ગ્રીનલેન્ડ PMએ ટ્મ્પને લાલ આંખ બતાવી ચેતવણી આપી, કહ્યું- અમને US બનવામાં રસ નથી

PC: tv9hindi.com

ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબ્જો કરીને USમાં ભેળવી દેવાની ધમકી આપી રહ્યા છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી, હવે ગ્રીનલેન્ડના PMએ પોતાનું મૌન તોડ્યું છે. ગ્રીનલેન્ડના PM મુટ એગેડે કહ્યું કે, ગ્રીનલેન્ડ અમેરિકા બનવા માંગતું નથી. તેમણે એમ પણ કહ્યું કે, ગ્રીનલેન્ડ પોતાનું ભવિષ્ય પોતે પસંદ કરશે. ટ્રમ્પે સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં, તેમણે પનામા કેનાલ અને ગ્રીનલેન્ડને અમેરિકન નિયંત્રણ હેઠળ લાવવાની વાત કરી હતી. તેમણે US લશ્કરી હસ્તક્ષેપનો ઇન્કાર ન કરીને ચિંતા વધારી દીધી છે. જ્યારે પત્રકારોએ ટ્રમ્પને ગ્રીનલેન્ડ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, ગ્રીનલેન્ડ એક અદ્ભુત સ્થળ છે, આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે અમને તેની જરૂર છે.

ટ્રમ્પે કહ્યું, 'મને ખાતરી છે કે ડેનમાર્ક મદદ કરશે, તેની જાળવણી માટે તેમને ઘણા પૈસા ખર્ચ કરવા પડી રહ્યા છે.' ટ્રમ્પની ટિપ્પણી પછી, મંગળવારે ગ્રીનલેન્ડ અને ડેનમાર્કના અધિકારીઓએ આર્કટિક ટાપુના સ્વ-નિર્ણયના અધિકારનો બચાવ કર્યો. PM મુટ એગેડે કહ્યું, 'અમે ગ્રીનલેન્ડના લોકો છીએ. અમે અમેરિકન બનવા માંગતા નથી. અમે ડેનિશ પણ બનવા માંગતા નથી. ગ્રીનલેન્ડનું ભવિષ્ય ગ્રીનલેન્ડ દ્વારા નક્કી કરવામાં આવશે. ગ્રીનલેન્ડનું શું થશે તે અમારો દેશ અને અમારા લોકો નક્કી કરશે.'

દેશ 'મુશ્કેલ પરિસ્થિતિ'નો સામનો કરી રહ્યો છે, તેમ જણાવતા, એગેડેએ ફરી વખત કહ્યું કે, ગ્રીનલેન્ડ આર્ક્ટિકમાં અમેરિકન હિતોનું રક્ષણ કરવા માટે US સાથે વાટાઘાટો કરવા તૈયાર છે, જ્યાં ચીન અને રશિયા સાથે દુશ્મનાવટ વધી રહી છે. ગ્રીનલેન્ડના ઉત્તરપશ્ચિમમાં યુનાઇટેડ સ્ટેટ્સનો સક્રિય લશ્કરી થાણું છે, જે આર્ક્ટિકમાં એક વ્યૂહાત્મક સ્થાન છે, કારણ કે આબોહવા પરિવર્તનના કારણે બરફ પીગળે છે અને નવા શિપિંગ માર્ગો ખુલી રહ્યા છે.

વિશ્વનો સૌથી મોટો ટાપુ, જેની રાજધાની નુક કોપનહેગન કરતાં ન્યુ યોર્કની નજીક છે, તેમાં પણ વિશાળ વણઉપયોગી ખનિજ અને તેલ ભંડાર છે, જોકે તેલ અને યુરેનિયમની શોધ પર પ્રતિબંધ છે. PM એગેડેએ યાદ અપાવ્યું કે, 'અમે 80 વર્ષથી વધુ સમયથી સુરક્ષા મુદ્દાઓ પર અમેરિકા સાથે સહયોગ કર્યો છે.'  તેમણે ઉમેર્યું કે, અધિકારીઓ ગ્રીનલેન્ડની સ્થિતિ સમજાવવા માટે અમેરિકા સાથે બેઠકનું આયોજન કરવા માટે કામ કરી રહ્યા છે. PM એગેડેએ સ્વીકાર્યું કે, ટ્રમ્પના તાજેતરના નિવેદનો 'ચિંતાજનક' હતા અને તેના કારણે ગ્રીનલેન્ડના લોકોમાં ચિંતા ફરી વળી હતી.

ડેનિશ વિદેશ પ્રધાન લાર્સ લોકે રાસમુસેને મંગળવારે કહ્યું હતું કે, કોઈ પણ દેશ બીજા દેશને એમ જ કંઈ લઇ શકે નહીં. તેમણે કહ્યું, 'અલબત્ત, આપણી પાસે એવી વિશ્વ વ્યવસ્થા ન હોઈ શકે જ્યાં દેશો, ભલે તેઓ મોટા હોય, ભલે તેઓ ગમે તે નામથી ઓળખાય, તેઓ જે ઈચ્છે તે કરી શકે.' ગ્રીનલેન્ડમાં 6 એપ્રિલ પહેલા ચૂંટણી યોજાવાની છે, જ્યાં પ્રશ્ન સ્વતંત્રતાનો પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. આ પ્રશ્ન કાર્યસૂચિમાં ટોચ પર રહેવાની અપેક્ષા છે.

આર્થિક રીતે, ગ્રીનલેન્ડને તેના GDPના પાંચમા ભાગ જેટલી ડેનમાર્કની સબસિડી પર આધાર રાખવો પડે છે. સ્વાયત્તતા હોવા છતાં, ડેનમાર્ક ગ્રીનલેન્ડમાં ન્યાયિક બાબતો, નાણાકીય નીતિ, વિદેશી બાબતો, સંરક્ષણ અને સુરક્ષા નીતિને નિયંત્રિત કરે છે. સોમવારે, ડેનિશ PM મેટ્ટે ફ્રેડરિકસેને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકે યુરોપને 'એક નવી વાસ્તવિકતા'ની સાથે નેવિગેટ કરવાની જરૂર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp