પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો અકસ્માત, બસ ઊંડી ખીણમાં પડી, 39ના મોત

PC: twitter.com

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મોટો અકસ્માત થયો છે. બલૂચિસ્તાનમાં રવિવારે મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 39 મુસાફરોના મોત થયા છે. રાહત અને બચાવ માટે પોલીસ અને રાહતકર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

કહેવાય છે કે, આ અકસ્માત બલૂચિસ્તાનના લાસબેલા વિસ્તારમાં થયો હતો. પાકિસ્તાની મીડિયા અનુસાર ખાઈમાં પડી ગયેલી બસમાં લગભગ 48 મુસાફરો હતા. બસ ક્વેટાથી કરાચી જઈ રહી હતી. કહેવાય છે કે, લાસબેલા જિલ્લાના બેલા વિસ્તારમાં એક જગ્યાએ યુ-ટર્ન લેતી વખતે બસ પુલના થાંભલા સાથે અથડાઈ હતી.

બ્રિજના થાંભલા સાથે અથડાયા બાદ ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો. ત્યારે મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડી હતી. ખાઈમાં પડેલી બસમાં આગ પણ લાગી ગઈ હતી. પાકિસ્તાની મીડિયા અનુસાર, લાસબેલાના આસિસ્ટન્ટ કમિશનર હમઝા અંજુમે દુર્ઘટનાની પુષ્ટિ કરી છે અને ચાલી રહેલા બચાવ અભિયાનની જાણકારી આપી છે. અકસ્માત બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. એક ફાયરમેને જણાવ્યું કે, આગ ખૂબ જ ભયાનક હતી. તેને કાબૂમાં લેવા માટે સ્ટાફને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. લગભગ 2 કલાકની મહેનત બાદ તેને કાબુમાં લાવવામાં આવી હતી.

પાકિસ્તાની મીડિયા અનુસાર હમઝા અંજુમે જણાવ્યું છે કે, બસમાં એક બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે. બસમાં કુલ કેટલા મુસાફરો હતા તે અંગે હજુ વધુ માહિતી મળી નથી.

બસ ઉંડી ખીણમાં પડી ગયા બાદ જોરદાર અવાજ આવ્યો હતો. ઘટના સમયે તે રોડ પરથી પસાર થતા વાહનચાલકો સાથે આસપાસના નાગરિકોની ભીડ ઘટનાસ્થળે ઉમટી પડી હતી. લોકોએ અકસ્માત અંગે પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોને જાણ કરી હતી. માહિતી મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું.

ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હજુ પણ કેટલાક મુસાફરો બસમાં ફસાયા હોવાની આશંકા છે. પાકિસ્તાની મીડિયા અનુસાર બસમાંથી અત્યાર સુધીમાં 19 મુસાફરોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. બાકીના લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

પાકિસ્તાનના રસ્તાઓ જર્જરિત હાલતમાં છે. રોડની વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે, જેના કારણે રોજેરોજ આવા કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર તો બેદરકારીના કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે. પાકિસ્તાનની પેસેન્જર બસોમાં ઘણીવાર ભારે ભીડ હોય છે. લોકો સીટબેલ્ટ પહેરતા નથી. આ જ કારણ છે કે પાકિસ્તાનમાં સૌથી વધુ રોડ અકસ્માતો થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અનુમાન મુજબ, 2018માં પાકિસ્તાનના રસ્તાઓ પર અકસ્માતથી 27,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp