SWISS બેંકોમાં ભારતીયો ના રૂપિયા ઘટ્યા. 34 ટકા ઘટીને હવે આટલી રકમ રહી

PC: indianexpress.com

ગયા વર્ષ 2022માં સ્વિસ બેંકોમાં જમા ભારતીયો અને ભારતીય કંપનીઓના પૈસામાં ઘટાડો થયો છે. એક વર્ષમાં તેમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, ત્યારબાદ જમા રકમ 3.42 અબજ સ્વિસ ફ્રેંક (લગભગ 30,000 કરોડ રૂપિયા) રહી ગઈ છે. સ્વિટ્ઝર્લેન્ડની સેન્ટ્રલ બેંકે ગુરુવારે આ આંકડા જાહેર કર્યા છે. એવું બહાર આવ્યું છે કે ભારતીયો દ્વારા જમા કરવામાં આવેલી રકમમાં પણ લગભગ 34 ટકાનો ઘટાડો નોંધાયો છે.

જો તમે સ્વિસ નેશનલ બેંક (SNB) દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા ડેટા પર નજર નાખો તો તેમાં ભારતીય ખાતાધારકો દ્વારા જમા કરવામાં આવેલા કથિત બ્લેક મનીનો ઉલ્લેખ નથી. આ સિવાય ત્રીજા દેશની પેઢીના નામે સ્વિસ બેંકોમાં જમા રકમનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. આ આંકડા વર્ષ 2022ના છે જ્યારે આના એક વર્ષ પહેલા વર્ષ 2021માં ભારતીય ગ્રાહકોએ સ્વિસ બેંકોમાં 3.83 સ્વિસ ફ્રેંકની રકમ રાખી હતી. આ રકમ છેલ્લા 14 વર્ષમાં સૌથી વધુ હતી.

SNB દ્વારા કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા જમા કરવામાં આવેલી રકમ પણ લગભગ 34 ટકા ઘટીને 39.4 કરોડ ફ્રેંક થઈ ગઈ છે. જ્યારે 2021માં આ રકમ 60.2 કરોડ ફ્રેંક નોંધાઈ હતી. સ્વિસ નેશનલ બેંકે આ તમામ આંકડા સ્વિત્ઝર્લેન્ડની બેંકો દ્વારા આપવામાં આવેલી માહિતી અને ડેટાના આધારે જાહેર કર્યા છે. બેંકોમાં જમા કુલ 110 કરોડ ફ્રેંક અન્ય બેંકો દ્વારા સ્વિસ બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 2.4 કરોડ ફ્રેંક ટ્રસ્ટ અને બોન્ડ, સિક્યોરિટીઝ તેમજ અન્ય નાણાકીય સાધનોના રૂપમાં બેંકો પાસે 189.6 કરોડ ફ્રેંકની રકમ રાખવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ, સ્વિસ બેંકોમાં ભારતીયોની કુલ ડિપોઝીટ વર્ષ 2006માં 6.5 અરબ ફ્રેંક હતી, જે એક રેકોર્ડ સ્તર પર હતી. જો કે એ પછી વર્ષ 2011, 2013, 2017, 2020 અને 2021ને બાદ કરતા અન્ય વર્ષોમાં તેમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતીયોની આ સંપત્તિ 4 ઘટકોમાં બેંકોમાં રાખવામાં આવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોના ડેટા પર નજર નાંખીએ તો વર્ષ 2019માં બધા 4 ઘટકોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સ્વિટઝરલેન્ડમાં સૌથી પહેલી બેંકની સ્થાપના 1713માં કરવામાં આવી હતી. અત્યારે સ્વિટઝરલેન્ડમાં 400થી વધારે બેંકો કામ કરે છે. જે સ્વિસ ફેડરલ બેકીંગ એક્ટના ગોપનીયતા કાયદાની કલમ-37 હેઠળ બેંક ખાતા ખોલવાનો અધિકારી ધરાવે છે. જેને આપણે સ્વિસ બેંક કરીને બોલાવીએ છીએ, હકિકતમાં, તે UBS છે, જે 1998માં યુનિયન બેંક ઓફ સ્વિટઝરલેન્ડ અને સ્વિસ બેંક કોર્પોરેશનના મર્જર પછી બની હતી. આની ગણતરી દુનિયાની ટોપ-3 બેંકોમાં થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp