60 હજારનો પગાર અને રહેવા માટે ઘર, બસ આ શરતો માનવી પડશે!

આ વધી રહેલી મોંઘવારીમાં સૌ કોઈને સારા પગાર ધોરણવાળી નોકરી જોઈએ છે. એક કંપનીએ આવી જ સારા પગારની નોકરી માટે જાહેરાત કરી છે. પણ આ નોકરી માટે અમુક એવા નિયમો છે, જેના વિશે સાંભળી તમે પણ વિચારમાં પડી જશો. આપણા દેશમાં નોકરીને લઈ ખાવા-પીવાના કોઈપણ નિયમ રાખવામાં આવતા નથી. પણ પાડોશી દેશ ચીનમાં આવી એક શરતી નોકરીની જાહેરાત કરવામાં આવી છે.
ખાણી પીણી ઘણીવાર મોટી સમસ્યા બની જાય છે. શાકાહારી લોકોને એવી જગ્યાએ મુશ્કેલી પડી જાય છે જ્યાં માંસાહારનું ચલણ વધારે છે. તો આવી જ પરેશાની માંસાહારીઓને પણ થાય છે. જોકે તેમ છતાં લોકો પૈસા કમાવવા માટે એવી જગ્યાએ જતા રહે છે, જ્યાં તેમને ખાવા-પીવાનું યોગ્ય રીતે મળતું નથી. પણ મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે નોકરી કરવા માટે તમારી સમક્ષ ખાવા-પીવા સંબંધી નિયમ રાખવામાં આવે છે.
પગાર સારો પણ શરત હટકે
ચાઈનીઝ સોશિયલ મીડિયા પર ખાવા-પીવાની શરતની સાથે એક નોકરીની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત એ લોકો માટે ચોંકાવનારી છે, જેઓ માંસાહારી છે. આવા લોકોની વચ્ચે જો શાકાહારી કેન્ડિડેટની શોધ કરવામાં આવે તો મુશ્કેલીમાં પડી શકાય છે.
60 હજાર પગાર, રહેવા માટે ઘર
રિપોર્ટ અનુસાર, ચીનના શેનઝેન વિસ્તારની એક કંપનીએ પોતાને ત્યાં નોકરી આપવા માટે એવી શરત રાખી છે કે સોશિયલ મીડિયા પર લોકો સવાલ ઊભા કરી રહ્યા છે. 8 જુલાઈના રોજ જાહેરાતમાં ઓપરેશન એન્ડ મર્ચેન્ડાઈર્ઝ્સના રોલ માટે જોબ બહાર પાડવામાં આવી. જેમાં 50000 યુઆન એટલે કે 60 હજાર રૂપિયા મહિને પગાર આપવામાં આવશે. સાથે કર્મચારીને રહેવા માટે કંપની તરફથી મકાન પણ મળશે. જોકે આના માટે અમુક શરતોનું પાલન પણ કરવાનું રહેશે.
આ છે શરતો
કંપનીની શરત છે કે, નોકરી માટે માત્ર એ લોકો જ યોગ્ય ગણાશે જેઓ દયાળુ અને વ્યવહારમાં સારા હોય. જેઓ ન તો ધૂમ્રપાન કરતા હોય અને ન તો દારૂ પીતા હોય. શાકાહારી હોવું પણ જરૂરી છે. કંપનીના હ્યૂમન રિસોર્સ વિભાગનું કહેવું છે કે જો તમે માંસાહાર કરો છો, તો કોઈ પ્રાણીનું બલિદાન કરો છો. જે ક્રૂરતા છે. આ કંપનીના કોર્પોરેટ કલ્ચરમાં આવું થતું નથી. કંપનીના કેન્ટિનમાં પણ નોનવેજ પીરસવામાં આવતું નથી. જે પણ અહીં નોકરી કરવા માગે છે તેમણે આ શરતોનું પાલન કરવાનું રહેશે. સોશિયલ મીડિયા પર કંપનીના આ નિયમો લોકોને પસંદ આવી રહ્યા નથી.
દેખીતી વાત છે કે ચીનમાં માંસાહારનું ચલણ વધારે છે. ત્યાંના લોકો માંસાહારનું ગ્રહણ વધારે કરે છે. જેથી તેમના માટે આવા નિયમોનું પાલન કરવું મુશ્કેલીની વાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp