અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન અસલી રંગ બતાવી રહ્યું છે, ક્રુરતાની હદ વટાવે છે

PC: tv9hindi.com

ક્યારેક જાહેરમાં ફાંસી આપવામાં આવી, તો ક્યારેક સેંકડો લોકોની સામે ચાબુક મારવામાં આવ્યા… અને હવે હાથ જ શરીરથી અલગ કરી નાખ્યા. અફઘાનિસ્તાનમાં તાલિબાન ક્રુરતાની નવી વાર્તા લખી રહ્યું છે. તાલિબાને કંધારના અહમદ શાહી સ્ટેડિયમમાં લૂંટ અને સમલૈંગિક સંબંધના દોષિત 9 લોકોને જાહેરમાં ચાબુક માર્યા અને તેમાંથી ચાર લોકોના હાથ જાહેરમાં કાપી નાખ્યા. ઘટના સમયે સ્ટેડિયમમાં તાલિબાનના અધિકારીઓ, ધાર્મિક મૌલવીઓ, વડીલો અને સ્થાનિક લોકો હાજર હતા.

પ્રાંતીય ગવર્નરના પ્રવક્તા હાજી ઝૈદે જણાવ્યું હતું કે લૂંટ અને સમલૈંગિક સંબંધના દોષિતોને ઓછામાં ઓછા 35-39 ચાબુક મારવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય નિંદાનો સામનો કરી રહેલા તાલિબાને કટ્ટરપંથીઓના સર્વોચ્ચ નેતાના એક આદેશ બાદ ગુનેગારોને ચાબુક મારવા અને જાહેરમાં ફાંસીની સજા ફરી શરૂ કરી દીધી છે.

અફઘાન પુનર્વાસ મંત્રીની પૂર્વ નીતિ સલાહકાર અને બ્રિટનના શરણાર્થીઓના મંત્રી શબનમ નસીમીએ ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં કેટલાક લોકો સ્ટેડિયમની વચ્ચે તાલિબાન સુરક્ષા દળોની પાસે બેઠેલા જોવા મળે છે. તેમણે ફોટો સાથે લખ્યું, “તાલિબાને કથિત રીતે કંધારના એક ફૂટબોલ સ્ટેડિયમમાં દર્શકોની સામે ચોરીના આરોપી 4 લોકોના હાથ કાપી નાખ્યા. ન્યાયી સુનવાણી અને યોગ્ય પ્રક્રિયા વિના અફઘાનિસ્તાનમાં લોકોને મારવામાં આવે છે અને કાપવામાં આવે છે. આ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે."

તાલિબાનની ક્રૂરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગયા વર્ષે 7 ડિસેમ્બરે તેમણે ફરાહ પ્રાંતમાં એક વ્યક્તિને જાહેરમાં ફાંસી આપી દીધી હતી. ઓગસ્ટ 2021 માં સત્તા પર કબજો કર્યા પછી તાલિબાન દ્વારા આપવામાં આવેલી આ પ્રથમ જાહેર ફાંસી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp