ભજનનો કાર્યક્રમ રદ કરો, અથવા પરિણામનો સામનો કરો, ઓસ્ટ્રેલિયામાં મંદિરને ધમકી

PC: theaustraliatoday.com.au

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં વધુ એક હિન્દુ મંદિરને ધમકી મળી છે. મંદિરને ધાર્મિક કાર્યક્રમો રદ કરવાની અથવા 'પરિણામો'નો સામનો કરવાની ધમકીઓ મળી છે. ઓસ્ટ્રેલિયાના સ્થાનિક સમાચારપત્રના અહેવાલ મુજબ, મેલબોર્નના ઉત્તરી ઉપનગર ક્રેગીબર્નમાં કાલી માતા મંદિરના પૂજારીને મંગળવારે ધમકીભર્યો ફોન આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફોન કરનાર પંજાબીમાં વાત કરી રહ્યો હતો.

પૂજારી ભાવનાએ કહ્યું કે તેને 'નો કોલર આઈડી' પરથી કોલ આવ્યો હતો. ભાવનાએ કહ્યું કે 'અમૃતસર-જલંધર' જેવી પંજાબીમાં બોલતા એક વ્યક્તિએ તેને 4 માર્ચે એક ભજનિક દ્વારા થનારા ભજનનો કાર્યક્રમ રદ કરવાની ધમકી આપી હતી. તેણે કહ્યું કે, ધમકી આપનાર વ્યક્તિના મતે ભજન ગાવા આવનાર ગાયક 'કટ્ટર હિન્દુ' છે.

ફોન કરનારે પંજાબીમાં કહ્યું, 'તને ખબર છે, કે તે વ્યક્તિ કટ્ટર હિંદુ છે, જો તે અહીં આવ્યો તો મંદિરમાં વિવાદ થઇ જશે.' સૂત્રો સાથે વાત કરતા પૂજારી ભાવનાએ કહ્યું, 'મેં તેમને વિનંતી કરી કે, ભાઈ આ મા કાલીનું સ્થાન છે, ગુરુ મહારાજ (ગુરુ ગોવિંદ સિંહ) પણ અહીં પ્રાર્થના કરતા હતા. કોઈ અહીં આવીને કેમ લડશે?' મંદિરના પૂજારીએ વધુમાં કહ્યું, 'કોલ કરનારે કહ્યું કે, તેનું કામ ચેતવણી આપવાનું છે.'

હાલમાં જ ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં ખાલિસ્તાની ચળવળને સમર્થન કરતા લોકો દ્વારા હિંદુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં, 'થાઈ પોંગલ' તહેવાર દરમિયાન કેરમ ડાઉન્સ ખાતેના શ્રી શિવ વિષ્ણુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં ઘણી જગ્યાએ હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની, આ પહેલા પણ હિન્દુઓ અને હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. તોડફોડ કરવામાં આવી છે. ખાલિસ્તાન સમર્થકો મંદિર પાસે નારા લગાવી રહ્યા છે. ત્યાં ખાલિસ્તાનીના નારા લખવામાં આવી રહ્યા છે. ગયા મહિને 15 દિવસમાં ત્રણ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. મંદિરોની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.

તેવી જ રીતે, એક દિવસ પહેલા બુધવારે કેનેડાના મિસીસોગામાં રામ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. મંદિરની દિવાલો પર કેટલીક ભારત વિરોધી તસવીરો પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઘટના બાદ ત્યાં રોષ ફેલાયો હતો. આ પછી, ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ઝડપી પગલાં લેવાનું કહ્યું. કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો ખૂબ સક્રિય છે. ત્યાંથી પણ અવારનવાર આવા કિસ્સાઓ સામે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp