીતિઓ વિશે માહિતી આપી હતી. ગૌતમ અદાણીને સવાલ પુછવામાં આવ્યો હતો કે વર્ષ 2022 બધી કંપનીઓ માટે શ્રેષ્ઠ સાબિત ન થઇ શક્યું, પરંતુ અદાણી ગ્રુપની કંપનીઓમાં તેજી યથાવત રહી તેની પાછળનું કારણ શું છે? જેના જવાબમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, કંપનીને સફળ થવા માટે કોઇ સીક્રેટ ફોર્મ્યુલા નથી.
દુનિયાના ટોપ-10 ધનપતિઓની યાદીમાં ત્રીજું સ્થાન ધરાવનારા ગૌતમ અદાણીએ તાજેતરમાં ન્યૂઝ ચેનલને પહેલીવાર વિસ્તારથી ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમણે આ ઇન્ટરવ્યૂમાં રાજકારણથી માંડીને બિઝનેસ સુધીની બધી વાતો કરી હતી.

અદાણી ગ્રુપની તેજી 2022માં યથાવત રહી તેના કારણો આપતા ગૌતમ અદાણીએ કહ્યુ હતું કે અમે અમારી કોઇ પણ કંપનીને શેરબજારમાં લિસ્ટીંગ કરાવવા માટે બિલકુલ ઉતાવળ કરતા નથી. તેમણે કહ્યુ કે અદાણી વિલ્મરને શેરબજાર સુધી પહોંચવામાં 22 વર્ષથી વધારે સમય લાગી ગયો હતો. અદાણી વિલ્મરની સ્થાપના 1999માં થઇ હતી. આ અદાણી ગ્રુપ અને સિંગાપોરની વિલ્મર કંપનીનું જોઇન્ટ વેન્ચર છે. અદાણી વિલ્મરના નેજા હેઠળ કંપની ખાદ્યતેલ, બાસમતી ચોખા, લોટ, મેંદો, સૂજી, રવો, દાળ અને બેસન જેવી વસ્તુઓ બનાવે છે અને વેચાણ કરે છે. જ્યારે આજના યુગમાં કેટલીંક કંપનીઓ બિઝનેસની શરૂઆત કરવાની સાથે જ બજારમાંથી ફંડ મેળવવા IPO લઇને આવી જાય છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યુ હતું કે,તેમની કંપનીઓની સફળતા પાછળ એક ખાસ બિઝનેસ મોડલ છે. જેમાં ખાસ કરીને ત્રણ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. પહેલું એ કે અદાણી ગ્રુપ હંમેશા તેના બિઝનેસ મોડલ હેઠળ કંપની શરૂ કરે છે. એટલે કે કંપનીના ભવિષ્ય માટેનો રોડમેપ તૈયાર રહે છે. બીજી ખુબી એ છે કે કંપની શરૂ કર્યા પછી, તેને ધીમે ધીમે નફાકારક બનાવવામાં આવે છે. જ્યારે કંપનીની બેલેન્સ શીટ મજબૂત બને છે. અથવા તે વર્ષ-દર વર્ષે વધવા લાગે છે. પછી ત્રીજું પગલું લેવામાં આવે છે, પછી તે શેરબજારમાં લિસ્ટીંગ કરવામાં આવે છે. સીધી કંપની શરૂ કર્યા પછી શેરબજારમાં લિસ્ટીંગ કરાવવાની અદાણી ગ્રુપની રણનીતી નથી રહી.

ગૌતમ અદાણીએ આગ કહ્યુ કે, તેઓ એવા જ બિઝનેસમાં હાથ નાંખે છે જેમાં ગ્રોથની સંભાવના હોય. આના માટે તેમણે સીમેન્ટ સેક્ટરનું ઉદાહરણ આપ્યું. તેમણે સૌથી પહેલાં ACC અને તે પછી અંબુજા સીમેન્ટને ટેઇક ઓવર કરી. જે અદાણી ગ્રુપની સૌથી મોટી ડીલ હતી. આ ડીલની સાથે અદાણી દેશની સૌથી મોટી બીજા નંબરની સીમેન્ટ ઉત્પાદક કંપની બની ગઇ છે.

ગૌતમ અદાણીએ વર્ષ 1988માં કોમોડિટીની આયાત- નિકાસ કરવાની કંપની તરીકે અદાણી એક્સપોર્ટસની શરૂઆત કરી હતી, જે પછી નામ બદલીને અદાણી એન્ટરપ્રાઇસ કરી દેવામાં આવ્યું હતું. અદાણી એક્સપોર્ટસની શરૂઆત માત્ર 5 લાખ રૂપિયાની મૂડીથી કરવામાં આવી હતી. અદાણી એન્ટરપ્રાઇઝને 1994માં શેરબજારમાં લિસ્ટીંગ કરાવવામાં આવી હતી. અત્યારે શેરબજારમાં અદાણી ગ્રુપની કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટોટલ ગેસ, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જિ, અદાણી પોર્ટ, અદાણી ટ્રાંસમિશન અને અદાણી વિલ્મર સામેલ છે.

