2023માં પણ જોવા મળશે અદાણીનો દબદબો? નંબર-2ની રેસમાં મસ્ક કરતા બસ આટલા પાછળ

PC: mashable.com

દુનિયાના ટોપ-10 અબજોપતિઓના લિસ્ટમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સતત આગળ વધતા જઈ રહ્યા છે. નવા વર્ષ 2023માં પણ તેમની આગળ વધવાની સ્પીડ ચાલુ જ છે અને હવે તેઓ નંબર-2ની ખુરશીની નજીક પહોંચતા જઈ રહ્યા છે. જો આ જ સ્પીડથી અદાણીની નેટવર્થમાં વધારો થોડો વધુ સમય ચાલુ રહેશે તો એલન મસ્કને પાછળ છોડીને ગૌતમ અદાણી ફરી એકવાર દુનિયાના બીજા સૌથી ધનવાન વ્યક્તિ બની જશે.

ગત વર્ષ 2022માં દુનિયાના તમામ ધનવાનોમાં સૌથી વધુ કમાણી કરનારા ઉદ્યોગપતિ બનીને ઉભરેલા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સતત આગળ વધી રહ્યા છે. નવા વર્ષની શરૂઆત સાથે જ તેઓ બીજા સૌથી ધનવાન વ્યક્તિ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, અદાણી 126.5 અબજ ડૉલરની નેટવર્થ સાથે દુનિયાના ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ છે. ટોપ-10ના લિસ્ટમાં તેઓ જેફ બેજોસ, બિલ ગેટ્સ, વોરન બફેટ જેવા તમામ અબજોપતિઓ કરતા ઘણા આગળ છે.

હાલમાં જ નંબર-1નો તાજ ગુમાવીને બીજા નંબર પર આવેલા Teslaના CEO એલન મસ્કની સંપત્તિમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ક્યારેક 200 અબજ ડૉલર કરતા વધુની નેટવર્થ ધરાવતા મસ્કરની સંપત્તિ હવે ઘટીને 136.9 અબજ ડૉલર રહી ગઈ છે. જે સ્પીડથી એલન મસ્ક નીચે આવી રહ્યા છે, એ જ સ્પીડથી ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી બીજા નંબરની નજીક પહોંચતા જઈ રહ્યા છે. આ બંને ધનવાનોની વચ્ચે સંપત્તિનું અંતર પણ સતત ઓછું થઈ રહ્યું છે. હાલ, મસ્ક અને અદાણીની નેટવર્થમાં હવે 10.4 અબજ ડૉલરનું જ અંતર રહી ગયુ છે.

ગત વર્ષ 2022ની વાત કરીએ તો ગૌતમ અદાણીએ સારી કમાણી કરી. અદાણી ગ્રુપની કંપનીના તેજીને પગલે તેમની નેટવર્થમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એક વર્ષની અંદર જ તેમની સંપત્તિમાં 33.80 અબજ ડૉલરનો વધારો થયો હતો. તેમજ નવા વર્ષમાં પણ આ સ્પીડ જળવાઈ રહેતી દેખાઈ રહી છે. જો આ વર્ષે તેઓ મસ્કને પાછળ છોડીને નંબર-2 પર પહોંચે તો આ સતત બીજું વર્ષ હશે કે તેઓ દુનિયાના બીજા સૌથી ધનવાન વ્યક્તિ બને. આ અગાઉ ગત વર્ષે પણ તેમણે આ મુકામ પોતાના નામે કર્યું હતું.

ટોપ અબજોપતિઓના લિસ્ટમાં સામેલ અન્ય ધનવાનોની વાત કરીએ તો ફ્રાન્સના અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ 185.1 અબજ ડૉલરની નેટવર્થ સાથે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. જ્યારે 109.1 અબજ ડૉલર સાથે જેફ બેજોસ ચોથા નંબર પર છે. દિગ્ગજ નિવેશક વોરેન બફેટ 107.7 અબજ ડૉલરની નેટવર્થ સાથે પાંચમાં અને 103.8 અબજ ડૉલરની નેટવર્થ સાથે લેરી એલિસન છઠ્ઠા સૌથી ધનવાન વ્યક્તિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp