સ્વીડનમાં કુરાન સળગાવવા પર પોપને ગુસ્સો આવ્યો, કહ્યું- કોઇ પણ પવિત્ર પુસ્તક...

PC: opindia.com

ગયા અઠવાડિયે સ્વીડનમાં, એક વ્યક્તિએ સ્ટોકહોમ સેન્ટ્રલ મસ્જિદની સામે કુરાનની એક નકલને આગ લગાવી હતી. મુસ્લિમ દેશો અને મુસ્લિમ સંગઠનોએ આ ઘટનાની સખત નિંદા કરી છે. હવે પોપ ફ્રાન્સિસે પણ આ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

પોપ ફ્રાન્સિસે ગયા અઠવાડિયે સ્વીડનમાં બકરીદના અવસર પર કુરાન સળગાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે મુસ્લિમોના પવિત્ર પુસ્તકનું અપમાન જોઈને તેમને ગુસ્સો આવ્યો છે અને નિરાશા સાંપડી છે. તેમણે કહ્યું કે કોઈપણ પવિત્ર પુસ્તકનું સન્માન કરવું જોઈએ.

સંયુક્ત આરબ અમીરાતના અખબાર અલ ઇત્તિહાદમાં સોમવારે પ્રકાશિત એક ઇન્ટરવ્યુમાં પોપે કહ્યું, પવિત્ર ગણાતા કોઈપણ પુસ્તકમાં શ્રધ્ધા રાખનારાના સન્માન માટે તે પુસ્તકનું સન્માન કરવું જોઈએ. આવી ઘટનાઓ પર મને ગુસ્સો આવે છે અને હું નિરાશ થઈ જાઉં છું. તેમણે વધુમાં કહ્યું હતું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ ક્યારેય બીજાને અપમાનિત કરવાના સાધન તરીકે ન કરવો જોઈએ. આને મંજૂરી આપવી અસ્વીકાર્ય છે અને હું તેની નિંદા કરું છું

ગયા બુધવારે બકરીદના દિવસે સ્વીડનની રાજઘાની સ્ટોકહોમની સૌથી મોટી મસ્જિદની સામે સલવાન મોમિકા નામના એક વ્યકિતએ કુરાનની નકલને પહેલા તો પગ નીચે રગદોળી અને એ પછી આગ લગાવી દીધી હતી. બકરીદને દિવસે બનેલીની ઘટનાને કારણે મુસ્લિમ રાષ્ટ્રો એકદમ ગુસ્સામાં છે.

ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ લગભગ તમામ મુસ્લિમ દેશો ખાસ કરીને સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, પાકિસ્તાન, તુર્કી, મોરોક્કો, ઈરાક, ઈરાન, જોર્ડન, પેલેસ્ટાઈન, યમન વગેરેએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. બુધવારે જ સાઉદી અરેબિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે આવા જઘન્ય કૃત્યને સ્વીકારી શકાય નહીં. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, 'આ જઘન્ય અને વારંવારના કૃત્યોને કોઈ પણ કારણસર સ્વીકારી શકાય નહીં.

આવા કૃત્યો સ્પષ્ટપણે નફરત અને જાતિવાદને ઉશ્કેરે છે. તેઓ સહિષ્ણુતા, મધ્યસ્થતા અને ઉગ્રવાદને સમાપ્ત કરવાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસોની વિરુદ્ધ છે. આવા કૃત્યો નાગરિક અને દેશ વચ્ચેના સંબંધોમાં પરસ્પર સન્માન ઘટાડે છે. આ અઠવાડિયે સોમવારે સાઉદીએ સ્વીડનના રાજદૂતને પણ બોલાવીને નારાજગી વ્યક્ત કરી હતી.

સાઉદી અરબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલયે સ્વીડનના રાજદૂતને બોલાવ્યા હતા અને તેમને જાણ કરી હતી કે સાઉદી અરબે પવિત્ર કુરાનને બાળી નાખનાર ઉગ્રવાદી દ્વારા કરવામાં આવેલા અત્યાચારી કૃત્યને સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, મંત્રાલય સ્વીડનની સરકારને એવી તમામ ક્રિયાઓ બંધ કરવા કહે છે જે સહિષ્ણુતા, મધ્યસ્થતા અને ઉગ્રવાદને રોકવાના પ્રયાસોને નબળી પાડે છે અને જે દેશો અને લોકો વચ્ચેના પરસ્પર સન્માનને નુકસાન પહોંચાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp