26th January selfie contest

કંપનીના બોસે પહેલા પાર્ટી આપી, પછી એમાંથી 50 કર્મચારીને નોકરીમાંથી છૂટા કરી દીધા

PC: twitter.com/bishopfox

એક કંપનીએ પહેલા તો પોતાના કર્મચારીઓને શાનદાર પાર્ટી આપી, પછી તેના થોડા દિવસો પછી તેમને મોટો ઝટકો આપ્યો. કંપનીએ લગભગ 13 ટકા જેટલા કર્મચારીઓની છટણી કરી દીધી. કંપનીના આ પ્રકારના નિર્ણયથી કર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર આ અંગે વિવિધ ટિપ્પણીઓ થઈ રહી છે.

ટેકક્રંચના અહેવાલ મુજબ, US સ્થિત સાયબર સિક્યુરિટી ફર્મ બિશપ ફોક્સે તેના કર્મચારીઓ માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, તેના થોડા જ દિવસો પછી છટણીની જાહેરાત કરી હતી. કંપનીએ તેના 13% જેટલા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. આ નિર્ણયને કારણે લગભગ 50 જેટલા કર્મચારીઓની નોકરી ચાલી ગઈ. 2 મેના રોજ છટણી થઈ તે પહેલા ફર્મમાં લગભગ 400 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા.

બિશપ ફોક્સનો આ નિર્ણય સાયબર સિક્યુરિટી કોન્ફરન્સ RSAમાં સામેલ થયાના થોડા દિવસો પછી આવ્યો છે. આના માનમાં યોજાયેલા સંમેલનમાં કંપનીએ પોતાના કર્મચારીઓને પાર્ટી આપી હતી, જેમાં બ્રાન્ડેડ ડ્રિંક્સ વગેરે સર્વ કરવામાં આવ્યા હતા. જોકે, કંપનીએ RSA પાર્ટી પર કેટલો ખર્ચ કર્યો તે જણાવવાનો ઇનકાર કર્યો હતો.

એપ્રિલના અંતમાં, ઘણા કર્મચારીઓએ ટ્વિટર પર પાર્ટીની તસવીરો શેર કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓએ કેવી રીતે પાર્ટીનો આનંદ માણ્યો. પરંતુ, તેના થોડા દિવસો પછી તેમાંથી કેટલાકે કંપનીમાં છટણીનો ખુલાસો કર્યો. ઘણા કર્મચારીઓએ આ છટણીને 'અનપેક્ષિત' ગણાવી હતી. તેમાંથી એકે એમ પણ કહ્યું કે છટણી 'આંતરિક પુનર્ગઠનને કારણે' હતી.

જ્યારે, બિશપ ફોક્સના પ્રવક્તા કેવિન કોશે પાર્ટીને લઈને એક ઈમેલમાં કહ્યું, 'RSA ઈવેન્ટ ઘણા મહિના પહેલાથી બુક કરવામાં આવી હતી. આગામી સમયમાં આવા વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.' જ્યારે, કંપનીના CEO વિન્ની લિયુએ કહ્યું, 'અમે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિને પ્રતિભાવ આપવા અને અમારા વ્યવસાયને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આ ફેરફારો કર્યા છે. હાલમાં, અમારો વ્યવસાય સ્થિર છે અને વધી રહ્યો છે. અમે બજારની અનિશ્ચિતતા અને રોકાણના વલણોને અવગણી શકીએ નહીં.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp