ગ્રીસમાં 2 ટ્રેનો વચ્ચે અથડામણ, 36 લોકોના મોત, 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

PC: yahoo.com

ગ્રીસમાં મંગળવારે મોડી રાત્રે બે ટ્રેનો એકબીજા સાથે અથડાઈ ગઇ હતી. આ અકસ્માતમાં 36 લોકોના મોત થયા છે અને 66થી વધુ લોકો ઘાયલ થયા છે. મધ્ય ગ્રીસના લારિસા શહેર નજીક એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. પેસેન્જર ટ્રેનમાં 350 થી વધુ લોકો હતા જેમાંથી 250 લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યા છે.ગ્રીસના વડા પ્રધાન કિરિયાકોસ મિકોટાકિસે 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. સાથે જ સ્ટેશન માસ્ટરની ધરપકડ કરવામાં આવી છે.

મંગળવારે એક પેસેન્જર ટ્રેન એથેન્સથી થેસાલોનિકી જઈ રહી હતી અને ગુડ્સ ટ્રેન થેસાલોનિકીથી લારિસા જઈ રહી હતી. આ બંને ટ્રેનોને સિગ્નલ ન મળ્યા અને એકજ પાટા પર દોડી રહી હતી. બંને ટ્રેનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે પેસેન્જર ટ્રેનના પહેલા 4 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. જ્યારે 2 કોચ સંપૂર્ણ નાશ પામ્યા હતા. ટક્કર બાદ ટ્રેનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 17 ગાડીઓ અને 155 ફાયર ફાઈટર બચાવ કાર્ય માટે સ્થળ પહોંચી ગયા છે અને રેસ્કયૂની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે આ અકસ્માત કોની ભૂલથી થયો તે હજુ સ્પષ્ટ થયું નથી.

દુર્ઘટના બાદ ગ્રીસના રાષ્ટ્રપતિ કેટરીના સાકેલારોપોલૂ પોતાની માલદીવની યાત્રા રોકીને સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે કહ્યું  કે મેં મારા લોકોને સમર્થન આપવા માટે અધવચ્ચે જ યાત્રા રોકી દીધી છે. લોકોને બચાવવા માટે લાઇફ સેવિંગ્સ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. લારિસામાં ઈમરજન્સી બ્લડ ડોનેશન કેમ્પ પણ લગાવવામાં આવ્યા છે.

ટ્રેનનો આગળનો ભાગ સંપૂર્ણપણે તબાહ થઇ ચૂક્યો છે. થેસલીના ગવર્નર કોન્સ્ટેન્ટિનોસે જણાવ્યું કે દુર્ઘટના બાદ કાટમાળ ચારે બાજુ ફેલાઈ ગયો છે જેના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. તૂટેલા કોચ અને કાટમાળ ઉપાડવા માટે ક્રેન બોલાવવામાં આવી છે.

ટ્રેન અકસ્માતમાં બચી ગયેલા એક મુસાફરે જણાવ્યું હતું કે, ઘટના બની ત્યારે ટ્રેનમાં નાસભાગ મચી ગઇ હતી, લોકો ચિલ્લાવા માંડ્યા હતા. પહેલાં તો એવું લાગ્યું હતું કે ભૂંકપનો જોરદોર ઝટકો આવ્યો લાગે છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.સુરક્ષિત રીતે બચાવાયેલા લોકોને બસ દ્વારા થેસાલોનિકી મોકલવામાં આવ્યા છે. રેસ્કયૂ કામગીરી હજુ પણ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp