જાપાનમાં સેક્સ ક્રાઈમનું વધી રહ્યું છે પ્રમાણ! સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય

PC: twitter.com\

જાપાનમાં સરકારે સેક્સ માટે સહમતિની ઉંમર વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સેક્સ માટે સહમતિની ઉંમરને અંગ્રેજીમાં એજ ઓફ કોન્સેન્ટ કહે છે. સરળ ભાષામાં સમજીએ તો, એ ઉંમર જેમા કોઈ વ્યક્તિ શારીરિક સંબંધ બનાવવાની સહમતિ આપી શકે છે. સામાન્યરીતે તેને વ્યક્તિની માનસિક અને શારીરિક ક્ષમતા સાથે જોડીને જોવામાં આવે છે. બધા દેશોમાં તેના અલગ-અલગ માપદંડો છે. નાઈજીરિયામાં આ મર્યાદા 11, જર્મનીમાં 14, ફ્રાન્સમાં 15, યુકેમાં 16, ભારતમાં 18 વર્ષ છે. જાપાનમાં એજ ઓફ કોન્સેન્ટ 13 વર્ષની છે. આ સીમા 1907માં નક્કી કરવામાં આવી હતી. 116 વર્ષ બાદ એવુ શું થયુ કે સરકાર તેને વધારીને 16 વર્ષ કરવાની તૈયારી કરી રહી છે?

2019માં માર્ચ મહિનામાં જાપાનના લોકોમાં ગુસ્સો હતો. ઘણા શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કારણ કે, જાપાનની જિલ્લા કોર્ટે રેપના ચાર મામલામાં આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા. સૌથી ચોંકાવનારો કેસ 19 વર્ષની એક છોકરીનો હતો. આ કેસમાં રેપનો આરોપી છોકરીનો પિતા હતો. આરોપ અનુસાર, જ્યારે છોકરી જૂનિયર સ્કૂલમાં હતી, ત્યારથી પિતા તેની સાથે રેપ કરી રહ્યો હતો. છોકરી ના પાડે તો તેને માર મારીને ધમકાવતો હતો. આ તથ્ય માનવા છતા નીચલી કોર્ટે રેપના આરોપોને રદ્દ કરી દીધા. કહ્યું કે, છોકરીનું નિવેદન વિશ્વાસપાત્ર નથી. એ સાબિત કરવુ ખૂબ જ મુશ્કેલ છે કે, દીકરી પોતાના પિતાને રોકવામાં સમર્થ નહોતી. જો તે ઈચ્છતે તો પિતાને રોકી શકતી હતી.

આ આધાર પર કોર્ટે પિતાને છોડી દીધો. જાપાનના કાયદામાં યૌન શોષણના આરોપ સાબિત કરવા માટે બે જરૂરી શરતો છે.

પહેલી, પીડિતે પોતાની સહમતિ ના આપી હોય. બીજી શરત છે કે, પીડિતે એ સાબિત કરવાનું રહેશે કે તે યૌન શોષણ રોકવામાં સમર્થ નહોતી. તે કેસમાં કોર્ટને લાગ્યું કે, છોકરી પોતાના પિતાને રોકી શકતી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં એવુ પણ કહ્યું કે, એવુ શક્ય જ નથી કે સાત લોકોના પરિવારમાં કોઈ અન્યને તેની જાણ પણ ના થાય. 2020માં ટોકિયો હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને રદ્દ કરી દીધો. હાઈકોર્ટે છોકરીના આરોપોને સાચા માન્યા અને દોષી પિતાને દસ વર્ષની જેલની સજા સંભળાવી. સુપ્રીમ કોર્ટે તે સજાને યોગ્ય ઠેરવી.

આ કેસમાં એક વર્ષ બાદ ન્યાય મળ્યો. જોકે, તે પહેલા જ જાપાનમાં બવાલ થઈ ચુકી હતી. એપ્રિલ 2019માં અલગ-અલગ શહેરોમાં પ્રોટેસ્ટ શરૂ થઈ ચુક્યા હતા. લોકો સેક્સ ક્રાઈમ માટે બેનેલા કાયદામાં બદલાવની માંગને લઈને ભેગા થઈ રહ્યા હતા. જાપાનનો પીનલ કોડ 1907માં બન્યો હતો. તેમા જ સેક્સ ક્રાઈમની વ્યાખ્યા અને અપરાધ માટે સજા નિર્ધારિત છે. તેમા પહેલું સંશોધન2017માં કરવામાં આવ્યું હતું. સંશોધન બાદ પીડિતની ફરિયાદ વિના પણ કેસ દાખલ કરી શકાતો હતો.

2019ના પ્રોટેસ્ટ દરમિયાન લોકોએ તેમા વધુ લૂપહોલ્સ તરફ ધ્યાન દોર્યું. એક મામલો એજ ઓફ કોન્સેન્ટ સાથે સંકળાયેલો હતો. જે સમયે જાપાનનો પીનલ કોડ બન્યો હતો, તે સમયનો સમાજ રૂઢિવાદી હતો. કાયદો બનાવવામાં મહિલાઓની ભૂમિકા નહિવત હતી. પુરુષો સેક્સની ઉંમરને માસિકધર્મ સાથે જોડતા હતા. જેવી છોકરીની પ્યુબર્ટી આવી, તેવી તેને સેક્સ માટે યોગ્ય સમજી લેવામાં આવતી હતી. જાપાને જ્યારે એજ ઓફ કોન્સેન્ટ 13 વર્ષ નક્કી કરી, તે સમયે મહિલાઓનું સરેરાશ આયુષ્ય 44 વર્ષ હતું. વધુમાં વધુ બાળકો પેદા કરવા માટે નાની ઉંમરમાં તેમના લગ્ન કરાવી દેવામાં આવતા હતા. સેક્સુઅલ કોન્સેન્ટની ઉંમર સીમા ઘટાડવાનું એક કારણ એ પણ હતું.

યૌન અપરાધીઓએ તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેમણે કાયદામાં ખામીઓ શોધી અને અપરાધ કરતા રહ્યા. ક્યોડો ન્યૂઝના એક રિપોર્ટમાં 2017ના એક સરકારી સર્વેનો ઉલ્લેખ છે. સર્વેમાં 20 વર્ષથી નાની ઉંમરની મહિલાઓ અને પુરુષોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. તેમા સામે આવ્યું કે, દર 13માંથી 1 મહિલા સાથે જબરદસ્તી શારીરિક સંબંધો બનાવવામાં આવ્યા હતા. પુરુષોમાં આ આંકડો 67માં એક હતો.

એજ ઓફ કોન્સેન્ટ વધારવાનું કારણ

નંબર એક- વિકસિત સમજ. માનવામાં આવે છે કે, ઉંમર વધવાની સાથે મેચ્યોરિટી આવે છે. નાની ઉંમરના બાળકોને સરળતાથી મેનિપ્યુલેટ કરી શકાય છે. તેમને કાયદાની સંપૂર્ણ જાણકારી નથી હોતી. તેમને સાચા-ખોટાંનું ભાન નથી હોતું. આથી, તેઓ સેક્સને લઈને પોતાનો અભિપ્રાય બનાવવા માટે સક્ષમ નથી હોતા. સામાન્યરીતે 16 વર્ષની ઉંમરના લોકો કોલેજમાં એડમિશન લઈ લે છે. તેમની પાસે પોતાની આસપાસની દુનિયાની વધુ સારી સમજ આવી જાય છે.

બીજું કારણ- બીજું કારણ કાયદાની વ્યાખ્યા સાથે સંકળાયેલું છે. જો સહમતિવાળી ઉંમર કરતા નાની ઉંમરના વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવવામાં આવે તો તે આપમેળે રેપની કેટેગરીમાં આવી જાય છે. આથી, આરોપી કોન્સેન્ટનો હવાલો આપીને કાયદાથી બચી ના શકે.

ત્રીજું કારણ- ત્રીજા કારણનો સંબંધ વધતા સેક્સ ક્રાઈમ સાથે છે. જાપાન સરકાર એજ ઓફ કોન્સેન્ટને વધારવાની સાથોસાથ કેટલાક અન્ય નિયમ બદલવાની છે. પ્રસ્તાવ છે કે, સગીરોને દેહ-વ્યાપાર માટે તૈયાર કરવાને અપરાધ માનવામાં આવશે. નશાની હાલતમાં કરવામાં આવેલી અનિચ્છનિય હરકતોને પણ રેપની કેટેગરીમાં રાખવામાં આવશે. આ ઉપરાંત, યૌન અપરાધની ફરિયાદ કરવાની મહત્તમ સમય મર્યાદા 15 વર્ષ કરવામાં આવશે. એટલે કે, અપરાધના 15 વર્ષો સુધી પીડિત પોતાની ફરિયાદ દાખલ કરાવી શકે છે.

જાપાન સરકાર આવનારા કેટલાક મહિનાઓમાં આ તમામ બદલાવો લાગૂ કરવાની તૈયારી કરી રહી છે. જો આવુ થશે, તો જાપાનમાં સેક્સ ક્રાઈમને રોકવામાં મોટી મદદ મળશે. જોકે, તેની સફળતા એ વાત પર નિર્ભર કરે છે કે, શું આ કાયદો સામાન્ય લોકોની પહોંચમાં છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp