કેનેડાના 41 ડિપ્લોમેટને ભારત છોડવાનું અલ્ટીમેટમ અપાયું,અમેરિકાએ આપ્યું આ રિએક્શન

PC: reuters.com

ભારતે કેનેડાને અલ્ટીમેટમ આપીને 10 ઓક્ટોબર સુધીમાં પોતાના ડિપ્લોમેટને પાછા બોલાવી લેવા માટે કહ્યું છે. ભારતે સાથે એ પણ ચિમકી આપી છે કે જો 10 ઓક્ટોબર પછી કોઇ ડિપ્લોમેટ ભારતમાં રહે છે તો, તેમની બધા પ્રકારની ડિપ્લોમેટ સુવિધા ખતમ કરી દેવામાં આવશે. ભારતમાં કેનેડાના કુલ 62 ડિપ્લોમેટ છે. ભારતના આ અલ્ટીમેટમ સામે અમેરિકાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વેદાંત પટેલે આ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, અમેરિકા ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી મડાગાંઠથી વાકેફ છે. તેમને ભારતમાં સ્થિત કેનેડિયન હાઈ કમિશન પાસેથી આ માહિતી મળી છે. વેદાંત પટેલે કહ્યુ કે, અમે કોઇ કાલ્પનિક અનુમાનમાં પડવા માંગતા નથી. અમેરિકા આ રાજદ્વારી સંકટ ભારત અને કેનેડા પર છોડવા માંગે છે.

જો કે, સાથે અમેરિકાએ એ ફરી એ મમરો મુક્યો હતો કે કેનેડાએ ભારત પર લગાવેલો આરોપ ગંભીર છે. વેદાંત પટેલે કહ્યુ કે, અમે કેનેડાના સંપર્કમાં છીએ અને એ મહત્ત્વપૂર્ણ છે કે ભારત સરકાર તપાસમાં કેનેડાનો સહયોગ કરે જેથી ગુનેગારને સજા મળી શકે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વેદાંત પટેલને જ્યારે સવાલ પુછવામાં આવ્યું કે તમે ચિંતિત નથી કે જો ભારત ડઝનેક કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢે છે અને પછી કેનેડા જવાબ આપે છે, તો તે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંકટ તરફ દોરી શકે અને સંબંધો વધારે બગડી શકે? ઇન્ડો-પેસિફિક વ્યૂહરચના પર આની શું અસર થશે?

જેના જવાબમાં વેદાંત પટેલે કહ્યુ હતું કે, ભારત અને કેનેડા વચ્ચેની રાજનીતિને લઇને મેં રિપોર્ટ જોયા છે, પરંતુ એ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપવા માટે અમારી પાસે કશું નથી. અમે કાલ્પનિક વાતોમાં પડવા માંગતા નથી. અમે આ પ્રક્રિયામાં એકવારમાં એક જ સ્ટેપ લેવા માંગીએ છીએ.કારણ કે આ મામલો ઈન્ડો-પેસિફિક વ્યૂહરચના સાથે પણ સંબંધિત છે. અમે આ ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આવી સ્થિતિમાં, અમે નિશ્ચિતપણે આ ક્ષેત્રમાં ભારત સાથે કામ કરવાનું ચાલુ રાખીશું. ક્વાડ સિવાય, અમે ભારતને ઘણી બાબતોમાં પણ સમર્થન આપીશું. અન્ય અનેક ફોરમમાં અમે ભારત સાથે ભાગીદાર દેશ છીએ.

પાકિસ્તાનના એક પત્રકારે સવાલ પુછ્યો હતો કે, હમણાં જ તમે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વિશે વિગતવાર વાત કરી, પરંતુ ખાલિસ્તાન મુદ્દે અમેરિકાનું વલણ શું છે? કારણ કે અમેરિકામાં પણ હજારો એવા શીખો રહે છે જેઓ ખાલિસ્તાની સંગઠન ‘શિખ ફોર જસ્ટીસ’નો હિસ્સો છે, જે જનમત સંગ્રહ કરાવતા રહેતા હોય છે. શું એમને લઇને અમેરિકાની કોઇ રણનીતિ છે કે માત્ર અભિવ્યકિતિની આઝાદીનો મામલો છે?

જેના જવાબમાં વેદાંત પટેલે જણાવ્યું હતું કે, અમે કોઈપણ પ્રકારના અનૌપચારિક જનમત પર ટિપ્પણી કરવા માંગતા નથી. હું ફક્ત એટલું જ કહીશ કે અમેરિકામાં વાણીની સ્વતંત્રતા છે, શાંતિપૂર્વક ભેગા થવાનો અધિકાર છે અને એ અમારા બંધારણ મુજબ છે.

આ પહેલાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સંખ્યા કરતાં વધુ છે. તેથી તેને ઘટાડવાની જરૂર છે. કારણ કે દરેક દેશ બીજા દેશમાં પોસ્ટ કરાયેલા રાજદ્વારીઓની સંખ્યા અને ગ્રેડમાં સમાનતા ઇચ્છે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp