26th January selfie contest

-71 ડિગ્રીમાં ખાવાની વસ્તુ પત્થર બની જાય છે, તો પણ લોકો રહે છે, જુઓ Video-Photos

વિશ્વના કેટલાક દેશોમાં હાલના સમયે અત્યંત ઠંડી પડી રહી છે. પણ આજે આપણે એક એવા શહેરની વાત કરવાના છીએ, જે ફક્ત અને ફક્ત વધારે ઠંડી હોવાના કારણે જ આખા વિશ્વમાં જાણીતું છે. અહીં ઠંડી એટલી વધારે પડે છે કે, ત્યાં થર્મોમીટરનો પારો -71 ડિગ્રી સુધી પણ પહોંચી જાય છે.

અમે વાત કરી રહ્યા છીએ રશિયાના આ શહેર યાકુત્સ્કની. યાકુત્સ્ક શહેરની તસવીરો અને વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. જેમાં લોકો બતાવી રહ્યા છે કે, તેઓ ત્યાં કેટલી ઠંડીનો સામનો કરી રહ્યા છે અને આ દરમિયાન તેમને કેવા કેવા પ્રકારની મુશ્કેલી પડી રહી છે. યાકુત્સ્કની રહેવાસી એક છોકરીની તસવીર આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેમાં તેની આંખની પાપણ જામી ગયેલી નજરે પડી રહી છે. આ શહેરમાં ઠંડીના કારણે પાણીની બોટલ પણ તૂટી ગઇ છે.

તસવીરોમાં તમે જોઇ શકો છો કે, કેવી રીતે આ વ્યક્તિના વાહન અને દાઢી પણ જામી ગયા છે. ત્યાં પારો માઇનસ 71 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યાં ઇંડાથી લઇને નૂડલ અને ખાવાની અન્ય ચીજો પણ જામી ગઇ છે. યાકુત્સ્કની આબાદી 3.60 લાખ લોકોની છે. આ રશિયાના સાઇબેરિયાના યાકુટિકા રાજ્યની રાજધાની છે. ત્યાં રહેનારા લોકો માટે ઓક્ટોબરથી એપ્રિલ સુધીનો સમય મુશ્કેલીઓ ભરેલો હોય છે. જોકે, જુલાઇ સુધી પારો 24 ડિગ્રી સુધી પણ આવી જાય છે.

અહીં સામાન્ય રીતે સૂર્યોદય 10.30 વાગે થાય છે પણ તડકો ઘણા દિવસો સુધી નથી દેખાતો. બપોરે 3 વાગતા વાગતા સૂરજ ડૂબી જાય છે. ઠંડીથી બચવા માટે લોકો ત્યાં ઘણા પ્રકારના ઉપાય કરે છે. જેમ કે, વિશેષ પ્રકારના ઇન્સુયલેટેડ કપડા પહેરે છે, હરણના ચામડાના બૂટ પહેરે છે, ફરથી બનેલા લાંબા કોટ અને સ્કાર્ફ પણ પહેરે છે. ડિસેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિના સુધીના સમયમાં ત્યાં ખૂબ જ ઠંડી પડે છે અને ત્યાં દિવસો મુશ્કેલી ભરેલા હોય છે. જોકે, આ દરમિયાન ત્યાં ક્રિસમસ અને નવા વર્ષ કે કોઇપણ તહેવારમાં કોઇપણ પ્રકારનો ભંગ પડતો નથી.

પીવાના પાણીની વાત કરીએ તો ત્યાં લોકોએ તેના માટે બરફને ગરમ કરવો પડે છે. પહેલા લોકો નદીમાંથી બરફના ટુકડા તોડીને લાવે છે અને પછી તેને ગરમ કરે છે અને ત્યાર બાદ તેમને પીવાનું પાણી મળે છે. લોકોનું કહેવું છે કે, જો તેઓ બહાર નીકળે છે તો વીસ મીનિટમાં જ તેમનો ચહેરો અને આંગળીઓ સુન્ન પડવા લાગે છે. તેથી તેઓ વધારે સમય સુધી બહાર નથી રહેતા. લોકો રાતે પબ અને નાઇટક્લબમાં પણ જાય છે. ત્યાં લોકોની સરળતા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp