જો USA પાકમાં ઘુસી લાદેનને મારી શકે તો ભારત કેનેડામાં ઘુસીને આતંકીને કેમ નહીં?

(વિરાંગ ભટ્ટ). ભારતની વિદેશ નીતિમાં આ એક મોટો ફેરફાર છે જેમાં હવે ભારત પોતે પ્રોએક્ટિવ થઇને કોઇપણ દેશની દાદાગીરીને ચલાવી લેતું નથી. હાલમાં કેનેડામાં શીખ આંતકવાદીની હત્યામાં ભારતની સરકારની સંડોવણીનો આરોપ ત્યાંના પ્રધાનમંત્રીએ લગાવ્યા પછી બન્ને દેશો વચ્ચે તણખા ઝરી રહ્યા છે.
કેનેડાએ સખત પગલા લેવાનું શરૂ કર્યું તેની સામે ભારતે વધુ કડકાઇ દર્શાવી. બન્ને દેશો વચ્ચે સારા સંબંધો છે પરંતુ શીખ આંતકવાદીઓ મામલે પહેલાથી જ કેનેડાનું વલણ ભારતની વિરુદ્દ રહ્યું છે. તેની પાછળ કેનેડાનું સ્થાનિક રાજકારણ પણ છે. ત્યાં શીખોની સંખ્યા મોટી છે. જસ્ટિન ટુડોની સરકાર પાતળી સરસાઇથી ટકી રહી છે. જો શીખોના સમર્થનવાળી પાર્ટી સપોર્ટ ખેંચી લે તો પડી જાય તેમ છે. એટલે જસ્ટિને ભારત વિરોધી વલણ લે તેમાં નવાઇ નથી.
અહીં કેનેડાના સ્થાનિક રાજકારણમાં આંતરરાષ્ટ્રીય સંબંધોની ભેળસેળ કરાઇ રહી છે. જસ્ટિનની ફોરેન પોલીસીમાં આવું ભૂતકાળમાં પણ બની ચૂક્યું છે. ચીન સાથે પણ બબાલ ઊભી થઇ હતી. પરંતુ તેની સામે કોઇ પગલા લેવાની હિંમત થઇ ન હતી. કારણ કે ચીનનું વલણ તેને ખબર છે.
ટ્રુડોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસે કેનેડાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરતા શંકાસ્પદ દેશોની યાદી આપી હતી.
તેણીએ કહ્યું: 'આમાં રશિયા, ઈરાન, ભારતનો સમાવેશ થાય છે.' પરંતુ પછી તેણીએ નોંધપાત્ર રીતે ઉમેર્યું: ' જેનું નામ સૌથી પહેલા આવે છે, અને તે કોઈને માટે આશ્ચર્યજનક નથી, તે ચીન છે.'
અને કેનેડાએ એક શક્તિશાળી અને સંપૂર્ણ સરમુખત્યારશાહી રાજ્ય ચીન સામે શું પગલાં લીધાં છે? તે વિશે પત્રકારો સાથે વાત કરતા, કેનેડાના વિરોધ પક્ષના નેતા, પિયરે પોઈલીવરે કહ્યું હતું: “મને તે રસપ્રદ લાગે છે કે તેઓ (ટ્રુડો) ઘણા વર્ષોથી બેઇજિંગ દ્વારા વિશાળ વિદેશી દખલ વિશે જાણતા હતા. તે એક સમયે બેઇજિંગ હતા. ચીનમાં બે કેનેડિયન નાગરિકોને બંધક બનાવ્યા. અને તેમણે કંઈ કહ્યું નહીં અને કંઈ કર્યું નહીં.
અહીં પોઇન્ટ એ છે કે આજે દુનિયાને ચાઇનાની જેટલી જરૂર છે તેનાથી ઓછી જરૂર ભારતની નથી. એટલે ભારતે હવે પોતાની તાકાત દર્શાવવાની શરૂઆત કરી છે તે યોગ્ય જ છે. આ વલણ દુનિયાભરના ડિફેન્સ એક્સપર્ટ્સને પણ ચોંકાવી રહ્યું છે.
તમને ખબર હશે કે ભારતની રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ દુનિયાભરમાં છુપા ઓપરેશન્સ કરે છે. આ ઓપરેશન્સ હાલ સુધી પાકિસ્તાન કે અફઘાનિસ્તાન જેવા દેશોમાં કરતું હોવાની વાત ચર્ચાતી હતી. પશ્ચિમી દેશોમાં તે ન કરાતા હોવાની છાપ હતી. પરંતુ તે છાપ હવે ભૂંસાઇ રહી છે. આવી સંસ્થાઓની ખાસિયત એ હોય છે કે તેઓ જે ઓપરેશન્સ કરે છે તેના કોઇ પુરાવા નથી છોડતા. એટલે તેમની ઉપરના આરોપો સાબિત કરવા અઘરાં હોય છે. એટલે તેની ઉપર રાજકારણ કરવું સહેલું હોય છે. હાલમાં તે જ થઇ રહ્યું છે.
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી કે જેઓ એક કડક રાજનેતાની છાપ ધરાવે છે, વિદેશ મંત્રી તરીકે એસ. જયશંકર કે જેમની જિંદગી વિદેશનીતિમાં ગઇ છે. અને પાછું રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે અજીત દોવાલ કે જેઓ પહેલા સ્પેશિયલ ઓપરેશન્સ કરવાના ખાં ગણાય છે. આ તિકડીએ ભારતની છાપ બદલી નાંખી છે.
લંડન થિંક-ટેન્ક રોયલ યુનાઇટેડ સર્વિસિસ ઇન્સ્ટિટ્યૂટ (RUSI)ના દક્ષિણ એશિયાની સુરક્ષાના નિષ્ણાત વોલ્ટર લેડવિગે ફાઇનાન્સિયલ ટાઇમ્સ (FT) ને કહ્યું: 'મુખ્ય મુદ્દો એ છે કે R&AW પશ્ચિમમાં તેની કામગીરી હાથ ધરવા તૈયાર નથી.' એફટીએ ઉમેર્યું: 'તે ગણતરી હવે બદલાઈ ગઈ હશે.'
એટલે ભારત હવે દુનિયાભરમાં પોતાની તાકાત દર્શાવી રહ્યું છે. તે જરૂરી પણ છે. જો અમેરિકા, ઇસ્ત્રાઇલ જેવા દેશો પોતાના દેશની સુરક્ષા માટે બીજા દેશોમાં આવા ઓપરેશન્સ કરતા હોય તો આપણે કરવા જ જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp