આ બોગસ મહિલા ડૉક્ટરે આરોગ્ય વિભાગને લગાવ્યો કરોડોનો ચૂનો

PC: inews.co.uk

આપણા દેશમાં તમે બોગસ ડૉક્ટરોના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, આપણા દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકો આ રીતે જ બોગસ ડૉક્ટર બનીને લોકોને ચૂનો લગાવી દે છે. ત્યારે હાલમાં એક બોગસ ડૉક્ટરનો કિસ્સો ઈંગ્લેન્ડમાં સામે આવ્યો છે. જેમાં UKની રહેવાસી ઝોહિલા એલ્મીએ અંગ્રેજોના દેશની આખી હેલ્થ સિસ્ટમને (NHS) હલાવીને મૂકી દીધી છે. છેતરપિંડી કરીને નકલી ડૉક્ટર બનેલી આ મહિલાએ 20 વર્ષ સુધી કેટલા દર્દીઓની સારવાર કરી હવે તેનો સંપૂર્ણ રેકોર્ડ કાઢવામાં આવી રહ્યો છે.

'આરોગ્ય વિભાગમાંથી કરી 9 કરોડની કમાણી'

'ધ ઈન્ડિપેન્ડન્ટ'માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ, લંકનશાયરમાં રહેતી ઝોહિલા એલ્મીએ લાંબા સમય સુધી સરકારી ડૉક્ટર બનીને લોકોની સારવાર કરી અને મોટો પગાર લીધો. ઝોહિલાએ આમ તો પોતાનું જીવન એક જૂઠ પર વિતાવી દીધું, પરંતુ આખરે તેનું સત્ય દુનિયાની સામે આવી જ ગયું.

1995મા છેતરપિંડી કરીને મેળવી નોકરી

ઝોહિલા હવે 60 વર્ષની ઉંમરે જેલની હવા ખાવાની છે. તેના પર આરોપ છે કે, તેણે 1995મા મેન્ચેસ્ટરની જનરલ મેડિકલ કાઉન્સિલમાં પોતાની નકલી ડિગ્રી સબમિટ કરી હતી. હવે તેની સામે છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે. આ મહિલા પર છેતરપિંડીના 2 આરોપ લગાવવામાં આવ્યા છે. જ્યારે, ઘણા કિસ્સાઓમાં, છેતરપિંડી અને નકલી કાગળો રજૂ કર્યાનો આરોપ લાગ્યો છે. જો કે, ઝોહિલાએ કોર્ટમાં તેના પર લાગેલા આરોપોને ફગાવી દીધા હતા, પરંતુ પુરાવાને નકારી નહીં શકી.

કોર્ટમાં ખૂલી પોલ

કોર્ટમાં વકીલ ક્રિસ્ટોફર સ્ટેબલ્સે કહ્યું કે, આરોપી મહિલાએ નકલી ડૉક્ટરીના નામ પર સરકારી આરોગ્ય વિભાગને 9 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. ખરેખર, કોર્ટમાં દસ્તાવેજો દ્વારા તે સાબિત થઈ ગયું કે, તે તેનો કોર્સ અધવચ્ચે જ છોડી ચૂકી હતી પરંતુ નકલી ડિગ્રીના આધારે લાયકાત પૂર્ણ કર્યા વિના મનોચિકિત્સક હોવાનો દાવો કરી રહી હતી. સોશિયલ મીડિયા પર આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ લોકો મહિલા ડૉક્ટરથી નારાજ છે. ખરેખર, નકલી ડૉક્ટરે ડિગ્રી વગર હજારો લોકોની સારવાર કરી હોવાની પુષ્ટિ થયા બાદ તેના પર લોકોના જીવને જોખમમાં મૂકવાનો આરોપ લગાવવાની માંગ પણ જોર પકડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp