હિંદુઓમાં એટલી તાકાત છે કે ધારે તેને રાષ્ટ્રપતિ બનાવી શકે: અમેરિકન સાંસદ

PC: india.postsen.com

અમેરિકાની સત્તાનું કેન્દ્ર ગણાતા કેપિટલ હિલ ખાતે બુધવારે પહેલીવાર હિન્દુ-અમેરિકન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંદુ-અમેરિકન સમુદાયને સમર્થન આપવા માટે સંમેલનમાં USના કેટલાક  સાંસદોએ પણ ભાગ લીધો હતો.

આ સંમેલનમાં પહોંચેલા રિપબ્લિકન સાંસદ Rich McCormickએ કહ્યું કે અમેરિકાના વિકાસમાં હિંદુ સમુદાયનું મોટું યોગદાન છે. તેમણે કહ્યું કે, હિંદુઓ પાસે એટલી તાકાત છે કે તેઓ ધારે તેને અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનાવી શકે છે.

બુધવારના રોજ પૂર્ણ થયેલ સમિટમાં કેટલાક અમેરિકન સાંસદો અને રાજકીય હિમાયતી જૂથો જોડાયા હતા અને સમર્થન આપ્યું હતું. સમિટની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે થઈ હતી. Americans4Hindus દ્વારા આયોજિત આ સમિટમાં દેશભરમાંથી હિન્દુ સમુદાયના નેતાઓએ ભાગ લીધો હતો. 20 અન્ય સંસ્થાઓએ પણ આ કોન્ફરન્સને સમર્થન આપ્યું હતું. . Americans4Hindusના ચેરમેન અને સમિટના મુખ્ય આયોજક રોમેશ જાપરાએ કહ્યું હતું કે, અમારા હિન્દુ મૂલ્યો સંપૂર્ણપણે અમેરિકન બંધારણીય મૂલ્યો સાથે સુસંગત છે. અમેરિકન નાગરિકો પણ ગીતા પાઠ કરે છે. એટલા માટે અમે હિન્દુ-અમેરિકનોને અવાજ આપવા માટે પ્રતિબદ્ધ છીએ

જાપરાએ એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ અહીંનુ પહેલું સમિટ છે જેને અમે રાજકીય જોડાણ માટે આયોજિત કર્યું છે. અમે દરેક ક્ષેત્રમાં સારુ કામ કર્યું છે, પરંતુ રાજકીય રીતે અમે થોડા પાછળ હતા. અમને લાગે છે કે હિંદુ- અમેરિકનો સાથે ભેદભાવ કરવામાં આવે છે. એટલે અમે વિચાર્યું કે બધા સંગઠનોને એક મંચ પર લાવવા સારો વિચાર છે.

કોન્ફરન્સમાં હાજરી આપનાર રિપબ્લિકન કોંગ્રેસમેન Rich McCormickએ કહ્યું, મને આ પ્રવાસી વસ્તી માટે ઘણું સન્માન છે. તેઓએ અમેરિકામાં ઘણું બધું ઉમેર્યું છે. બધું જ ઉત્તમ. હું વારંવાર કહું છું કે આ સમુદાય જો જાગૃત થઇ જાય અને તેમને એ અહેસાસ થાય કે તેમની પાસે કેટલી તાકાત છે તો તેઓ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ પણ નક્કી કરી શકે છે. તેમણે કહ્યું કે તમે પણ આ સમજો છો. હું માત્ર કહેવા ખાતર નથી કહી રહ્યો. તમે જે છો તેની પાછળ એક વાસ્તવિક શક્તિ છે.

અમેરિકન સાંસદે કહ્યું કે, જો તમે અમેરિકાની સૌથી સફળ ડેમોગ્રાફીને જોશો તો તમે રિપ્બિલિકન યહુદી ગઠબંધન વિશે ચોકકસ વિચારતા હશો. પરંતુ હકિકત એ છે કે માત્ર 30 ટકા જ યહુદી રિપબ્લિકન પાર્ટીને વોટ આપે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં ભારતીયો અને હિન્દુઓનું વર્ચસ્વ વધ્યું છે. 2015ના પ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં વસ્તીની દ્રષ્ટિએ હિંદુ ધર્મને અનુસરનારા લોકોની સંખ્યા ચોથા સ્થાને પહોંચી ગઈ છે. 2007 અને 2014 ની વચ્ચે હિંદુઓની વસ્તીમાં લગભગ 85 ટકાનો વધારો નોંધાયો હતો. 2007માં અમેરિકન હિંદુઓની સંખ્યા લગભગ 0.4 ટકા હતી, જે વધીને 2014માં 0.7 ટકા થઈ ગઈ. રિપોર્ટ અનુસાર, અમેરિકામાં લગભગ 20 લાખ ભારતીય-અમેરિકનો છે જેમને મત આપવાનો અધિકાર છે. જો કે આમા બધા હિંદુ નથી.

પરંતુ 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર હિન્દુ કાર્ડ રમ્યું હતું. 2016માં એક ચૂંટણી રેલીને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે, અમે હિન્દુઓને પ્રેમ કરીએ છીએ. અમે ભારતને પ્રેમ કરીએ છીએ. અને હું હિન્દુ ધર્મ અને ભારતનો મોટો પ્રશંસક છું. ચૂંટણી દરમિયાન ટ્રમ્પે વચન આપ્યું હતું કે જો તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે તો તેઓ ભારતીય અને હિન્દુ સમુદાય સાથે સારી મિત્રતા જાળવી રાખશે. જો કે પોસ્ટ ઇલેકશન સર્વેમાં જાણવા મળ્યુ હુતં કે માત્ર 16 ટકા હિંદુઓએ જ ટ્રમ્પને વોટ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp