ચીને 1000 વર્ષ જૂની ઐતિહાસિક મસ્જિદ તોડી પાડી, વિરોધ કરનારાને કહ્યું સરેન્ડર કરો

PC: dawn.com

ચીને તેના દક્ષિણ પશ્ચિમ પ્રાંત યુનાનમાં 13મી સદીમાં બનેલી ઐતિહાસિક મસ્જિદને તોડી પાડી છે. આ મસ્જિદ તોડવાની કાર્યવાહીનો સ્થાનિક મુસ્લિમ સમુદાય દ્વારા પણ જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર સેંકડો પોલીસકર્મીઓએ તેમને અટકાવ્યા હતા. યુનાનના નાગુ શહેરમાં બનેલી આ મસ્જિદનો એક ગુંબજ અને 4 મિનારા જમીનદોસ્ત થઈ ગયા છે. ચીની પ્રશાસને કહ્યું કે તેનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું. 10,000 સ્ક્વેર ફીટમાં બનેલી આ મસ્જિદની ઐતિહાસિકતા સમજાવી શકે છે કે તેના તોડી પાડવા અંગે મુસ્લિમ સમુદાયમાં ગુસ્સો કેમ છે. જો કે ચીનની સરકાર અહીંથી અટકવાની નથી.

યુનાન પ્રાંતના વહીવટીતંત્રે મસ્જિદ તોડી પાડવાની કાર્યવાહીને રોકવાનો પ્રયાસ કરનારાઓને દંગો કરવાવાળા માન્યા છે. એટલું જ નહીં પ્રશાસને આ લોકોને કહ્યું કે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો આ લોકો 6 જૂન સુધીમાં પોતે આત્મસમર્પણ કરે તો તેઓ કાર્યવાહી નહિ કરે, નહીં તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. યુનાન પ્રાંતમાં મોટી સંખ્યામાં 'હુઈ' મુસ્લિમ સમુદાય રહે છે. આ લોકો ઉઇગુર મુસ્લિમોથી થોડા અલગ છે. હકીકતમાં, ચીનની સામ્યવાદી સરકારે ધાર્મિક સંગઠનો પર કડક વલણ અપનાવ્યું છે અને તેઓને ખુલ્લેઆમ ધર્મનો પ્રચાર કરવાની મંજૂરી આપવાના પક્ષમાં નથી.

મસ્જિદ તોડી પાડવાનો વિરોધ કરતી સોશિયલ મીડિયા પોસ્ટને પણ ચીનની સરકારે હટાવી દીધી છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નોટિસ બહાર પાડવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો સરકારી કાર્યવાહીને અટકાવશે તેમને તોફાની ગણવામાં આવશે. સરકાર તેમની હરકતોને ગુનાહિત કૃત્ય માને છે અને તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 6 જૂન સુધીમાં આત્મસમર્પણ કરનારાઓ પર થોડુંક નરમ વલણ રાખવામાં આવી શકે છે. આ ઘટના પછી પોલીસે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરી હતી. આ વિસ્તારમાં હજુ પણ મોટી સંખ્યામાં ચીની પોલીસ તૈનાત છે.

શી જિનપિંગ એક દાયકા પહેલા ચીનમાં સત્તા પર આવ્યા હતા. પહેલેથી જ સામ્યવાદી સત્તામાં રહેલા ચીનમાં જિનપિંગના સમયમાં મુસ્લિમો સહિત લઘુમતીઓ પર કડકાઈ વધી છે. ચીનની સરકાર દાવો કરી રહી છે કે તે ઉગ્રવાદ અને આતંકવાદને રોકવા માટે કડક પગલાં લે છે. એટલું જ નહીં, મસ્જિદો સહિત તમામ ધાર્મિક ઈમારતોના નિર્માણને લઈને ચીનની સરકારનું કહેવું છે કે, તેને સ્થાનિક શૈલીમાં જ બનાવવામાં આવે. અહીં તમને જણાવી દઈએ કે, ચીનમાં લગભગ 10 લાખ ઉઇગુર મુસ્લિમો છે. આ સિવાય અહીં મોટી સંખ્યામાં હુઈ મુસ્લિમો પણ વસે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp