26th January selfie contest

ઓસ્ટ્રિયામાં આ કારણે ગુસ્સે ભરાયા વિદેશ મંત્રી, યુરોપને પણ આપી આ સલાહ

PC: aninews.in

પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર બિંદુ ગણાવવાને લઇને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, તેઓ આનાથી પણ વધારે કઠિન શબ્દોનો ઉપયોગ કરી શકતા હતા. તેમણે કહ્યું કે, સરહદ પાર આતંકવાદ ફેલાવવામાં પાકિસ્તાનનો મોટો હાથ રહે છે અને હવે દુનિયાએ આતંકવાદને લઇને ચિંતિત થવું જોઇએ.

સોમવારે ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી સાથે મીટિંગ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વગર તેને આતંકવાદનું કેન્દ્ર બિંદુ ગણાવ્યું હતું. જે બાદ ઓસ્ટ્રિયાના નેશનલ બ્રોડકાસ્ટર ઓઆરએફને આપેલા એક ઇન્ટર્વ્યુમાં જ્યારે પત્રકારે પાકિસ્તાન માટે આ પ્રકારની વાત કહેવા પર જયશંકરને સવાલ પૂછ્યો તો તેમણે આ જવાબ આપ્યો છે.

પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર બિંદુ કહેવાના સવાલ પર એસ. જયશંકરે કહ્યું કે, કારણ કે તમે એક રાજનાયિક છો, તેનો મતલબ એ નથી કે તમે સત્ય ન બોલશો. હું આનાથી પણ વધારે કડક શબ્દોનો ઉપયોગ કરી શકું છું. તેથી મારો વિશ્વાસ કરો, ભારતની સાથે જે થઇ રહ્યું છે, તેના માટે આતંકવાદનું કેન્દ્ર બિંદુ ઘણું નાનું અને રાજનાયિક શબ્દ છે.

પાકિસ્તાન પર નિશાનો સાધતા એસ. જયશંકરે કહ્યું કે, આ એ દેશ છે, જેણે થોડા વર્ષો પહેલા ભારતની સંસદ પર હુમલો કરાવ્યો હતો, મુંબઇ શહેર પર હુમલો કરાવ્યો હતો, જે દરરોજ સરહદ પારથી આતંકવાદીઓને ભારત મોકલે છે. એસ. જયશંકરે કહ્યું કે, જ્યારે દિવસના અજવાળામાં શહેરોમાં આતંકવાદીઓના કેમ્પ સંચાલિત થઇ રહ્યા છે તો શું તમે ખરેખર મને કહી શકો છો કે પાકિસ્તાનને કંઇ ખબર જ નથી કે ત્યાં ચાલી શું રહ્યું છે અને ખાસ કરીને ત્યારે કે જ્યારે તેમને મિલિટ્રી સ્તરની ટ્રેનિંગ આપવામાં આવી રહી હોય. એસ. જયશંકરે યુરોપિયન દેશો પર નિશાનો સાધતા આગળ કહ્યું કે, તેથી જ્યારે અમે વિચારો અને મૂલ્યોની વાત કરીએ છીએ તો યુરોપના દેશ દાયકાઓથી થઇ રહેલી આ હરકતોની નિંદા કેમ નથી કરતા.

પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધના સવાલ પર એસ. જયશંકરે કહ્યું કે, તેમને લાગે છે કે, વિશ્વએ આ સમયે આતંકવાદને લઇને ચિંતિત થવાની જરૂર છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, વિશ્વએ આ વાતથી ચિંતિત થવું જોઇએ કે આતંકવાદ સતત વધતો જઇ રહ્યો છે, પછી પણ વિશ્વ તેને અવગણી રહ્યું છે.

વિદેશ મંત્રીએ આગળ કહ્યું કે, દુનિયાને લાગે છે કે, આ તેમની પરેશાની છે, કારણ કે, આ બીજા દેશોની સાથે થઇ રહ્યું છે. જ્યારે, વિશ્વને આ ચિંતા કરવાની જરૂર છે કે, આતંકવાદીઓથી મળી રહેલા પડકારોને કઇ રીતે મજબૂતીથી સામનો કરવો જોઇએ.

સોમવારે ઓસ્ટ્રિયાના પ્રવાસ પર પોતાના સમકક્ષ એલેક્ઝાન્ડર શાલેનબર્ગ સાથે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પ્રેસ કોન્ફરન્સ પણ કરી. એસ. જયશંકરે આગળ કહ્યું કે, અમે વારે વારે કહી રહ્યા છીએ કે, આતંકવાદ અને હિંંસાથી મુક્ત વાતાવરણની અંદર ભારત પણ પાકિસ્તાનની સાથે સારા પડોસીની જેમ રહેવાની ઇચ્છા રાખે છે.

વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતે હંમેશાં પાકિસ્તાનને કહ્યું છે કે, વાર્તા અને આતંકવાદ એક સાથે આગળ ન વધી શકે. તેથી અમે કેટલીક વખત પાકિસ્તાનથી ભારત પર હુમલા કરનારા આતંકવાદી સંગઠનો વિરૂદ્ધ મોટા પગલાં ઉઠાવવા માટે પણ કહ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ઓસ્ટ્રિયાના પ્રવાસ પર છે. ગયા 27 વર્ષોમાં પહેલી વખત બંને દેશોના વિદેશ મંત્રીઓએ મુલાકાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp