રમઝાનમાં કુરાન સળગાવવાથી ઇસ્લામિક દેશો નારાજ, સાઉદી અરેબિયાએ આ વાત કહી

PC: english.alarabiya.net

સાઉદી અરેબિયાના કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝે ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં તુર્કી દૂતાવાસની સામે રમઝાન દરમિયાન કુરાનની નકલ સળગાવવાની આકરી ટીકા કરી છે. દૂર-જમણેરી રાસ્મસ પાલુદાન દ્વારા કુરાન બાળવાની નિંદા કરતા, તેમણે સંવાદની જરૂરિયાત પર ભાર મૂક્યો, સહિષ્ણુતા અને આદરના મૂલ્યોને મજબૂત કરવા, નફરત અને ઉગ્રવાદ ફેલાવતી દરેક વસ્તુને નકારી કાઢી.

સાઉદી અરેબિયાની પ્રેસ એજન્સી, સાઉદી પ્રેસ એજન્સીએ માહિતી આપી છે કે, કિંગ સલમાને મંગળવારે જેદ્દાહના અલ-સલામ પેલેસમાં કેબિનેટ સત્ર દરમિયાન ઇસ્લામના પવિત્ર પુસ્તક કુરાનને બાળવા અંગે ચર્ચા કરી હતી.

ઈસ્લામ વિરોધી નેતા રાસમસ પાલુદને શુક્રવારે કોપનહેગનમાં તુર્કીના દૂતાવાસની સામે કુરાનની નકલ સળગાવી હતી. તેણે એક મસ્જિદની સામે પણ કુરાનની નકલ સળગાવી. પાલુદાન કહે છે કે, જ્યાં સુધી સ્વીડન નાટોમાં સામેલ ન થાય ત્યાં સુધી તે દર શુક્રવારે કુરાનની નકલ બાળવાનું ચાલુ રાખશે. હકીકતમાં, નાટોમાં સ્વીડનના સમાવેશ થવાના માર્ગમાં તુર્કી આવી રહ્યું છે, જેના માટે પાલુદાન તુર્કી દૂતાવાસની સામે કુરાનની નકલો સળગાવી રહ્યો છે.

પાલુદને જાન્યુઆરીમાં પણ કુરાનનું અપમાન કર્યું હતું. સ્વીડનમાં કુરાનની એક નકલ પર ઉભા રહીને તેણે કુરાનની બીજી નકલ ફાડી નાખી. આની નિંદા કરતા, સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે સંવાદ, સહિષ્ણુતા અને સન્માનના મૂલ્યોને મજબૂત કરવાની અને ઉગ્રવાદને પ્રોત્સાહન આપતી દરેક વસ્તુને નકારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તમામ આરબ મુસ્લિમ દેશોએ કુરાન સળગાવવાની ઘટનાઓની સતત નિંદા કરી છે. ઈસ્લામિક સહકાર સંગઠને 'અભિવ્યક્તિની સ્વતંત્રતાના બહાના હેઠળ ઉગ્રવાદી જમણેરી જૂથો દ્વારા વારંવારની ઉશ્કેરણી'ની નિંદા કરી હતી. સંગઠને કહ્યું કે, આ ઘટનાઓ મુસ્લિમો અને ઈસ્લામ વિરુદ્ધ નફરતને પ્રોત્સાહન આપે છે.

જ્યારે, મુસ્લિમ વર્લ્ડ લીગ (MWL)એ કુરાન સળગાવવાની નિંદા કરી અને કહ્યું કે, તે મુસ્લિમોને ઉશ્કેરવાનું કૃત્ય છે.

MWLના મહાસચિવ ડો. મોહમ્મદ અલ-ઇસાએ જણાવ્યું હતું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાના બહાના હેઠળ આવા કૃત્યો કરવા માટે ઉગ્રવાદીઓનો આગ્રહ વાસ્તવમાં સ્વતંત્રતા અને તેમના માનવીય મૂલ્યોને નુકસાન પહોંચાડે છે. તેમણે ચેતવણી આપી હતી કે આવા કૃત્યો માત્ર નફરત ફેલાવે છે, ધાર્મિક લાગણીઓને ભડકાવે છે અને ઉગ્રવાદી એજન્ડા પૂરા કરે છે. તેમણે કહ્યું કે, આના કારણે ધર્મો વચ્ચે સંવાદ અને સૌહાર્દને પ્રોત્સાહન આપવાના પ્રયાસો પણ નિષ્ફળ જાય છે.

સંયુક્ત આરબ અમીરાતે કુરાન સળગાવવાની સખત નિંદા કરતા કહ્યું કે, તે સમાજને અસ્થિર કરે છે અને આવા કૃત્યો માનવતાવાદી અને નૈતિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.

ઓમાને કુરાન સળગાવવાની નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ઉગ્રવાદી વિચારોને પ્રોત્સાહિત કરતા અને ધર્મોને નુકસાન પહોંચાડતા તમામ કૃત્યોને ગુનાહિત શ્રેણીમાં લાવવાની વિનંતી કરી.

જ્યારે, કતરે કહ્યું કે, રમઝાન મહિનામાં આ પ્રકારનું કામ કરવું એ એક અબજથી વધુ મુસ્લિમોની ભાવનાઓ માટે ખતરનાક ઉશ્કેરણી સમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp