ઇસ્લામિક દેશમાં રસ્તો પહોળો કરવા માટે 300 વર્ષ જૂની મસ્જિદને તોડી પડાઇ, બબાલ

PC: theartnewspaper.com

મધ્ય પૂર્વના ઈસ્લામિક દેશ ઈરાકમાં 300 વર્ષ જૂની મસ્જિદ અને તેના મિનારાને તોડી પાડવાને લઈને વિવાદ સર્જાયો છે. ઇરાકી સત્તાવાળાઓએ બસરા શહેરમાં મુખ્ય દરિયાઇ માર્ગ અબુ-અલ-ખાસીબને પહોળો કરવા માટે શુક્રવારે સાંજે ઐતિહાસિક અલ-સિરાજી મસ્જિદ અને તેના મિનારાને તોડી પાડ્યા પછી વિવાદ સર્જાયો છે. ઈરાકી અધિકારીઓના આ કૃત્યથી સ્થાનિક લોકો ખૂબ જ નારાજ છે અને ઈરાકના સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ તેની નિંદા કરી છે.

અલ-સિરાજી મસ્જિદ 1727 માં બસરા શહેરમાં બનાવવામાં આવી હતી. તે ઇરાકના મુખ્ય ઐતિહાસિક સ્થળોમાંનું એક માનવામાં આવતું હતું જે તેના સ્થાપત્ય માટે પ્રખ્યાત હતું. મસ્જિદનો અનોખો મિનારો માટીની ઈંટોથી બનેલો હતો અને સદીઓ પછી પણ સંપૂર્ણપણે સુરક્ષિત હતો.

રિપોર્ટ અનુસાર, મસ્જિદ અને મિનાર તોડી પાડવા પર ઈરાકના સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું છે કે તેઓ આ મામલાને કોર્ટમાં લઈ જશે.

મંત્રાલયે કહ્યું, 'અમે તમામ પ્રકારના વિકાસના સમર્થક છીએ. અમે ઇરાકી સરકાર અને તેના લોકોની વિકાસની ઇચ્છાનો આદર કરીએ છીએ, પરંતુ આ માટે અમે પુરાતત્વીય વિશેષતા ધરાવતી કોઈપણ ધાર્મિક અથવા રહેણાંક ઇમારતને નુકસાન પહોંચાડવાની વિરુદ્ધ છીએ.

અલ-સિરાજી મસ્જિદ અને તેનો 1,900 ચોરસ મીટર વિસ્તાર સુન્ની ધાર્મિક દાનની માલિકીની છે. સાંસ્કૃતિક મંત્રાલયે ઇરાકના સુન્ની અને શિયા ધર્માધિકારીઓને ઐતિહાસિક મસ્જિદના ધ્વંસમાં હસ્તક્ષેપ કરવા હાકલ કરી છે.

જોકે, બસરાના ગવર્નર અસદ અલ-ઈદાનીએ રવિવારે એક મીડિયા કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મસ્જિદ અને તેના મિનારાને તોડી પાડવામાં આવે તે પહેલાં સુન્ની વક્ફ બોર્ડને જાણ કરવામાં આવી હતી.

ઈદાનીએ કહ્યું, 'સુન્ની એન્ડોમેન્ટના ડાયરેક્ટર તાજેતરમાં જ બસરા ગયા હતા. અને આ દરમિયાન બસરાની સ્થાનિક સરકાર અને તેમની વચ્ચે મસ્જિદ તોડી પાડવા અંગે સમજૂતી થઈ હતી.

બીજી તરફ, સુન્ની ધર્માધિકારીઓ કહે છે કે તેઓ માત્ર મસ્જિદને તોડી પાડવા માટે સંમત થયા હતા અને માટીની ઇંટોથી બનેલા મિનારાને નહીં. તેઓ કહે છે કે જો મીનાર હટાવવાનો હતો તો તેને હાથ વડે તોડીને કાળજીપૂર્વક હટાવવો જોઈતો હતો. ભવિષ્યની પેઢીઓ માટે તેનું જતન કરવું જોઇતું હતું.

ઇરાકની સુન્ની એન્ડોવમેન્ટ કાઉન્સિલે કહ્યું કે તેણે અધિકારીઓને ઘણા પત્રો લખીને વિનંતી કરી છે કે મિનારાને જેમ છે તેમ રહેવા દેવામાં આવે.

પરંતુ બસરાના એક અધિકારીએ રવિવારે સુન્ની એન્ડોમેન્ટ કાઉન્સિલના નિવેદનની વિરુદ્ધ દાવો કર્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે સુન્ની ધર્માધિકારનું પ્રતિનિધિત્વ કરતા મોહમ્મદ અલ-મુલ્લા જ્યારે મિનારને તોડી પાડવામાં આવી રહ્યો હતો ત્યારે તે સ્થળ પર હાજર હતા અને તેમણે  ન તો વાંધો ઉઠાવ્યો કે ન તો ફરિયાદ કરી હતી.

બસરાની સ્થાનિક સરકારે કહ્યું છે કે જૂની મસ્જિદનું સ્થાન એવું હતું કે તેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા થઈ રહી હતી. મસ્જિદના બદલામાં નજીકની જગ્યા પર નવ મિલિયન ડોલરના બજેટ સાથે નવી મસ્જિદ બનાવવી જોઈએ.

300 વર્ષ જૂનો ટાવર થોડી જ મિનિટોમાં તૂટી પડતા સ્થાનિક રહીશો ચોંકી ઉઠ્યા હતા. તેઓ કહે છે કે મિનાર તોડી પાડવો એ 'રાષ્ટ્રીય ધરોહર વિરુદ્ધ ગુનો' છે. તેમનું કહેવું છે કે 2017માં ઈસ્લામિક સ્ટેટે મોસુલ શહેરમાં અલ-હદબા મિનારા પર બોમ્બમારો કર્યો હતો. ત્યારપછી ઈરાકના સાંસ્કૃતિક વારસાને આ સૌથી મોટું નુકસાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp