17 ભારતીયોને ઇટલીનું કહીને લીબિયા લઇ ગયા,ખાવાનું પણ ન મળ્યું મહિનાઓ સુધી...

PC: aajtak.in

સારી નોકરીની શોધમાં ગયેલા 17 ભારતીયો લીબિયામાં ફસાયા હતા. આ ભારતીયોને એક ટ્રાવેલ એજન્ટે ઇટાલીમાં સારી નોકરી અપાવવાનું વચન આપ્યું હતું, પરંતુ ઇટાલીને બદલે તેણે બધાને લીબિયા છોડી દીધા હતા. એ પછી મહિનાઓ  સુધી આ ભારતીયોએ કેટલી પીડા સહન કરી, તેમની સાથે શું શું થયું તેની વાત તમારી સાથે કરીશું.

વિદેશમાં સારી નોકરીની લાલચ આપીને તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે. એવી જગ્યાએ જઇને તમને છોડી મુકે જે દેશમાં ગૃહ યુદ્ધ જેવો માહોલ હોય. માફિયા તમને બંધક બનાવી લે, ખાવાનું પણ ન આપે અને મજૂરની જેમ કામ કરાવે. માફિયાની ચૂંગાલમાંથી છુટીને બહાર આવો તો તમને ગેરકાયદે દેશમાં પ્રવાસનો આરોપ લગાવીને જેલમાં નાંખી દે. આવી યાતનાના વિચાર માત્રથી કંપારી છુટી જાય,તો 17 ભારતીયો સાથે આવું જ બન્યું. જો કે ગનીમત સમજો કે આ બધા ભારતીયો સકુશળ ભારત પાછા આવી ગયા છે. પણ તેમની વાત રૂંવાડા ઉભા કરી દે તેવી છે.

17 ભારતીયોના પાછા આવવા પર ટ્યુનીશિયામાં ભારતીય દુતાવાસે  ટ્વીટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે 17 ભારતીયો જેમાં મોટાભાગના પંજાબ અને હરિયાણાના હતા. તેમને ફેબ્રુઆરી મહિનામાં લીબિયમાં બંધક બનાવી દેવામાં આવ્યા હતા. તેઓ 20 ઓગસ્ટે સુરક્ષિત ભારત પાછા આવી ગયા છે.

ભારતીય દુતાવાસે કહ્યુ કે ઇટાલીમાં સારી નોકરીની લાલચ આપીને ટ્રાવેલ એજન્ટે 17 ભારતીયોને લીબિયા પહોંચાડી દીધા હતા. લીબિયામાં માફિયાઓએ તેમને બંધક બનાવી દીધા હતા.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ વિક્રમજીત સિંહે કહ્યુ કે દરેક પાસે 13-13 લાખ રૂપિયા લઇને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. તેમણે કહ્યુ કે કોઇકે મારી ટીમનો સંપર્ક કર્યો હતો અને બધી કેફિયત જણાવી હતી એટલે મેં તેમની હોટલમાં વ્યવસ્થા ગોઠવી આપી હતી. હોટલમાંથી કોઇકે પોલીસ કમિશ્નરને જાણ કરી તો 17 ભારતીયોને જેલમાં મોકલી આપવામાં આવ્યા.

લીબિયામાં ભારતીય દુતાવાસ બંધ છે એટલે ટ્યુનીશિયાના દુતાવાસનો સંપર્ક કરવામાં આવ્યો. એ પછી 13 જૂને ભારતીયોને ત્યાંથી છોડાવી લેવામાં આવ્યા હતા.

લીબિયાના અધિકારીઓએ 13 જૂને ભારતીયોને માફિયાઓ પાસેથી છોડાવી લીધા હતા, પરંતુ તેમને લીબિયાની રાજધાની ત્રિપોલીની જેલમાં બંધ કરી દીધા હતા. લીબિયાના અધિકારીઓએ ભારતીયો પર ગેરકાયદે દેશમાં પ્રવેશનો આરોપ લગાવીને જેલમાં મોકલી આપ્યા હતા. 17માંથી 12 લોકો પંજાબ અને હરિયાણાના હતા, આ લોકોને લીબિયાના અધિકારીઓ છોડવા તૈયાર નહોતા.

એ પછી ટ્યુનીશિયાના રાજદૂત અને ભારતીય વિદેશ મંત્રાલયની દરમિયાનગીરી પછી લીબિયાના અધિકારીઓ ભારતીયાનો છોડવા તૈયાર થયા હતા.

ભારતીયોના પાસપોર્ટો માફિયાઓએ જપ્ત કરી લીધા હતા એટલે તેમને ભારત પાછા લાવવા માટે ભારતીય દુતાવાસે ઇમરજન્સી સર્ટિફિકેટ જારીને તેમની એર ટિકિટ પણ કરાવી આપી હતી.

હરિયાણાના કુરુક્ષેત્રમાં રહેતા રાહુલ શર્માએ આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, 'ચાર મહિના પહેલા હું લીબિયા ગયો હતો, પરંતુ અમને ત્યાં બંધુઆ મજૂર તરીકે વેચવામાં આવ્યા હતા. અમને ન તો ખોરાક મળ્યો કે ન પાણી. કલાકો સુધી કામ કરાવતા. ઘણી વખત અમે રોટલીના એક ટુકડા પર જ જીવતા હતા. ખાવાનું, પાણી અને શૌચાલય બધું એક જ જગ્યાએ હતું.

તો પંજાબના સંદીપે કહ્યુ કે ફોન અને પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા હતા અને કામ કરવાની ના પાડીએ તો ફટકા પડતા હતા. જેલથી પણ બદતર હાલતમાં અમને રાખવામાં આવ્યા હતા.

એક ભારતીયએ ન્યૂઝ એજન્સી સાથેની વાતમાં વિનંતી કરી હતી કે તમારા સંતાનોને ટ્રાવેલ એજન્ટ મારફતે વિદેશ બિલકુલ મોકલતા નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp